મધ્ય ભારતના પાંચ કેન્દ્રો પર ‘ડિજીટલ’ પદ્ધત્તિથી હૃદયરોગનું નિદાન કરવા માટે 238 દર્દીઓ પર માનવ સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનને કારણે ભવિષ્યમાં ‘ડિજીટલ’ ઘડિયાળ કાંડા પર બાંધી માત્ર 30 સેકન્ડમાં જ હૃદયરોગનું નિદાન થઇ શકશે. આ સંશોધન યુરોપિયન હેલ્થ જનરલમાં 6 માર્ચ 2023ના રોજ છપાયું છે. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ નાગપુરના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડો. શાંતનુ સેનગુપ્તાની આગેવાનીમાં આ સંશોધન કરવામાં આવ્યું હતું. છાતીમાં દુ:ખાવા માટે શરીરમાં એસીડીટી વધવી, સ્નાયુઓમાં દુખાવો, હૃયદરોગનો હુમલો વગેરે અનેક કારણો હોઇ શકે છે. સારવાર અને નિદાન અંગે જો આજની પ્રવર્તમાન પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલા નિદાન માટે દર્દીનો ‘ઇસીજી’ કરવામાં આવે છે. એમાં જો કંઇ શંકાસ્પદ દેખાય તો લોહીના નમૂના લઇ ‘ટ્રોપોનિન’નું પ્રમાણ ચકાસવામાં આવે છે. લોહીમાં ‘ટ્રોપોનિન’નું પ્રમાણ વધારે આવે તો દર્દીને હાર્ટ એટેક આવ્યાનું સ્પષ્ટ થાય છે. લોહીના આ નમૂનાનો રિપોર્ટ આવવા માટે 1 થી 2 કલાક લાગે છે. ડો. સેનગુપ્તાએ આ સમય ઓછો કરવા માટે અમેરિકાની ‘આરસીઇ ટેક્નોલોજીસ’ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો. અને આ બંને જણ ટ્રોપોનીનનો રિપોર્ટ ડિજીટલ ઘડિયાળના માધ્યમે શોધવા અંગે સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. અને મધ્ય ભારતમાં માનવીય સંશોધન કરવાનો નિર્ણય લીધો હતો. આ યંત્રને 30 સેકન્ડ કાંડા પર બાંધ્યા બાદ એની અંદર આવેલ લેઝરની મદદથી લોહીમાં ‘ટ્રોપોનીન’નું પ્રમાણ શોધવું શક્ય બનશે.
2021 થી 2023 દરમિયાન ડો. સેનગુપ્તા, ડો. મહેશ ફુલવાની, ડો. અજીજ ખાન, ડો. નીતીન દેશપાંડે અને રાયપૂરના ડો. સ્મિત શ્રિવાસ્તવ દ્વારા પાંચ અલગ અલગ હોસ્પિટલમાં 238 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું અને દર્દીઓના લોહીમાં ‘ટ્રોપોનિન’ પ્રમાણ ચકાસવામાં આવ્યું હતુ. બંને પરિણામોની સરખામણી કરતા 98 ટકા પરિણામ એક જેવા જ આવ્યા હોવાની જાણકારી ડો. સેનગુપ્તાએ આપી હતી. ડો. સેનગુપ્તાએ 6 માર્ચ, 2023ના રોજ અમેરિકામાં આવેલ એમેરિકન કોલેજ ઓફ કાર્ડિઓલોજીમાં આ રિસર્ચનું પ્રેઝેન્ટેશન કર્યું હતું. ત્યાર બાદ આ રિસર્ચ યુરોપિયન હેલ્થ જનરલમાં પબ્લિશ થયો હતો. 30 સેકન્ડમાં નિદાન કરનારી આ વિશ્વની પહેલી ટેક્નોલોજી હોવાની જાણકારી ડો. સેનગુપ્તાએ આપી.
કેવી રીતે થાય છે નિદાન :
નવી રીતે વિકસાવવામાં આવેલ આ ઘડિયાળ દર્દીના કાંડા પર બાંધવામાં આવે છે. તે ઓન કરતાં જ તેમાં જે લેઝર છે એ લોહીમાં હાજર ‘ટ્રોપોનિન’ નું પ્રમાણ શોધે છે. ત્યાર બાદ આ ‘ડેટા’ સિધો ‘ક્લાઉડ’માં જાય છે. જો એમાં ‘ટ્રોપોનિન’ નું પ્રમાણ વધારે આવે તો દર્દીને હૃદયરોગ હોવાનું નિદાન થાય છે અને ડોક્ટર તરત જ વ્યક્તિ પર સારવાર શરુ કરી શકે છે. લોહીના નમૂના લીધા વગર માત્ર થોડી જ સેકન્ડમાં લોહીમાં ઉપલબ્ધ ‘ટ્રોપોનિન’નું પ્રમાણ શોધવાની ટેકનોલોજીનું સફળ પરીક્ષણ થયું છે. આ માટે આવશ્યક યાંત્રિક ઘડિયાળ ટૂંક સમયમાં બજારમાં આવશે. તેથી ભવિષ્યમાં અન્ય પરિક્ષણ પણ ‘ડીજીટલ’ થવાની શક્યતા નકારી શકાતી નથી.