દેશની આર્થિક રાજધાની મુંબઈ તરફ પર્યટકોને આકર્ષવા માટે લંડન આયના ધોરણે જ મુંબઈ આય પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવશે અને આ માટે સરકારે હિલચાલ પણ શરૂ કરી દીધી છે. એમએમઆરડીએના અર્થસંકલ્પને ગઈકાલે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં લંડન આય પ્રમાણે જ મુંબઈમાં પણ જાયન્ટ વ્હીલ બનાવવામાં આવશે અને એ માટેની તપાસ અને અમલબજાવણીની જવાબદારી રાજ્ય સરકારે એમએમઆરડીએને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે 2014માં પણ આ માટેની જાહેરાત કરી હતી.
લંડન આયની જેમ જ મુંબઈમાં પણ 630 ફૂટનું ઓબ્ઝર્વેશન વ્હીલ ઊભું કરવાની મહત્વાકાંક્ષી યોજના રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મુંબઈ આયમાં બેસીને પર્યટકો માયાનગરી મુંબઈની ઝાકઝમાળ જોઈ શકશે. મુંબઈ આઈ પ્રકલ્પ માટે ટેક્નિકલ ફિઝિબિલિટી સ્ટડી અને ઈમ્પ્લિમેન્ટેશન માટે એમએમઆરડીએને આ પ્રકલ્પ સોંપવામાં આવશે. એમએમઆરડીએના 2023-24 વર્ષના 28,104.98 કરોડ રૂપિયાનું બજેટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યું હતું અને એમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈ આઈ પ્રોજેક્ટનો પ્રસ્તાવ સૌપ્રથમ વખત મુંબઈ મહાનગર પાલિકાએ 2008માં રજૂ કર્યો હતો અને ત્યાર બાદ રાજ્ય સરકારે આ પ્રકલ્પ માટે 2014માં જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારે આ પ્રકલ્પ માટે એમએમઆરડીએને વિનંતી કરી હતી. આ પ્રોજેક્ટ માટે બીકેસીની પસંદગી કરવામાં આવી હતી. હવે ફરી એક વખત એમએમઆરડીએના બજેટની મીટિંગમાં આ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો હતો.