દર વર્ષે હજારો અરજીઓ ગુજરાતથી કેનેડા જવા થાય છે. ગુજરાતના વિદ્યાર્થીઓની અભ્યાસ અર્થે કેનેડા જવાની તાલાવેલી જોતા કેનેડા સરકારે વીઝા અંગેના નિયમો ગુજરાતીમાં બહાર પાડ્યા છે. ગુજરાતી ઉપરાંત અમુક પ્રાદેશિક ભાષાઓમાં પણ આ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યુ છે કે કોઈ વિદેશની સરકારે ઈમિગ્રેશનના નિયમો પ્રાદેશિક ભાષામાં બહાર પાડ્યા હોય. કેનેડા સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે ગુજરાતી વિદ્યાર્થીઓ-વાલીઓ કેનેડા જવા માટે ઈચ્છુક હોય છે અને તેઓ છેતરામણીનો ભોગ વધારે બને છે, આથી તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
કેનેડા સરકારે અખબારોમાં જાહેરાતો દ્વારા જણાવ્યું હતું કે તેમણે નિયમો ગુજરાતી, હિન્દી અને પંજાબી ભાષામાં બહાર પાડ્યા છે. તેમની માર્ગદર્શિકામાં સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈપણ તમને વીઝાની ગેરંટી આપી શકતું નથી. આ સાથે વીઝા આપતા એજન્ટની વિગતો આપી છે અને નકલી વીઝા એજન્ટ્સ સાથે ન જોડાવાની ચેતવણી પણ આપી છે. આ સાથે જો વિદ્યાર્થીની અરજી કોઈ અનધિકૃત એજન્ટ દ્વારા દાખલ કરવામાં આવી હોય તો તેને નકારવાની સંભાવના વધી જાય છે, તેમ પણ જણાવ્યું છે.
કેનેડા સરકારે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ જે તે કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તે સરકાર દ્વારા માન્ય સંસ્થા હોય તેની ખાતરી કર્યા બાદ જ અરજી કરવામાં આવે. આ સાથે વિદ્યાર્થીઓએ ફી સીધી જે તે સંસ્થાને જ આપવી, તેવો નિર્દેશ પણ આ માર્ગદર્શિકામાં કરવામાં આવ્યો છે.
જો કોઈએ ખોટા દસ્તાવેજ સાથે કેનેડાના વીઝા માટે અરજી કરી તો તેમને પાંચ વર્ષ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વર્ક વિઝા અંગે તેમણે સ્પષ્ટતા કરી છે કે નોકરી આપતી કંપનીએ કેનેડા સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. જે પણ કોઈ વર્ક વીઝા માટે અરજી કરે તેમણે લેબર માર્કેટ ઈમ્પેક્ટ અસેસમેન્ટ દસ્તાવેજ મેળવવો જરૂરી છે. જો કોઈ નોકરીની ઓફર ખૂબ વધારે પડતી સારી કે લોભામણી લાગતી હોય તો તે ખોટી હોવાની સંભાવના ઘણી વધી જાય છે.
કેનેડા સરકારના આ પ્રયાસે સાબિત કર્યું છે કે ગુજરાતથી આવતા વિદ્યાર્થીઓની તેઓ નોંધ લઈ રહ્યા છે. તેમના આ પ્રયાસથી જેઓ અંગ્રેજી સરખું સમજી શકતા નથી તેઓ પણ નિયમોને સમજી શકશે અને ખોટા લોકોની ખોટી માહિતી કે છેતરામણીનો ભોગ નહીં બને.