ચીનના અરબપતિ કોરોબારી બાઓ ફૈન ગાયબ થયાની ખબર આગની જેમ ફેલાઈ રહી છે. તેમની કંપની રેનસોએ હોંગકોંગ સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી આપતા જણાવ્યું હતું કે કંપની બાઓના સંપર્કમાં નથી. 52 વર્ષીય બાઓ બે દિવસથી ક્યાં છે તે કોઈને ખબર નથી. આ વાત ફેલાતા જ કંપનીના શેરમાં 50 ટકા ઘટાડો નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ચીનના હાઈ પ્રોફાઈલ ઈન્વેસ્ટર બેંકર બાઓ ફૈનના ગાયબ થવાની ખબરે નાણાકીય જગતમાં ભૂકંપ લાવી દીધો છે. તે રેનસો હોલ્ડિંગ્સના ચેરમેન અને સીઈઓ છે.
કંપનીએ જ જાહેરમાં જણાવ્યું છે કે તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. એક બિઝનેસ સંબંધીત ખબરો આપતા મીડયા હાઉસના જણાવ્યા અનુસાર તેમની કંપનીના પ્રેસિડેન્ટની ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલામાં ઘણા સમયથી પૂછપરછ ચાલી રહી છે. બાઓનો પરિવાર પણ તેમના ખબરઅંતર જાણતો ન હોવાનો દાવો થઈ રહ્યો છે.
જોકે ચીનમાં આ નવું નથી. કોઈપણ કંપનીના ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે તેના માલિકનું ગાયબ થવાના સમાચારો આવતા હોય છે. 2021મા ચીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોહિમ ચાલુ કરી હતી. જેના દાયરામાં ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સેક્ટરની ઘણી કંપનીઓ આવી હતી. અલીબાબાના સ્થાપક જૈક મા પણ એક વર્ષ સુધી ગાયબ રહ્યા હતા.