મુંબઈ: મુંબઈની નજીકનું હિલ સ્ટેશન એટલે માથેરાન અને લાખો પર્યટકો માટે આ હિલ સ્ટેશન સસ્તી સુખડી અને સિદ્ધપુરની જાત્રા સમાન છે. હવે આ જ હિલ સ્ટેશન પર પર્યટકો ઈ-રિક્ષાની સવારીનો આનંદ ઉઠાવી શકશે. આ ઈ- રિક્ષાને કારણે માથેરાનના સર્વાંગી વિકાસને પણ ઉતેજન મળશે અને બેટરી પર ચાલતી હોવાને કારણે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચશે નહીં.
અત્યાર સુધી ટોય ટ્રેન એ માથેરાનનું મુખ્ય આકર્ષણ હતું અને હવે તેનું સ્થાન ઈ-રિક્ષા લઈ લે તો નવાઈ નહીં. જ્યારથી માથેરાનને ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરવામાં આવ્યું ત્યારથી ત્યાં ટુવ્હીલર કે ફોર વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સંદર્ભે વારંવાર સરકાર તેમ જ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી અને આખરે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રથમ જ વખત માથેરાનમાં ઈ-રિક્ષા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
પહેલા તબક્કામાં ૭ રિક્ષાને પરવાનગી મળી છે જેમાંથી પાંચ રિક્ષાઓ અત્યારે દોડી રહી છે. આ રિક્ષાનું ભાડું ૩૫ રૂપિયા રાખવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ આ રિક્ષામાં માત્ર પાંચ રૂપિયામાં જ પ્રવાસ કરી શકશે.દસ્તુરી નાકાથી સેંટ ઝેવિયર્સ સ્કૂલ સુધી આ રિક્ષા દોડાવવામાં આવશે અને તે સોમવારથી ગુરુવાર સુધી સવારે ૬.૩૦ થી સાંજે ૭ અને શુક્રવારથી રવિવાર દરમિયાન સવારે ૬ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી દોડાવવામાં આવશે.