Homeધર્મતેજતમારી સમસ્યાનું સમાધાન હવે દેવો અને દાનવોએ સાથે મળીને જ કાઢવું પડશે

તમારી સમસ્યાનું સમાધાન હવે દેવો અને દાનવોએ સાથે મળીને જ કાઢવું પડશે

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: સમસ્ત સંસાર શ્રીહીન થઈ જતાં માતા લક્ષ્મી, ચાર વેદ અને દેવગણોના અસ્ત્રશસ્ત્ર લુપ્ત થઈ જતાં દેવગણો શક્તિહીન થઈ જાય છે. સંસાર શ્રીહીન થતાં સામે અસુર પક્ષે ઉત્સાહ વધી જાય છે. અસુર પિતામહ વજરાંક રાજા બલીને શોધી કાઢે છે અને કહે છે ‘સમય આવી ગયો છે કે તમે આક્રમણ કરી દેવગણોને સ્વર્ગલોકની હાંકી કાઢો અને સ્વર્ગલોકથી અમૃત કળશ મેળવી અસુરો અમર થઈ જાય. જાઓ રાજા બલી વિજય થાઓ.’ રાજા બલીને મોકો દેખાતાં તેઓ સૈન્ય સાથે સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. યુદ્ધ દરમિયાન મોકો મળતાં રાજા બલી અમૃત કળશની શોધ કરે છે અને તેને અમૃત કળશ મળતાં તેને લઈ પલાયન થવા હેલા દેવરાજ ઈન્દ્ર તેની સામે આવી પહોંચે છે. દેવરાજ ઈન્દ્ર અને રાજા બલિની ખેંચાખેંચીમાં અમૃત કળશ બંનેના હાથમાંથી છૂટી નીચે મહાસાગરમાં સમાઈ જાય છે. દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઈન્દ્ર અને દેવગણો સહિત બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્માજી કહે છે: ‘સંસાર શ્રીહીન થવાથી મારા ચાર વેદ લુપ્ત થઈ ગયા છે, આપણે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જવું જોઈએ.’ સમસ્ત દેવગણો તેમની સાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે ‘દેવગણો જુઓ સંસાર શ્રીહીન થવાથી દેવી લક્ષ્મી પણ લુપ્ત થઈ ગયા છે, આપણે ભગવાન શિવ પાસે જવું જોઈએ તેઓ જ યોગ્ય માર્ગદર્શન આપી શકશે.’ સમસ્ત દેવગણો કૈલાસ પહોંચતાં ભગવાન શિવ કહે છે, ‘દેવર્ષિ યાદ રહે કે દરેક અનર્થમાં અર્થ અવશ્ય હોય છે, કદાચ આ ઘટના દેવતાઓ અને અસુરો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને સંધીમાં પરિણમી શકે છે. સાચા સમયની રાહ જુઓ બધુ યોગ્ય થશે.‘ બીજી તરફ દક્ષિણના પ્રદેશમાં અમૃત કળશના સમાચાર મળતાં રાજા નમ્બી કુમાર કાર્તિકેય પાસે પહોંચે છે અને કહે છે ‘સેનાપતિ મુરુગન, અમને સમાચાર મળ્યા છે કે અસુર રાજા બલિએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું છે અને અમૃત કળશ મહાસાગરમાં સમાઈ ગયો છે. મારા મતે તમારે દેવગણોની સહાય માટે જવું જોઈએ.’ તો કુમાર કાર્તિકેય કહે છે ‘નહીં મહારાજ, ત્યાં મારી કોઈ આવશ્યકતા નથી. મારા પિતા ભગવાન શિવે મને દક્ષિણની સુરક્ષા માટે મોકલ્યો છે, હું તેમની અવજ્ઞા કરી દક્ષિણને અસુરક્ષિત છોડી ન જઈ શકું, તેઓ પોતે ત્યાં હાજર છે અને મારી જરૂરત હશે તો મને જરૂર બોલાવશે.’
સામે અસુરપક્ષે અસુર પિતામહ વજરાંક, અસુર ગુરુ શુક્રાચાર્ય અને રાજા બલિ વચ્ચે વાર્તાલાપ દરમિયાન રાજા બલી દુ:ખી થઈ કહે છે કે ‘અસુરોની બધી મહેનત મારા કારણે વ્યર્થ ગઈ છે, અમૃત કળશ હું સાચવી ન શક્યો. હવે આપણે લક્ષ્ય નિર્ધારીત કરી આગળ વધવું જોઈએ.’
