સુજિત કુમારની ગણતરી બોલીવુડના લોકપ્રિય અભિનેતાઓમાં કરવામાં છે. તેમની કારકિર્દીમાં તેમણે 150થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ સમયગાળા દરમિયાન, તેમણે એ સમયના ઘણા બધા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીનસ્પેસ શેર કરી હતી. હવે તમને થશે કે અચાનક આજે સુજિત કુમારને યાદ કરવાનું કારણ શું? તો તમને જણાવી દઇએ કે અને આજે 7મી ફેબ્રુઆરીના તેમનો જન્મ દિવસ છે. 7 ફેબ્રુઆરી 1934ના રોજ વારાણસીમાં જન્મેલા સુજિત કુમારે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં વિલન કે પછી સેકન્ડ લીડ તરીકે કામ કર્યું હતું. ચાલો આજે તમને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીએ.
બહુ ઓછા લોકોને ખબર હશે કે સુજિત કુમારને ફિલ્મોમાં કામ કરવામાં જરાય રસ નહોતો. ફિલ્મ લાઈનમાં પગ મૂકતાં પહેલાં તેઓ વકીલાતનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ કરતી વખતે, તેણે કોલેજ નાટકમાં ભાગ લીધો હતો. દરમિયાન નિર્ણાયકની પેનલમાં જેમનો સમાવેશ થતો હતો એવા પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક ફાની મજુમદારે તેમના અભિનયની પ્રશંસા કરી અને તેમને અભિનેતા બનવાની સલાહ આપી હતી. ત્યાર પછી સુજિત કુમાર ફિલ્મો તરફ વળ્યા. સુજીતે મોટાભાગે રાજેશ ખન્ના સાથે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં, તેમણે મોટે ભાગે હીરોના મિત્રના કે પછી વિલનના રોલ કર્યા હતા.
આ ઉપરાંત એક બીજી તેમની સાથે સંકળાયેલી વાત એટલે કે કિશોર કુમારે તેમને ફિલ્મમાં પહેલી તક આપી હતી અને આ ફિલ્મનું નામ દુર ગગન કી છાંવ મેં હતું. આ પછી, તેમણે રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા હતા. રીલ લાઈફમાં બંને વચ્ચે જેટલી ગાઢ મિત્રતા દેખાડવામાં આવતી હતી એના કરતાં વધુ ગાઢ મિત્રતા બંને વચ્ચે રિયલ લાઈફમાં હતી.
બોલીવુડ સિવાય સુજિતે ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. તેમણે અનેક ભોજપુરી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1977માં આવેલી પહેલી ભોજપુરી કલર ફિલ્મ ‘દંગલ’માં હીરો તરીકે કાm કર્યું હતું. વર્ષ 1983માં, તેમણે ‘પાન ખાય સૈયા હમાર’નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. 2007માં, તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું, અને તેના ત્રણ વર્ષ બાદ જ એટલે કે 2010માં, તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું…