વિસર્જન રૂટ પર એકેય ખાડો જોવા નહીં મળે: પાલિકાનો દાવો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અનંત ચતુર્દશીના શુક્રવારે ગણપતિબાપ્પાને ભક્તો વિદાય આપશે ત્યારે મુંબઈના વિસર્જનરૂટ પર એક પણ ખાડો જોવા મળશે નહીં એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. મુંબઈના રસ્તા પરના ખાડાઓ યુદ્ધના ધોરણે પૂરવામાં આવી રહ્યા હોવાનો દાવો પણ પાલિકા પ્રશાસને કર્યો છે.

પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ ગણેશોત્સવ દરમિયાન છેલ્લા દસ દિવસમાં જ મુંબઈના રસ્તા પરના લગભગ ૨,૦૦૦ ખાડાઓને પૂરી દેવામાં આવ્યા છે. મુંબઈના સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ પણ રસ્તા પરના ખાડા પૂરવાના કામ સામે સંતોષ વ્યક્ત કર્યો હોવાનો દાવો પણ પાલિકાએ કર્યો છે.

ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેમાં રસ્તા પર મોટી સંખ્યામાં ખાડા પડી ગયા હતા. તેથી ગણેશોત્સવ દરમિયાન ગણેશમંડળોને અને ભક્તોને રસ્તા પરના ખાડાને કારણે કોઈ તકલીફ થાય નહીં માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું. હાલ રસ્તા પરના ખાડા રેપીડ હાર્ડેનિંગ કૉંક્રીટથી ભરવામાં આવી રહ્યા છે, જેને સુકાવામાં લગભગ છ કલાકનો સમય લાગે છે. દસ દિવસના ગણપતિનો તહેવાર ૩૧ ઑગસ્ટના ચાલુ થયો હતો, ત્યારથી અત્યાર સુધી પાલિકાએ દરરોજના સરેરાશ ૨૦૦ ખાડાઓ પૂરી રહી છે.

પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયર એમ. પટેલે ‘મુંબ સમાચાર’ને જણાવ્યું હતું કે ગણશોત્સવને પગલે છેલ્લા થોડા દિવસથી અમારા અધિકારી અને કર્મચારીઓ રસ્તા પર સતત નજર રાખી રહ્યા છે, જ્યાં ખાડા દેખાય તેને તુરંત પૂરી દેવાનું કામ ચાલુ હતું. તેમાં પાછુ છેલ્લા થોડા દિવસથી વરસાદની ગેરહાજરીમાં રસ્તા પરના ખાડા પૂરવાનું સરળ રહ્યું હતું. હાલ ખાડા પૂરવા માટે જે મટિરિયલ વાપરવામાં આવે છે, તે તુંરત સુકાઈ જાય છે અને તેને કારણે ખાડા પૂર્યા બાદ રસ્તા પણ તુરંત ખોલી દેવામાં આવે છે. પહેલી એપ્રિલથી સાત સપ્ટેમ્બર સુધીમાં મુંબઈના ૩૦,૪૦૦ ખાડા પૂરવામાં આવ્યા છે.

ખાડાની સમસ્યા એમ તો પૂરા મુંબઈમાં મોટાભાગના તમામ રસ્તાઓ પર જોવા મળે છે. પરંતુ ખાસ કરીને ઘાટકોપર અને અંધેરી કુર્લા રોડ પર વધુ રહી છે. સૌથી વધુ ખાડા અંધેરી, જોગેશ્ર્વરી, ગોરેગાવ અને મલાડમાં જ નોંધાયા હોવાનું પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારસુના જણાવ્યું હતું કે તમામ વોર્ડ ઑફિસરોને તેમના વોર્ડમાં રસ્તા પર પડેલાં ખાડાઓ તુરંત પૂરી દેવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી કોઈ ગણેશમંડળોએ ખાડાને લગતી કોઈ ફરિયાદ કરી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.