મુંબઇ: સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે. નવા નિયમ મુજબ હવે ૬ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે.
ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણય ચાર અને છ અંકના હોલમાર્કિંગની મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે. સોનાના ખરીદ-વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર ૬ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે. જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, નવા નિયમના અમલ બાદ ૪ અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ખાદ્ય અને ગ્રાહક બાબતના પ્રધાન પીયૂષ ગોયલે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની પ્રવૃત્તિઓની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં બીઆઇએસને દેશમાં પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ બીઆઇએસને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની ફ્રિકવન્સી વધારવા માટે પણ વાત કરવામાં આવી હતી. બીઆઇએસને ઉત્પાદન સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઉત્પાદનો જેવા કે પ્રેશર કુકર, હેલ્મેટ અને અન્ય ઉપભોક્તા ઉત્પાદનો માટે બજાર દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો છે. સોના અથવા તેમાંથી બનાવેલ કોઈપણ પ્રકારની જ્વેલરીને ઓળખવા માટે, તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર લખવામાં
આવે છે.
આ એચયુઆઇડી નંબર ૬ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે. જ્યારે જ્વેલર્સ તે જ્વેલરીની માહિતી બીઆઇએસ પોર્ટલ પર અપલોડ કરે છે, તો આ નંબર પરથી તમે ખરીદેલી જ્વેલરી સંબંધિત માહિતી મેળવી શકો છો. સોનાની છેતરપિંડીના મામલાઓમાં આવા કોડ ખૂબ અસરકારક છે.
હવે સોનાની ખરીદ-વેચાણ માટે છ અંકના હોલમાર્કિંગ જ માન્ય ગણાશે
RELATED ARTICLES