યસ મેન ન થવું એટલે આખાબોલા થવું એમ નહીં

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પુરુષે યસ મેન થવું કે ન થવું એ વિશે ચર્ચા ચાલી રહી હતી. પુરુષે યસ મેન શું કામ ન થવું એ વિશે આપણે વિસ્તારથી જોયું. યસ મેન બનવામાં પુરુષનો આર્થિક વિકાસ કે તેની પ્રગતિ તો રૂંધાય જ છે, પરંતુ તેનું આત્મસન્માન પણ દાવ પર લાગી જાય છે એની આપણે ચર્ચા કરી, પરંતુ એ સાથે જ એક સવાલ એ ઊઠેલો કે જો યસ મેન ન થવું તો શું કરવું? આપણી સામે એવા સંજોગો સર્જાય કે આપણને સામેથી પૂછવામાં આવે કે આ કેવું છે અને આપણને બતાવાયેલી બાબત, વસ્તુ કે નિર્ણય સડેલ હોય તો? શું એમ કહી દેવાનું કે આ તો સાવ સડેલું છે? આનો તો કોઈ આનોય ન આપે? કે પછી યસ મેન ન થવું એટલે કાણાને કાણો કહેતા ફરવું?
પરંતુ અહીં જે બાબત વિચાર માગી લે તે બાબત એ છે કે યસ મેન હોવું કે કાણાને કાણો કહેવાની પ્રકૃતિ હોવી એ હ્યુમન નેચરના બે અંતિમો છે અને પુરુષે એ બંને અંતિમોને અવગણીને વચ્ચેનો રસ્તો પસંદ કરવાનો છે, કારણ કે જેમ યસ મેન બનીએ તો આપણા સ્વમાનને ઠેસ પહોંચે એમ આખાબોલા બનીએ કે કાણાને કાણો કહીએ તો લોકો આપણને દૂર રાખે અથવા આપણાથી ચોક્કસ અંતર રાખીને ચાલે, જેને કારણે અલ્ટિમેટલી તો આપણે જ એકલા પડીએ.
એના કરતાં પોતાના પ્રોફેશનલ ફ્રન્ટ પર, સોશિયલ ફ્રન્ટ પર અથવા તો થોડા ઘણા અંશે પર્સનલ ફ્રન્ટ પર પણ મધ્યમ માર્ગ અપનાવવો અને એ માર્ગમાં વિનય અને નમ્રતાને આપણે પક્ષે રાખવાનાં. પર્સનલ ફ્રન્ટને હાલ પૂરતી મૂકી દઈએ તો પ્રોફેશનલ ફ્રન્ટ પર પુરુષ સાથે એવું બનશે જ, જ્યારે તેની સમક્ષ કોઈ બાબત, નિર્ણય કે વસ્તુ કે પ્રોડક્ટ મુકાશે અને તેની પાસે મંતવ્ય મગાશે. બનવાજોગ છે કે પુરુષની પાસે કોઈ વ્યક્તિ વિશેનો પણ અભિપ્રાય મગાય. વળી, બનવાજોગ એ પણ છે કે તેની સક્ષમ રજૂ કરાયેલી બાબત કે વસ્તુ કે નિર્ણય પુરુષને ન ગમે અથવા તેનાથી ખરેખર કંપનીનું કે પોતાની ઈન્સ્ટિટ્યુશનનું અહિત થવાનું હોય.
તો એવા સંજોગમાં આખાબોલા થયા વિના પુરુષે નમ્રતાપૂર્વક તેની સમક્ષ આવેલા સંજોગ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપવાનો છે અને અભિપ્રાયની સાથે જો સૂચન આપવાનું હોય તો ‘મારી દૃષ્ટિએ આમ થઈ શકે’ અથવા ‘આવું થઈ શકે ખરું?’ કે ‘આવું કરી શકવાનો કોઈ અવકાશ ખરો?’ એમ પૂછીને પ્રશ્ર્નના રૂપમાં પોતાનું મંતવ્ય આપી દેવાનું છે. સી, આમેય રાજા (બોસ કે મેજેનર્સ), વાજા ને વાંદરા પોતાનું જ ધાર્યું કરતા હોય છે અને જ્યાં સુધી આપણા અભિપ્રાય માટે આપણી સમક્ષ આવેલી બાબત આપણને સીધું કોઈ નુકસાન નથી કરતી ત્યાં સુધી ડિપ્લોમેટિક જવાબો આપી દેવા કે નમ્રતાપૂર્વક અમુક અભિપ્રાયો આપી દેવા એ જ સાચો રસ્તો છે.
એ કરવાથી એટલીસ્ટ એવું બનશે કે આપણને કોઈ ચાંપલા કે દોઢ ડાહ્યામાં નહીં ખપાવી દે કે એ જ રીતે કોઈ આપણને તોછડામાં પણ ન ખપાવી દે. રાધર આપણી નમ્રતાથી આપણી એક ગુડવિલ બનશે અને એ ગુડવિલથી આપણે સિનિયર્સમાં પણ એક જેન્યુઈન માણસની નામના મેળવીશું અને આપણા કલિગ્સ કે જુનિયર્સ પણ આપણને માનથી જોશે. વળી, એનો બીજો દેખીતો ફાયદો એ કે આપણે કોઈ પણ પ્રકારના ઑફિસ પોલિટિક્સથી પણ આપોઆપ દૂર થઈ જઈએ છીએ અને સ્મૂધલી આપણું કામ કરતા રહી શકીએ છીએ.
આખરે આપણો ગોલ સતત સારું પરફોર્મન્સ આપતા રહેવાનો છે, ઈવોલ્વ થતા રહેવાનો છે અને એનાથી વર્ક સેટિસ્ફેક્શન મેળવીને એક સારું આર્થિક વળતર મેળવવાનો છે. સારું આર્થિક વળતર મેળવવા કે ઑફિસમાં ઝડપથી મોટું સ્થાન મેળવવાનો શોર્ટ કટ આ સિવાય બીજો કશો જ નથી. આખરે યસ મેન બનીને કોઈકના લાડકા થઈ શકાય કે થોડા સમય માટે કશુંક મેળવી શકાય. જો મેળવેલું ટકાવવું હશે તો આપણે પક્ષે અમુક મહેનત અને તૈયારીઓ હોવી જ ઘટે અને સાથોસાથ આપણે પક્ષે પ્રામાણિકતા અને નમ્રતા પણ હોવી ઘટે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.