ઐરોલી-કાટઈ નાકા પ્રોજેક્ટમાં ગર્ડર નાખવાનું કામ પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી અને નવી મુંબઈની વચ્ચેની ટ્રાફિકની સમસ્યા બહુ જલદી હળવી થવાની છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ (એમએમઆરડીએ) થાણે-બેલાપુર રસ્તા પર ઐરોલી-કાટઈ નાકા ફ્રીવે પ્રોજેક્ટના પહેલા ભાગમાં ઐરોલીની બાજુએ છેલ્લો ગર્ડર નાંખીને લૉન્ચિંગ કામ પૂરું કર્યું હતું. થાણે-બેલાપુર રોડ પર ભારત બિજલી જંકશન ઐરોલીમાં કુલ ૧૬ પીએસસી આઈ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગર્ડર ૨૩થી ૨૮ મીટર લંબાઈના હોઈ દરેક ગર્ડરનું વજન લગભગ ૪૮ મેટ્રિક ટન છે. લગભગ ૨૫૦ મેટ્રિક ટન ક્ષમતાના બે ક્રેનની મદદથી આ ગર્ડર નાખવાનું કામ પૂરું કરવા માટે બે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યા હતા. પહેલો બ્લોક ૨૫ અને ૨૬ માર્ચના અને બીજો બ્લોક ૨૯ અને ૩૦ માર્ચ દરમિયાન રાતના ૧૦.૩૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે એમએમઆરડીએએ કલ્યાણ-ડોંબિવલી અને નવી મુંબઈ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ૧૨.૩ કિલોમીટરના એૈરોલી-કાટઈ નાકાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ઐરોલી-કાટઈ નાકા પ્રોજેક્ટ મુલુંડ-ઐરોલી પુલથી ચાલુ થઈને થાણે-બેલાપુર માર્ગે અને નેશનલ હાઈવે રોડ નંબર ચાર પરથી કલ્યાણ-શીળ રસ્તા પર કાટઈ નાકા સુધી ફેલાયેલો છે. આ પ્રોજેક્ટને કારણે વાહનોને પર્યાયી માર્ગ ઉપલબ્ધ થશે. તેમ જ કલ્યાણ-ડોંબિવલી અને નવી મુંબઈ આ બંને વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. ૧૨.૩ કિલોમીટર લંબાઈનો આ પ્રોજેક્ટ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં થાણે-બેલાપુર રોડ અને નેશનલ હાઈવે રોડ નંબર ચાર (જૂનો મુંબઈ-પુણે હાઈ-વે) દરમિયાન ૩.૪૩ કિલોમીટર લંબાઈના રસ્તાના બાંધકામનો સમાવેશ થાય છે.
પહેલા ભાગમાં ૩+૩ રોડ સહિત ૧+૧ રેફ્યુજ રોડનો ૧.૬૯ કિલોમીટર લંબાઈની ટુ વે ટનલ અને બાકીનો રસ્તો એલીવેટેડ અને સામાન્ય હશે. આ ભાગમાં એલિવેટેડ રસ્તાનું કામ ૯૨ ટકા પૂરું થઈ ગયું છે. તો ટનલનું કામ ૬૬ ટકા થઈ ગયું છે. બીજા ભાગમાં ૨.૫૭ કિલોમીટરનો સંપૂર્ણ એલિવેટેટ રસ્તો જે મુલુંડ-ઐરોલી પુલને થાણે-બેલાપુલ રોડને જોડશે. આ ભાગમાં લગભગ ૬૭.૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. પ્રોજેક્ટના ત્રીજા ભાગમાં કલ્યાણ-શીળ રોડ પર નેશનલ હાઈવે રોડ નંબર ચારથી કાટઈ નાકાને જોડનારો ૬.૩૦ કિલોમીટરનો સંપૂર્ણ એલિવેટડ રોડ હશે.