દુકાનોનાં નામ મરાઠીમાં લખવાના કેસમાં મહારાષ્ટ્રને નોટિસ

દેશ વિદેશ

મુંબઈ મહાનગરપાલિકા પાસે પણ સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં દુકાનો અને ઓફિસનાં નામનાં પાટિયાં મરાઠીમાં રાખવાના કેસના સંદર્ભે સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને અન્યને નોટિસ પાઠવી હતી.
મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાનોનાં નામ મરાઠી (દેવનાગરી) ભાષામાં લખવાનું ફરજિયાત બનાવતા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશને રદ ન કરવાના હાઈ કોર્ટના નિર્ણયને પડકારતી અરજીને મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજ્ય સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને અન્યને નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો.
૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૨ના હાઈ કોર્ટના આદેશને પડકારતી ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મામલે ન્યાયાધીશ કે. એમ. જોસેફ અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને અન્યોને નોટિસ પાઠવી હતી.
અગાઉ હાઈ કોર્ટે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી નકારી કાઢી હતી અને રૂ. ૨૫,૦૦૦નો દંડ કર્યો હતો.
હાઈ કોર્ટે એ બાબતની નોંધ લીધી હતી કે ડિસ્પ્લે બોર્ડ પર અન્ય કોઈ ભાષામાં લખવા પર પ્રતિબંધ નહોતો અને નિયમ અનુસાર ડિસ્પ્લે બોર્ડ પર દુકાન કે સંસ્થાનું નામ મરાઠી ભાષામાં દર્શાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
અરજીમાં મહારાષ્ટ્ર શોપ્સ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ્સ (રૅગ્યુલેશન ઑફ ઍમ્પ્લોયમેન્ટ ઍન્ડ કન્ડિશન્સ ઑફ સર્વિસ) ઍક્ટ ૨૦૧૭માં કરવામાં આવેલા સુધારાને પડકારવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર ગુમાસ્તા ધારો (શોપ્સ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ્સ ઍક્ટ) ૨૦૧૭ મુજબ તમામ દુકાનો અને સંસ્થાનોએ ડિસ્પ્લે બોર્ડ મરાઠીમાં રાખવા અને મરાઠી અક્ષરોનું કદ અન્ય ભાષાના અક્ષરોનાં કદ જેટલું જ રાખવું અથવા તેના કરતાં નાનું ન જ હોવું જોઈએ.
ફેડરેશને કહ્યું હતું કે આ બાબત બંધારણની કલમ ૧૩ (કાયદાની અસાતત્યતા અને મૂળભૂત અધિકારો), કલમ ૧૯ (અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ચોક્કસ અધિકારો) અને કલમ ૨૧ (જીવનની સુરક્ષા અને અંગત સ્વતંત્રતા)નો ભંગ કરે છે.
હાઈ કોર્ટે કહ્યું હતું કે આ કાયદો મહારાષ્ટ્રીયન લોકો (જેમની માતૃભાષા મરાઠી છે) તેમની વ્યાપક સુવિધા માટેનો હતો.
હાઈ કોર્ટે કહ્યું હતું કે અરજકર્તા એ સમજવામાં નિષ્ફળ ગયો હતો કે આ જરૂરિયાત રિટેલ ટ્રેડર્સ માટે નહોતી, પરંતુ તેમની પાસે આવતા મરાઠી ભાષાથી પરિચિત હોય તેવા કામદારો અને સામાન્ય લોકો માટે હતી.
મરાઠી ભલે રાજ્ય સરકારની સત્તાવાર ભાષા હોય, પરંતુ મરાઠી રાજ્યની સામાન્ય અને માતૃભાષા પણ છે, એમ હાઈ કોર્ટે કહ્યું હતું. (એજન્સી)
———–
મુંબઈમાં દુકાનોનાં મરાઠી પાટિયાં મૂકવાની મુદત લંબાવી

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં દુકાનોનાં મરાઠી પાટિયાં મૂકવાની મુદત લંબાવી છે. લોકપ્રિય રીતે ‘આહાર’ તરીકે જાણીતા ઈન્ડિયન હૉટેલ ઍન્ડ રૅસ્ટોરાં એસોસિયેશને જણાવ્યું હતું કે વધારેલી મુદતના સમયગાળા દરમિયાન એસોસિયેશનના સભ્યો આદેશની અમલ બજાવણી કરશે.
મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટને માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈમાં દુકાનો અને સંસ્થાનોનાં ડિસ્પ્લે બોર્ડ મરાઠી (દેવનાગરી) ભાષામાં લખવાની મુદત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૮ જુલાઈએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે દુકાનો અને સંસ્થાનોનાં ડિસ્પ્લે બોર્ડ મરાઠી (દેવનાગરી) ભાષામાં લખવાની મુદત ત્રણ મહિના લંબાવી આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ન્યાયાધીશ આર. ડી. ધાનુકા અને કમલ આર. ખાટાની બનેલી ખંડપીઠ ‘આહાર’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.
‘આહાર’એ વકીલ વિશાલ થડાની મારફતે દલીલ કરી હતી કે મહાનગરપાલિકા દ્વારા અગાઉ મુકરર કરવામાં આવેલી ૩૧ મેની મુદતની યોગ્યતાને અમે પડકારી હતી. અરજકર્તાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર શોપ્સ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ્સ (રૅગ્યુલેશન ઑફ ઍમ્પ્લોયમેન્ટ ઍન્ડ કન્ડિશન્સ ઑફ સર્વિસ) ઍક્ટની કલમ ૩૬એ અંતર્ગત બીએમસીએ ડિસ્પ્લે બોર્ડ બદલવા નવો સુધારો કર્યો હતો અને આ નવા સુધારામાં સમયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. મહાનગરપાલિકાએ સમાચારપત્રોની જાહેરાત મારફતે ૩૧ મેની સમયમર્યાદાની જાહેરાત કરી હતી.(એજન્સી)

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.