ઉત્તર કોરિયા પર સાત દાયકા કરતાં વધુ સમયથી શાસન કરનાર કિમ જોંગ ઉનના વંશીય પરિવારની ચોથી પેઢીના સભ્ય અને કિમ જોંગ ઉનની દીકરીના ફોટા હાલમાં વાયરલ થયા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને બે દીકરી અને એક દીકરો એમ ત્રણ બાળક હોવાનું માનવામાં આવે છે. તેમાંથી એક દીકરીની તસવીરો જોવા મળી રહી છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શનિવારે પરમાણુ સશસ્ત્ર દેશની સૌથી મોટી બેલેસ્ટિક મિસાઈલના પ્રક્ષેપણનું નિરીક્ષણ કરતી વખતે તેની દીકરીને સાથે રાખી હતી. ઉત્તર કોરિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી તસવીરોમાં તેમની પુત્રી સફેદ જેકેટ અને કાળા પેન્ટમાં કિમ સાથે મિસાઈલની સામે ચાલી રહી છે. ફોટામાં કિમની પત્ની રી સોલ-જુ, તેના પતિને લશ્કરી અધિકારીઓને સૂચના આપતાં જોઈ રહી હોવાનું પણ જોવા મળે છે.
કિમના અંગત જીવનની મોટાભાગની બાબતો હજુ અજાણ છે. પરંતુ દક્ષિણ કોરિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કિમે 2009 માં ભૂતપૂર્વ ગાયક રી સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને ત્રણ બાળકો છે જેનો જન્મ 2010, 2013 અને 2017 માં થયો હતો.
ઉત્તર કોરિયાએ ક્યારેય એવી જાહેરાત કરી નથી કે કિમનો અનુગામી કોણ હશે. હવે તેના નાના બાળકોની વિગત બહાર આવ્યા બાદ વિષ્લેષકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે જ્યાં સુધી તાના શાહના બાળકો પુખ્ત વયના ના થાય ત્યાં સુધી કિમના અનુગામી તરીકે તેની બહેન શાસન સંભાળી શકે છે અને તાના શાહની પુત્રીની જાહેરમાં ઉપસ્થિતિ પેઢીના વારસાગત ઉત્તરાધિકારનું સૂચક હોઇ શકે છે.