મુંબઈ: હવેથી રાજ્ય સરકારના તમામ વિભાગોની કોર્ટની લડત માટે પ્રધાનની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો હોવાથી હવે પછી સંબંધિત પ્રધાનની પરવાનગી લીધા વિના અધિકારીઓ હવે પરસ્પર કોર્ટમાં સોગંદનામું રજૂ કરી શકશે નહીં. દરમિયાન વિદર્ભમાં એક કોન્ટ્રેક્ટર કંપનીને અધિકારીએ કરેલા વિલંબને કારણે અઢી કરોડ રૂપિયાને બદલે રૂ. ૫૦૦ કરોડ આપવા પડ્યા છે. આને કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આ અંગેનું નોટિફિકેશન કાયદા અને ન્યાય વિભાગના તમામ વિભાગને આપવામાં આવ્યું છે.
વિદર્ભમાં એક કામ માટે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને અઢી કરોડ રૂપિયાને બદલે રૂ. ૫૦૦ કરોડ આપવા પડતાં સરકાર સફાળી જાગી છે. કોન્ટ્રેક્ટરનું હિત સાંકળવા માટે આવા પ્રકારનો ભૂલભરેલો નિર્ણય લેવામાં આવ્યો હોવાની સરકારને શંકા છે. આ કારણે જ સરકારે ઉક્ત નિર્ણય લીધો છે.
વિદર્ભમાં એક કામ માટે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને ૧૯૯૭માં અઢી કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું હતું. જોકે એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દરથી દર મહિને ૨૫ ટકાના વ્યાજની શરત અધિકારીએ રાખી હતી. આર્બિટ્રેજરે નિર્ણય આપ્યા બાદ અધિકારીએ આ પ્રકરણ ૨૫ વર્ષ બાદ કોર્ટમાં લાવ્યું હતું. આને કારણે સરકારે ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને રૂ. ૫૦૦ કરોડ આપવા પડ્યા હતા. આ પ્રકરણ બાદ હવે કોઇ પણ પ્રકારની કાનૂની લડત માટે વિભાગોને પ્રધાનોની મંજૂરી લેવી ફરજિયાત બની રહેશે અને આવા પ્રકારનું નોટિફિકેશન પણ સરકારે બહાર પાડ્યું હતું.
હવે કાનૂની લડત માટે વિભાગોને પ્રધાનોની મંજૂરી ફરજિયાત રૂ. ૫૦૦ કરોડના ગોટાળા બાદ શિંદે સરકાર સાવધ
RELATED ARTICLES