ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું: વિપુલ ચૌધરીની અડધી રાત્રે ધરપકડ, દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહારના આરોપ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દૂધસાગર ડેરીમાં બોગસ નાણાકીય વ્યવહાર સંદર્ભે ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાના વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી ઉપરાંત તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રે 12 વાગ્યે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પ્રાઇવેટ ગાડીમાં વિપુલ ચૌધરીના નિવાસ સ્થાને પહોંચી હતી.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીના વધતા પ્રભાવને રોકવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે એવા આરોપ વિપક્ષ લગાવી રહી છે. વડગામના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ધરપકડ અંગે ટ્વીટ કર્યું છે કે, ‘ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની મોડી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તેમના વધતા પ્રભાવને રોકવા માટે આ એક રાજકીય કાવતરું છે.’
નોંધનીય છે કે વિપુલ ચૌધરી જયારે દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે તેમણે ડેરીમાં નાણાંકીય ગોટાળા કર્યા હોવાની ફરિયાદ મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)માં નોંધાઈ હતી. તેમના પર આરોપ છે કે તેમન 17 બોગસ કંપનીઓ ઊભી કરીને રૂ.320 કરોડનો નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ અંગે વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે.
અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. અર્બુદા સેનાએ સરકારને સવાલ કર્યા છે કે વિપુલ ચૌધરી ની ધરપકડ કેમ કરી? પ્રાઇવેટ ગાડીમાં પોલીસે કેમ આવવું પડ્યું? ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.