હજુ ઉનાળાનું શરૂઆત થઇ છે એવામાં છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે. હજુ પણ બે દિવસ વરસાદ વરસી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કચ્છ જીલ્લામાં આજે પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. ભુજ અને રાપર તાલુકામાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. રાજકોટ જીલ્લાના પણ કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. માર્કેટયાર્ડમાં વેચવા આવેલ પાક પલળી જતા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો અવ્યો છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ઘઉં,ધાણા, ચણા, મરચા જેવા પાકોનો જથ્થો પલળી ગયો હતો.
પોરબંદર જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવી રહ્યા છે. ભારે પવન ફૂંકાવાના કારણે ઝાડ પરથી કાચી કેરી ખરી પડી હતી. જાફરાબાદ પંથકમા પણ કમોસમી વરસાદને કારણે માછીમારોની સુકવેલી મચ્છી પલળી જતા નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે પરંતુ ત્યાર બાદ હવામાન સાફ રહેશે. હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. મોટાભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, છોડાઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે.
આગામી ત્રણ-ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે. હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સીયસની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે જે વધીને 38 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે.