હવે ઈન્ડિયા @૧૦૦ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની લાંબી યાત્રા શરૂ

ઉત્સવ

અર્થતંત્રનું કદ, માર્કેટ્સનો વિસ્તાર વધશે, દેશ ગ્લોબલ ઈકોનોમીનો મહત્ત્વનો ભાગ બનશે

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નયી કહાની, હમ હિંદુસ્તાની… આ અભિગમ જોઈશે
આઝાદીના અમૃત મહોત્સવને આપણે હાલ માણી રહ્યા છીએ. કિંતુ આઝાદીના ૧૦૦ વરસ બાદ ભારત કેવું હશે? તેની કલ્પના થઈ શકે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ૧૫મી ઓગસ્ટે તેમના પ્રવચનમાં આનો ચિતાર રજૂ કર્યો છે યા કહો કે સંકેત આપ્યો છે. મોદીએ પાંચ પ્રણ લેવાની વાત કરી છે. લીડર દેશ-પ્રજાને દોરતો હોય છે, મોદીની આ વાતો પર પ્લસ-માઈનસ ટિપ્પણી થઈ શકે. કિંતુ કમસે કમ તેમના આ વિચારો-વિઝન પ્રજાને અપીલ કરે એવા તો છે. પચીસ વરસ લાંબો સમયગાળો છે. આજની નવી પેઢી ૧૦૦ વરસનું આઝાદ હિંદુસ્તાન જોઈ શકશે. આ લેખ કોઈ રાજકીય સમિક્ષા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર અને વિઝનના આધારે આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તેની આ ચર્ચા છે. આ વિઝનને ગહનતાપૂર્વક જોવા-સમજવાની જરૂર છે. આની બહુ મોટી અસર રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર પડશે… મોદીના પ્રણ પાંચ છે. પરિણામ માટે વરસ પચીસ છે અને પડકારો પચાસ હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ઓગસ્ટે ૮૦ મિનિટથી વધુ સમય સતત બોલ્યા, આટલું લાંબું બોલાય? વડા પ્રધાન સપનાંઓ બતાવવામાં હોશિયાર છે, વાતો અને વચનોમાં ઉસ્તાદ છે એવી બધી ટિપ્પણીઓ પણ થઈ. આ થયો એક વર્ગનો મત.
નરેન્દ્ર મોદીએ આ વખતે લાંબું પ્રવચન આપ્યું, કિંતુ આગામી વરસો માટે દેશનું જોરદાર-સચોટ વિઝન આપ્યું. મોદી સરકાર દેશને કયાંથી કયાં લઈ જવા માગે છે તેનો સાર આ પ્રવચનમાંથી સ્પષ્ટ દેખાય છે અથવા મહેસુસ કરી શકાય છે. આ થયો બીજા વર્ગનો મત. આવા ભિન્ન મત કાયમ રહેવાના. ગ્લાસ અડધો ખાલી અથવા અડધો ભરેલો છે એ દૃષ્ટિ કાયમ રહેવાની. દેશે મારી માટે શું કર્યું એ કરતાં મેં દેશ માટે શું કર્યું તે વિચાર અને તેનો અમલ જ પાયાનો છે. દેશના વિકાસ માટે પ્રજાનો વિશ્વાસ અને પ્રયાસ અતિઆવશ્યક ગણાય.
૨૦૧૭માં મોદીએ કયાં વચન આપ્યાં હતાં?
હવે આપણે આ બે વિપરીત મતો બાજુએ મૂકી સમતોલ દૃષ્ટિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનને જોવાનો-સમજવાનો પ્રયાસ કરીએ. પહેલી વાત, નરેન્દ્ર મોદી કેન્દ્રમાં આવ્યા બાદ શરૂથી મોટાં સપનાં બતાવતાં રહ્યા છે, તેમણે ઘણીવાર આપેલાં વચન કે વાતો હજી પૂર્ણ થઈ નથી એ વાત સાચી, ઘણી વાતો ભુલાઈ ગઈ છે, સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટ મુજબ મોદીસાહેબે ૨૦૧૭ની ૧૫ મી ઓગસ્ટે કહ્યું હતું કે આગામી પાંચ વરસમાં દેશમાં ખેડૂતોની આવક બમણી થશે, દર વરસે બે કરોડ નવી નોકરી મળશે, બધાં પાસે પોતાનું ઘર હશે, બુલેટ ટ્રેન બની જશે, સ્વામીની વાત સાચી, કિંતુ આ સાથે હકીકત એ પણ જોવી જોઈએ કે તેમણે ઘણાં વચનો પૂરાં કર્યાં છે, અમલમાં મૂક્યા છે, ઘણાં વચનો પર આજે પણ કામ કરાઈ રહ્યું છે. તેને છોડી દેવાયા નથી, તેને ભૂલાવી દેવાયા નથી. આ ઉપરાંત મોદીએ અગાઉ ન બોલ્યા હોય એવા ઘણાં કામ પણ કર્યા છે અને ઘણાં વચનોનું પાલન પણ કરી બતાવ્યું છે. મોદી પર ભલે આક્ષેપ થતા કે તે માત્ર ચાર-પાંચ મોટા ઉદ્યોગપતિઓની જ કાળજી લે છે, તેમને સપોર્ટ કરે છે, કિંતુ આમ નહીં હોવાનું માનવા માટે કેટલાંક નકકર કારણો છે, જેમાં દેશના છેવાડાના, ગરીબ, પછાત વર્ગ માટે પણ મોદી સરકારે સંખ્યાબંધ યોજના અમલમાં મૂકી છે, તેમના સુધી સીધી સહાય પહોંચાડી છે, જે અગાઉ વચેટિયા ખાઇ જતા હતા એ માર્ગ સદંતર બંધ કરી દીધો છે. નાના-મધ્યમ એકમોથી માંડી નાના વર્ગને પ્રાથમિકતા આપી છે. કોવિડ દરમ્યાન લેવાયેલા અનેક પગલાં આની સાક્ષી પૂરે છે. આજે દેશનો સામાજિક-આર્થિક વિકાસ આ હકીકતને સમર્થન આપે છે.
મૂળિયાં સુધી પહોંચવાની વાત
આ પ્રવચનમાંથી દેશની ભાવિ દિશાનાં જે સંકેત મળી રહ્યા છે તેની સામાજિક અને આર્થિક સંભવિત અસરો સમજીએ. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં પાંચ બાબત પર વિશેષ જોર આપ્યું છે. તેમના વિધાનો પ્રજામાં નવા જોમ-બળ અને ઉત્સાહ ઉમેરે છે. આ વિધાનો-વિચારો વૈશ્વિક દૃષ્ટિના કહી શકાય. તેઓ પ્રજાને કહે છે, ઊંચાં લક્ષ્યો રાખો, ગુલામીની માનસિકતા છોડો, મહિલાઓને માન-સન્માન આપો, દેશના મૂળિયા-સંસ્કારો, સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાનું ગૌરવ લો અને તેનું જતન કરો. એકતા-અંખડતા માટે ઊભા રહો અને દેશના સાચા નાગરિક તરીકે તમારી ભૂમિકાને ભજવો.
ગ્રાસરૂટથી ગ્લોબલ લેવલ
એક તરફ કેટલાંક વિરોધ પક્ષો પોતાની સત્તા ટકાવી રાખવા યા હાંસલ કરવા લોકોને મફત વીજળી સહિત વિવિધ સુવિધા વિનામૂલ્ય આપવાની જાહેરાત કરે છે, જેનો બોજ આખરે તો સરકારી તિજોરી પર જ આવે છે, ત્યારે મોદી સરકાર લોકોના હિતનું જ નહી, બલકે આગામી પેઢી અને દેશના ભાવિ માટે મજબૂત પાયો બનાવવાનું કામ કરી રહી છે. મોદી સરકારે સતત રાજકીય સ્થિરતા આપી છે, ઝડપી નિર્ણયો લીધા છે. ઝડપી અમલીકરણ કર્યું છે અને ટેક્નોલોજી તેમ જ ઈનોવેશનનો સપોર્ટ લેવા પર ભાર મૂકયો છે, જેથી દેશ ઝડપી પ્રગતિના પંથે આગળ વધી શકે. મજાની અને નોંધનીય ખાસ વાત એ છે કે મોદી સરકારે ગ્રાસરૂટ લેવલથી લઈ ગ્લોબલ લેવલ સુધી દેશ માટે સતત કામ કરતા રહેવાની હામ ભરી છે. મોદીએ આ વખતના પ્રવચનમાં ભ્રષ્ટાચાર સામે લડાઈની પણ ભારપૂર્વક વાત કરી છે, આનો અર્થ સમજાય તો સારું. બાકી સિસ્ટમ વહેલી-મોડી ત્રાટકશે ખરી. તેમણે પ્રજાનું ખાસ ધ્યાન દોરતા એક ઉલ્લેખનીય વાત એ પણ કરી છે કે જેમણે દેશને લૂંટયો છે એવા લોકોને ગ્લોરિફાઈ ન કરો.
ચોક્કસ રિફોર્મ્સ અનિવાર્ય
ભારત આગામી પચીસ વરસમાં-૨૦૪૭ સુધીમાં વિકસત રાષ્ટ્ર બનવું જોઈએ એવો સંદેશ મોદીએ આપ્યો છે, કિંતુ આની સામે અનેક પડકારો હોવાથી તેમણે પ્રજાનો સહયોગ માગ્યો છે. જોકે સરકાર પોતે ચોકકસ સુધારા ન કરે ત્યાંસુધી આમ થઈ શકે એમ નથી. અલબત્ત, દેશમાં કૃષિ, જયુડિશિયલ સુધારા અને મુકત વેપારના સુધારા વિના આ સંભવ બની શકશે નહી. હાલ ભારતમાં કૃષિ ક્ષેત્રે ૪૧ ટકા લોકો રોકાયેલા છે, જયારે કે ઔદ્યોગિક ક્ષેત્રે ૧૨ ટકા. લોકો ઝડપી ધોરણે કૃષિમાંથી ઉદ્યોગો તરફ વળવા જોઈએ, આ માટે કૃષિ સુધારા અનિવાર્ય છે અને ઉદ્યોગોને વેગ આપવો પણ જરૂરી છે. ભારત પછાતમાંથી વિકાસશીલ, વિકસતા દેશોની યાદીમાં આવ્યો, તેમાં ઘણી સરકારોનો હાથ છે, જ્યારે કે તેને વિકસિત બનાવવા તરફ લઈ જવામાં મોદી સરકારનો મોટો ફાળો ગણાશે.
વાત નાની, પણ અસરો મોટી
દેશની-સમાજની નાનામાં નાની બાબત પ્રત્યે ધ્યાન આપી તેનું મહત્ત્વ વધારીને દેશની પ્રજાનું ખમીર-સ્વમાન વધારવામાં મોદીએ સારી
સફળતા મેળવી છે અને તેથી જ વિદેશોમાં પણ મોદી-મોદીના નારા હોંશપૂર્વક લાગે છે. મોદીએ ભારતને વિશ્વના નકશા પર નવી ઈમેજ અને ગરિમા અપાવી છે. આજે ભારતમાં રોકાણ કરવા, ઉદ્યોગો-સંસ્થાઓ સ્થાપવા અનેક વિદેશી-ગ્લોબલ કંપનીઓ કતારમાં છે. ભારતનું માળખાંકીય ક્ષેત્ર સતત સુધારાતરફી દિશામાં આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી, ઈનોવેશન અને ડિજિટલમાં ભારત ખાસ્સું આગળ નીકળી રહ્યું છે. મજાની વાત એ છે કે દુશ્મન દેશોની પ્રજા તો ઠીક, વિકસિત દેશોની પ્રજા પણ ભારતને હવે નવી નજરે જોતી થઈ છે, જેનો મહત્તમ યશ વડા પ્રધાન મોદીના પગલાં અને દૂરંદેશીને જાય છે. મોદીએ રાજકીય ક્ષેત્રે સગાવાદનો અંત લાવવાની કરેલી વાત ભારતના પોલિટિકલ મંચને સ્વચ્છ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, વાસ્તવમાં આ કામ મોદી સરળતાથી કરી શકે, કારણ કે મોદી પોતે સગાવાદથી સદંતર દૂર છે. જયારે કે અન્ય મોટાભાગના પક્ષોમાં સગાવાદ વરસોથી ચાલતો આવ્યો છે, જાણે કે દેશ અથવા રાજ્યની સત્તા પોતાના પરિવારની જાગીર હોય એમ પક્ષના નેતાઓ પોતાના પરિવારના સભ્યોને વારસાની જેમ સોંપતા-અપાવતા રહ્યા છે.
માનસિકતાનો બદલાવ દેશ બદલશે
મહિલાઓને માન-સન્માન-ગૌરવ આપવાની વાત પણ દેશના હિતમાં છે, જે દેશની ઉન્નતિને બહતેર બનાવશે. દેશની ગરિમાને ઊંચે લઈ જશે. ભારતીય મહિલાઓનો દેશના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો રહ્યો છે, જે આગામી સમયમાં ખૂબ વધવાની આશા અને વિશ્વાસ રખાય એવી અનેક ઘટના ઈતિહાસ અને વર્તમાનમાં પણ હાજર છે. દેશના હેરિટેજ-વારસાને-સંસ્કૃતિને સાચવવાની અને તેની કદર કરવાની વાત પ્રજાને તેના મૂળિયા સુધી લઈ જશે. આપણો દેશ એક યા બીજાના શાસન હેઠળ સદીઓ સુધી ગુલામ રહ્યો, અન્યાય અને શોષણનો ભોગ બનતો રહ્યો, જેથી આપણી પ્રજામાં હજી પણ ગુલામીની માનસિકતા રહેલી છે. આ માનસિકતાનો મોદીએ છેદ ઉડાવી દેવાનું કહ્યું છે. આ સાધારણ લાગતી વાત ક્રાંતિ સમાન છે, કેમ કે માનસિકતાનો બદલાવ પણ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. મોદીએ પ્રજાને ઊંચા ધ્યેય રાખવાનો અનુરોધ કર્યો છે. મારો દેશ વિકસિત દેશ છે, મને તેની માટે ગૌરવ છે, એવી ભાવના હોવી જ જોઈએ. દેશનો વિકાસ પ્રજા દ્વારા, પ્રજા માટે અર્થાત પ્રજાલક્ષી હોવો જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.