***
અસુર પક્ષે ચર્ચા બાદ અસુરગુરુ શુક્રાચાર્ય ભગવાન શિવને મળવા કૈલાસ પહોંચી ભગવાન શિવનો જયજયકાર કરતાં શિવજી તપમાંથી બહાર આવે છે અને કહે છે, ‘બોલો શુક્રાચાર્ય અહીં કેમ પધાર્યા છો.’
શુક્રાચાર્ય: ‘પરમેશ્ર્વર આપ ત્રિકાળ જ્ઞાની છો, ભૂત ભવિષ્ય આપને બધું જ જ્ઞાત છે. દુર્વાસા ઋષિના શ્રાપથી આ સૃષ્ટિએ ખૂબ ગુમાવ્યું છે હું અસુરો તરફથી તમારી પાસે આશા લઈને આવ્યો છું.’
ભગવાન શિવ: ‘શુક્રાચાર્ય, જે ઘટી રહ્યું છે એ કંઈ નવું નથી, ન્યાય અને અન્યાયનો સંઘર્ષ સદાય ચાલતો આવ્યો છે. ક્યારેક ન્યાયનું પલડું ભારી તો ક્યારેક અન્યાયનું પલડું ભારી.’
શુક્રાચાર્ય: ‘મહાદેવ તમે જ આ સંકટમાંથી સૃષ્ટિને બહાર કાઢી શકો છો.’
ભગવાન શિવ: તમારી સમસ્યાનું સમાધાન હવે દેવો અને દાનવોએ સાથે મળીને જ કાઢવું પડશે અને એ સમાધાન છે સમુદ્ર મંથન. સમુદ્ર મંથનમાં નીકળનારાં રત્નોની વહેંચણી દેવ અને દાનવોની યોગ્યતા પ્રમાણે કરવામાં આવશે અને અસુરરાજ બલિ અને તેમના સેનાપતિ રાહુને સમજાવી દાનવોને સમુદ્ર મંથનમાં જોડાવા રાજી કરવાની જવાબદારી તમારી રહેશે.
***
શુક્રાચાર્ય અસુરરાજ બલિ અને સેનાપતિ રાહુ દાનવોને સમુદ્રકિનારે જમા કરે છે. સામે પક્ષે દેવરાજ ઇન્દ્ર દેવગણો સહિત ત્યાં
પધારે છે.
બંને પક્ષો તૈયાર થતાં દેવર્ષિ નારદ, બ્રહ્માજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં ઉપસ્થિત થાય છે. મેરુ પર્વત અને વાસુકી નાગ પણ તૈયાર હોય છે. ભગવાન શિવના આદેશ અનુસાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ કાચબાના સ્વરૂપે મેરુ પર્વતનો આધાર બને છે અને વાસુકી નાગ દોરડારૂપે મેરુ પર્વતને વીંટળાઈ જતાં સમુદ્ર મંથનની પ્રક્રિયાની શરૂઆત થવા
જાય છે.
પ્રથમ સમુદ્ર મંથનમાંથી વિષ નીકળવાં માંડ્યું. વિષને જોઈ કોઈ પક્ષ તેને સ્વીકારવા તૈયાર નહોતો. વિષ સમુદ્રમાંથી નીકળી સંપૂર્ણ સૃષ્ટિમાં ફેલાવા લાગ્યું. સૃષ્ટિમાં બધે હાહાકાર મચી ગયો. સૃષ્ટિ પર ફેલાતા વિષથી પશુપક્ષીઓ તરફડવા માંડ્યાં. તપમાં લીન ભગવાન શિવને એની જાણ થતાં તેઓ સમુદ્રકિનારે પહોંચ્યા અને સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલા વિષને એક કટોરામાં જમા કરી પી ગયા. એ વિષ તેમણે તેમના ગળામાં અટકાવી રાખ્યું.
સૃષ્ટિ પર ફેલાયેલા વિષનું સંકટ ટળી ગયું તેથી જ તેમને નીલકંઠ મહાદેવ તરીકે સૃષ્ટિ ઓળખવા માંડી. સમુદ્ર મંથન આગળ વધતાં તેમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયાં અને તેમણે ભગવાન શ્રીહરિ વિષ્ણુને વરમાળા પહેરાવી. ત્યાર બાદ ચાર વેદ, નીલમણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, ઐરાવત, અસ્ત્ર, શંખ અને અપ્સરાઓ પ્રગટ થતાં દેવ અને દાનવોની યોગ્યતા પ્રમાણે આ બધી વસ્તુઓની વહેંચણી થઈ. અંતે સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ નીકળતાં જ અસુરો સમુદ્ર મંથન છોડી તેને મેળવવા પડાપડી કરવા લાગ્યા.
