હવે ૧૫૦ વર્ષ જૂના કર્નાક બ્રિજનો વારો

આમચી મુંબઈ

ટૂંક સમયમાં બ્રિજને તોડાશે, પાલિકા પ્રશાસન પાસેથી માગવામાં આવી મંજૂરી

છેલ્લાં આઠ વર્ષમાં ૨૦૫ જેટલા બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં અમુક જૂના બ્રિજને તોડવાની સાથે નવા બ્રિજનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨માં નવા બ્રિજનું નિર્માણ કાર્ય આ પ્રમાણે થયું હતું.
વર્ષ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧
દરવર્ષે ૦૪ ૦૫ ૧૮ ૧૭ ૨૫ ૦૯ ૦૭ ૦૮
કુલ ૧૧૬ ૧૨૧ ૧૩૯ ૧૫૬ ૧૮૧ ૧૯૦ ૧૯૭ ૨૦૫
——–

ક્ષિતિજ નાયક
મુંબઈ: મધ્ય રેલવેની હદમાં સૌથી જૂના હેન્કોક બ્રિજને તોડીને લગભગ છ વર્ષ બાદ સોમવારે લોકોની અવરજવર માટે ચાલુ કરવામાં આવ્યા પછી મઝગાંવ સ્થિત (ઈસ્ટ-વેસ્ટને જોડતા) ૧૫૦ વર્ષ જૂના કર્નાક રોડ ઓવર બ્રિજ (આરઓબી)ને તોડવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. મુંબઈ ટ્રાફિક પોલીસે પણ બ્રિજને તાકીદના ધોરણે તોડવાની ભલામણ કરી છે, જે અંતર્ગત પાલિકા પ્રશાસન તરફથી યોગ્ય મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવાનો પણ અનુરોધ કર્યો છે, એમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સ્ટેશન પરિસર અને રેલવે ટ્રેક પરથી પસાર થનારા વિવિધ જોખમી બ્રિજને તોડીને નવા બનાવવાની પ્રક્રિયા અંતર્ગત પાલિકા પ્રશાસન દ્વારા સોમવારે હૅન્કોક બ્રિજને વાહનચાલકોની અવરજવર માટે ચાલુ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બુધવારે આ મુદ્દે મુંબઈ ટ્રાફિક પોલીસ, રેલવે પ્રશાસનના અધિકારી દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બ્રિજ જર્જરિત થવાને કારણે બ્રિજ પરથી વાહનચાલકોની અવરજવર જોખમી પુરવાર થઈ શકે છે, તેથી આ બ્રિજ પરની અવરજવરને બંધ કરવામાં આવ્યા પછી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, પરંતુ તેમાં પાલિકા, રેલવે સહિત અન્ય એજન્સી પાસેથી મંજૂરી લેવાની રહેશે, એવી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.
આ બ્રિજ લગભગ ૧૫૦ વર્ષ જૂનો છે, જે સૌથી પહેલા ૧૮૬૬-૬૭માં બાંધવામાં આવ્યો
હતો, જેમાં સાત સ્પાન છે. આ બ્રિજ જૂનો અને જર્જરિત થયો હોવાને કારણે ૨૦૧૪માં બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા બ્રિજ બનાવવા મુદ્દે તાકીદના ધોરણે કામગીરી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જે પૈકી આ બ્રિજના સ્પાન, દીવાલ સહિત અન્ય હિસ્સા પણ જર્જરિત થઈ રહ્યા છે, તેથી આ મરમ્મત કરવાને બદલે નવા બ્રિજનું કામ કરવાનુું જરૂરી છે. જો નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું નહીં તો મોટી હોનારતનું નિર્માણ થઈ શકે છે. જોકે, તાકીદના ધોરણે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પછી ત્રણ મહિનાના સમયગાળામાં બ્રિજનું કામકાજ ચાલુ કરવાનું રહેશે. આ ઉપરાંત, પ્રાથમિકતાના ધોરણે રિપોર્ટ રજૂ કર્યાની તારીખથી કામકાજ ૧૨ મહિનાના સમયગાળામાં પૂરું કરવાનું રહેશે, જ્યારે મરમ્મતના કામકાજ પર રિપોર્ટ રજૂ કર્યાની તારીખથી ૧૨થી ૨૪ મહિનામાં પૂરું કરવાની ભલામણ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
૧૧ નવા બ્રિજનું નિર્માણ કરાશે: મધ્ય રેલવે
રેલવે સ્ટેશનના પરિસર અને રેલવેની હદના વિવિધ જોખમી બ્રિજને તોડવાની અને નવા બ્રિજ બાંધવાની કામગીરી અંતર્ગત આ વર્ષે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં અગિયાર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. રેલવે સ્ટેશનના પરિસરમાંથી વધતા ટ્રેક ક્રોસિંગને રોકવા માટે ખાસ કરીને નવા બ્રિજ બાંધવાની કામગીરી હાથ ધરી છે, જે અંતર્ગત આ વર્ષે થાણેમાં બે, કુર્લામાં એક અને કોપર (દિવાની દિશા)માં એક બ્રિજને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કસારામાં એક, પલસધરીમાં એક, વાશિંદ સહિત રોહામાં એકમાં એક તથા હાર્બર લાઈનમાં વાશી-સાનપાડા, કમાન, ખારબાઓ, પલસધરીમાં એક બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે આ વર્ષના અંત સુધીમાં પાર પાડવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. પ્રવાસીઓની સુવિધા માટે જોખમી બ્રિજ તોડીને નવા બ્રિજ બનાવવાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગયા વર્ષે (૨૦૨૧માં) નવા આઠ બ્રિજનું નિર્માણ કાર્ય પાર પાડ્યું હતું, જેમાં શહાડ (કસારા એન્ડ), નાહુર (કલ્યાણ દિશા), અંબરનાથમાં બે, સીવુડ-બેલાપુર, ખાંડેશ્ર્વર તથા ટિટવાલાનો સમાવેશ થયો હતો, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.