ભારતમાં UPI payment system ઘણી સફળ થઇ છે. નાના નાના ફેરિયાઓથી માંડીને મોટા મોટા બિઝનેસ હાઉસો પણ પણ UPI payment system ધરાવતા થઇ ગયા છે. ભારતે જ્યારે આ પેમેન્ટ સિસ્ટમ અપનાવી ત્યારે તેની સફળતા વિશે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવતા હતા કે દેશના મોટા ભાગના લોકો એને સમજી નહીં શકે. બધા પાસે બેંક એકાઉન્ટ પણ નથી. જોકે, આવી ધારણાઓથી વિપરિત ભારતની UPI payment systemએ ઘણો સારો દેખાવ કર્યો છે. આ સિસ્ટમની સફળતાથી પ્રેરાઇને હવે જાપાન જેવા ટેક્નિકલ બાબતોમાં અગ્રેસર દેશે પણ તેમાં રસ દાખવ્યો છે.
જાપાનના ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર કોનો તારોએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતની UPI સિસ્ટમને સમજવા માટે જાપાન સરકાર દ્વારા એક ખાસ પ્રતિનિધિ મોકલવામાં આવશે. તેઓ પોતાના દેશમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પણ સંમત થયા હતા. એપ્રિલમાં G7 મીટિંગ પછી, UPI સિસ્ટમ હેઠળ બંને દેશો વચ્ચે આર્થિક વ્યવહારોના મુદ્દાને સમજવા માટે જાપાનનું એક પ્રતિનિધિમંડળ ભારત આવશે, એમ કોનો તારોએ જણાવ્યું હતું.
તાજેતરમાં જ UPI પેમેન્ટ એપ સિંગાપોર, મલેશિયામાં લોન્ચ કરવામાં આવી હતી. અન્ય દેશો સાથેની આ સુવિધા દેશના લોકોને આર્થિક સંકડામણની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. વધુને વધુ દેશો UPI સિસ્ટમમાં જોડાઇ રહ્યા છે.