અમૃતનો કળશ મેળવવા પડાપડી કરી રહેલા અસુરોને જોઈ દેવગણો આકુળવ્યાકુળ થવા લાગ્યા કે આમાંથી કોઈ પણ એક અસુર જો આ અમૃત કળશનું અમૃત પી ગયો તો એ અસુર અમર થઈ જશે અને દેવગણોને સ્વર્ગલોક પાછું મળી શકશે નહીં. એટલે પરિસ્થિતિને સમજી દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે જઈ વિનંતી કરે છે. ‘હે જગદીશ્ર્વર, જુઓ આ શું થઈ રહ્યું છે. જો અસુરોને આ અમૃત કળશ મળી જશે તો તેઓ અમર થઈ જશે અને સૃષ્ટિમાં હાહાકાર મચાવશે.’
ભગવાન વિષ્ણુ અપ્સરા મોહિનીનું રૂપ લઈ અસુરો પાસે પહોંચે છે. એક સુંદર અપ્સરાને જોઈ અસુરો અચંબિત થઈ જાય છે અને તેઓ પૂછે છે કે ‘હે સુંદરી, તું ક્યાંથી આવી છે, સ્વર્ગલોકથી આવી છે કે સમુદ્રલોકથી.’
આના જવાબમાં અપ્સરા મોહિની કહે છે, ‘તમારે શું લેવા-દેવા કે હું ક્યાંથી આવી છું, પણ એટલું જ કહીશ કે હું તમને બધાને અમૃત પાન કરાવવા આવી છું, પણ આ અમૃત માટે તમે લોકો પડાપડી કેમ કરો છો, હું તમને બધાને પિવડાવીશ.’
અસુરરાજ બાલી: ‘જરૂર, તો મારાથી શરૂઆત કર અને બધા અસુરોને પીવડાવ.’
અપ્સરા મોહિની: ‘અમૃત કળશનું અમૃત દેવતાઓને મળી નથી રહ્યું અને તમને અશુદ્ધ લોકોને આ અમૃત કેવી રીતે મળી શકે? પહેલાં તમે બધા અસુરો સમુદ્રમાં સ્નાન કરી શુદ્ધ થઈ આવો તો બાદમાં હું બધા અસુરોને વારાફરતી અમૃત પિવડાવીશ.’
આટલું કહેતાં જ ઓછી બુદ્ધિવાળા અસુરો સમુદ્રમાં સ્નાન માટે દોડવા માંડ્યા, પણ બુદ્ધિશાળી રાહુને કંઈક અજુગતું થઇ રહ્યું છે એવું લાગતાં તે અસુરોને છોડી દેવતાઓનો વેશ ધારણ કરી દેવગણોમાં સામેલ થઈ ગયો. ત્યાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અપ્સરાના વેશમાં દેવગણોને અમૃતપાન કરાવી રહ્યા હતા. દેવગણોની મધ્યમાં રાહુ દેવોના વેશમાં અમૃતપાન કરવા જતાં જ સૂર્યદેવ અને ચંદ્રમાં તેને ઓળખી જાય છે અને બરાડી ઊઠે છે કે આ તો અસુર છે, પણ ત્યાં સુધીમાં અમૃતનાં થોડાં ટીપાં કળશમાંથી તેના મોઢામાં પડી જાય છે અને તે તેને ગળવાની કોશિશ કરતાં ક્રોધિત ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર રાહુનું માથું ધડથી અલગ કરી નાખે છે પણ ત્યાં સુધીમાં તેનું માથું અમર થઈ ગયું હોય છે. ત્યાર બાદ છૂટું પડેલું અમર માથું રાહુ અને શરીર કેતુરૂપે ગ્રહ બની જાય છે અને નવ ગ્રહમાં સ્થાન પામે છે, પણ તેને સૂર્યદેવ અને ચંદ્રમાને લીધે શિક્ષા મળી હોવાનું સમજી સૂર્ય અને ચંદ્રમાને થોડા થોડા સમયે ગ્રહણ કરવાનો પ્રયાસ કરતા રહે છે.
અસુરો ક્રોધિત ભગવાન વિષ્ણુના હાથે થયેલા સેનાપતિ રાહુના વધથી પાતાળલોકમાં પલાયન કરે છે અને સ્વર્ગલોક પર દેવગણોનો અધિકાર ફરી સ્થાપિત થાય છે અને માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ વૈકુંઠલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. (ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular