ટ્રાફિકની સમસ્યાથી પરેશાન મુંબઇગરાઓ માટે વીક એન્ડ કે લાંબી રજાઓમાં રોડ માર્ગે બહારગામ જવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. હવે તેમને માટે આનંદના સમાચાર છે. આજથી 200 મુસાફરોની ક્ષમતા ધરાવતી વોટર ટેક્સી મુંબઈ અને માંડવા વચ્ચે શરૂ કરવામાં આવી છે, જેમાં મુંબઈથી માત્ર 40 મિનિટમાં અલીબાગ પહોંચી શકાશે.
આ વોટર ટેક્સી (કેટામરન)માં 200 લોકોની બેઠક ક્ષમતા છે, જેમાં નીચલા ડેક પર 140 અને ઉપલા ડેક પર 60 લોકો બેસી શકે છે અને સમુદ્રના પાણીનો નઝારો માણી શકે છે. વોટર ટેક્સી સેવા મઝગાંવના ફેરી વ્હાર્ફ ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ (DCT)થી અલીબાગ નજીક માંડવા જેટી સુધી ચાલશે.
દરેક દિવસે બંને બાજુએથી ત્રણ-ત્રણ એમ કુલ છ સેવાઓ હશે. DCTથી આ વોટર ટેક્સી સવારે 10.30 કલાકે, 12.50 કલાકે અને બપોરે 3:10 કલાકે માંડવા જવા રવાના થશે. એવી જ રીતે માંડવાથી આ ટેક્સી સવારે 11.40, બપોરે 2.00 અને 4.20 કલાકે DCT આવવા રવાના થશે.
ફેરી સર્વિસ માટે ટિકિટનો ચાર્જ નીચલા ડેક માટે 400 રૂપિયા અને અપર અથવા બિઝનેસ ક્લાસ ડેક માટે 450 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
હાલમાં મુંબઈથી અલીબાગ જવા માટે ભાઈચા ધક્કાથી રો-રો સેવા ચાલી રહી છે. રો-રો દ્વારા અલીબાગ પહોંચવામાં 60 થી 70 મિનિટનો સમય લાગે છે. રોડ માર્ગે NH 66 દ્વારા મુંબઇથી માંડવા વચ્ચેનું અંતર કાપતા લગભગ 3 કલાક જેટલો સમય લાગે છે.