ભેંસની ટક્કરથી 10 મિનિટ સુધી ટ્રેન રોકાઈ ગઇ
વંદે ભારત ટ્રેન સાથે રખડતા પશુઓની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. હવે ઉદવાડા-વાપી વચ્ચે વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાવાની વધુ એક ઘટના બની છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ગુરુવારે સાંજે 6.34 કલાકે એક ભેંસ સાથે અથડાઈ હતી. ઘટના બાદ ડ્રાઈવરે ટ્રેન રોકી હતી. ટ્રેનને નુકસાન થયું છે કે નહીં તેની તપાસ કર્યા બાદ 10 મિનિટ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બહુચર્ચિત ટ્રેન વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉદવાડા પાસે થોડા દિવસો પહેલા એક બનાવ બન્યો હતો. જોકે, ગુરુવારે ફરી ઉદવાડા અને વાપી વચ્ચે ભેંસોની ટક્કર થઈ હતી.
ગુરુવારે વંદે ભારત ટ્રેન 5.28 કલાકે સુરત સ્ટેશને પહોંચી હતી. અહીંથી મુંબઈ જવા નીકળ્યા બાદ સવારે 6.34 કલાકે ઉદવાડા-વાપી વચ્ચે ટ્રેન સાથે ભેંસ અથડાઈ જતાં ડ્રાઈવરે તાત્કાલિક ટ્રેન રોકી હતી. ત્યારબાદ સ્ટેશન માસ્તરને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે ટ્રેનને નુકસાન થયું છે કે નહીં અને અન્ય કોઈ ખામી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. લગભગ 10 મિનિટ પછી ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. આ સાથે ટ્રેક પર પશુઓ અથડાતા અટકાવવા માટે ફેન્સીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ ઉદવાડા-વાપી વિસ્તારમાં ફેન્સીંગનું કામ હજુ શરૂ થયું નથી.