હવે દર્શકોને નવા ‘તારક મહેતા’ પહેરાવશે ઊલ્ટા ચશ્માં

મેટિની

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ‘ઊલ્ટા ચશ્માં’માં નવા તારક મહેતા કોણ બનશે એનો નિર્ણય મેકર્સે લઈ લીધો છે. શૈલેશ લોઢાએ વર્ષો સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યા બાદ શો છોડી દીધો છે અને શોનો આ મહત્વનો રોલ હવે અભિનેતા સચિન શ્રોફ ભજવવાના છે. શૈલેષ લોઢાએ તારક મહેતા કા ‘ઊલ્ટા ચશ્માં’માંથી એક્ઝિટ લીધા બાદ દર્શકો એ જાણવા આતુર હતા કે શૈલેષ લોઢા તારક મહેતા તરીકે પાછા આવશે કે તેમની જગ્યા કોઈ બીજું લેશે?
ઉલ્લેખનીય છે કે, દયાબેન તરીકે દિશા વાકાણીએ વિદાય લીધા બાદ શોની વાર્તા દયાબેન વગર જ દોડી રહી છે. બીજી તરફ ચાહકોને આટલા સમયમાં અઢળક પાત્રોનું રિપ્લેસમેન્ટ જોવા મળ્યું છે. ટપુથી માંડીને અંજલી ભાભી સુધીના પાત્રોને નવો ચહેરો મળ્યો છે. હવે તારક મહેતાના મુખ્ય પાત્ર માટે સચિન શ્રોફ પર મહોર લાગી છે. સચિન શ્રોફે ‘કુમકુમ’, ‘શગુન’, ‘સિંદૂર તેરે નામ કા’, ‘સાત ફેરે’, ‘નાગિન’ સહિતની ટીવી સિરિયલો કરી છે અને છેલ્લે તેઓ બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ’માં જોવા મળ્યા છે.
સચિન શ્રોફે તારક મહેતા કા ‘ઊલ્ટા ચશ્માં’નું શૂટિંગ પણ શરૂ કરી નાખ્યું છે એટલે તેઓ ટૂંક સમયમાં પડદા પર જોવા મળશે. મેકર્સનું કહેવું છે કે, ૧૫ વર્ષ સુધી ચાલતા શોમાં ઉતાર-ચઢાવ તો આવવાના. અમારૂ એકમાત્ર ધ્યેય દર્શકોનું મનોરંજન કરવાનું છે.’ હવે જોવાનું એ છે કે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે.
———
‘કે દિલ અભી ભરા નહીં’… ૮૯ વર્ષનાં આશા ભોસલે કહે છે: ઈચ્છાઓ ૮૯થી પણ વધુ છે!

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ તાજેતરમાં પોતાનો ૮૯મો જન્મદિવસ ઉજવ્યો. અગિયાર દાયકામાં ૨૦ ભાષાઓમાં ૧૧૦૦૦ ગીતો ગાવાનો રેકોર્ડ ધરાવનારા આશાજીની ઊર્જા અને ચહેરા પરનું સ્મિત આજે પણ બરકરાર છે. તેમણે ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે, જેના પર તેઓ પોતાના અનુભવનો નિચોડ આપી રહ્યા છે. તેઓ સ્ટ્રેસને દૂર કરવા ડેસ્ટિનેશન ટ્રીપ પર જાય છે અને પૌત્રી જમાઈ સાથે એક મિત્રની જેમ હરવા-ફરવા પણ નીકળી પડે છે. તેમની પૌત્રીનું કહેવું છે કે તેમના સહેલી આશા ભોસલે માનસિક, ભાવનાત્મક અને લગભગ શારીરિક રીતે ૨૦ વર્ષનાં જ છે! તેમની વચ્ચે કોઈ ફોર્મલ સંબંધ નથી. આશા તાઇ તેના દરેક સપનાને પ્રોત્સાહન આપે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્વર સામ્રાજ્ઞી લતા દીદીએ દુનિયાને અલવિદા કહ્યું છે અને તેમનો પરિવાર હજુ પણ તેનો શોક મનાવી રહ્યું છે. જમાઈ કહે છે કે, કોરોનાએ શીખવ્યું છે કે જીવન કેટલું કિંમતી છે અને એટલે જ દરેક ક્ષણને સેલિબ્રેટ કરવી જોઈએ. અમારું સૌભાગ્ય છે કે અમે આશા તાઈની ૮૯મી વર્ષગાંઠ મનાવી રહ્યાં છીએ.
તો આશા ભોસલેનું કહેવું છે કે ‘તેમની ઈચ્છાઓ તો ૮૯થી પણ વધુ છે. તેઓ નવા-નવા ગીતો ગાવા માગે છે, દરેક પ્રકારની નવી ચીજો શીખવા માગે છે, વધારે પેઈન્ટિંગ કરવા માગે છે અને બોર્ડર પર જવાનોને મળવા માગે છે.’ આશા ભોસલેની સકારાત્મક ઊર્જા અને જોમ યુવાનોને પળેપળ જીવવાની પ્રેરણા આપે છે.
——-
મર્ડર મિસ્ટ્રી સિરીઝ ‘હશ હશ’માં જુહી ચાવલા અને આયશા ઝુલ્કાનું ડિજિટલ ડેબ્યુ

હાલ ઓટીટીનો યુગ છે અને તેનો એક ફાયદો એ છે કે ક્યાંક ખોવાઈ ગયેલા કે જૂના કલાકારોને
અભિનય કરતા જોવાનો લહાવો દર્શકોને મળે છે. કોરોના લૉકડાઉન દરમિયાન તો ફિલ્મો ઓટીટી પર રિલીઝ થતી જ, પણ હવે તેની બોલબાલા જોતાં અમુક
ફિલ્મો સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવી રહી છે, જેમાં અક્ષય કુમાર અભિનિત ‘કટપૂતલી’ તાજેતરનું ઉદાહરણ છે.
છેલ્લા કેટલાક સમયથી જાણીતાં બોલીવુડ કલાકારો ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે, જેમાં હવે જુહી ચાવલા અને આયશા ઝુલ્કાનું નામ ઉમેરાયું છે.
૯૦ના દાયકાની આ બંને લોકપ્રિય અભિનેત્રીઓ એક ઓટીટી પ્લેટફોર્મ પર ‘હશ હશ’ નામની વેબ સિરીઝથી ડેબ્યુ કરશે.
‘હશ હશ’ એક મર્ડર મિસ્ટ્રી સિરીઝ છે, જેમાં સોહા અલી ખાન, કરિશ્મા તન્ના, શહાના ગોસ્વામી, કૃતિકા કામરા જેવા કલાકારો છે. વેબ શોની વાર્તા ચાર મિત્રો- સંગમિત્રા (જુહી ચાવલા), સાઇબા ત્યાગી (સોહા અલી ખાન), ઝાયરા શેખ (શહાના ગોસ્વામી) અને ડોલી દલાલ (કૃતિકા કામરા)ની આસપાસ ફરે છે. બહારથી ઝાકમઝોળ લાગતી તેમની જિંદગીના એક પછી એક રહસ્યો બહાર આવે છે. કરિશ્મા તન્ના આ શોમાં એક પોલિસ ઓફિસર તરીકે જોવા મળશે.
૨૨ સપ્ટેમ્બરે રિલીઝ થનારી અને કુલ ૭ એપિસોડની સિરીઝ ‘હશ હશ’ના ડિરેક્ટર ‘સંઘર્ષ’, ‘કરિબ
કરિબ સિંગલ’ ફેમ તનુજા ચંદ્રા છે, તો નેશનલ ઍવોર્ડ વિજેતા લેખક જુહી ચતુર્વેદીએ સિરીઝના ડાયલોગ
લખ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.