Noidaના Supertech Twin Towers 28 ઓગસ્ટના રોજ થશે ધ્વસ્ત, જાણો શા માટે Twin Towers નો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે મંગળવારે નોઈડામાં બાંધવામાં આવેલા સુપરટેકના ટ્વીન રેસિડેન્શિયલ ટાવર્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 93A માં આવેલા અને “Corrupt Tower” તરીકે ઓળખાતા નોઈડાના સુપરટેક ટ્વીન ટાવરને 28 ઓગસ્ટ, 2022ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પગલે તોડી પાડવામાં આવશે.
આ ટાવર તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) દ્વારા કરવામાં આવશે. ટાવરના ડિમોલિશનનો ખર્ચ બિલ્ડરે ઉઠાવવાનો રહેશે. 28 ઓગસ્ટે બપોરે 2:30 કલાકે રિમોટનું બટન દબાવવાથી માત્ર 9 સેકન્ડમાં ટ્વીન ટાવર જમીનદોસ્ત થઇ જશે.
નોઇડામાં સુપરટેકના ગેરકાયદેસર ટ્વીન ટાવર, જે દિલ્હીના કુતુબ મિનાર કરતા ઊંચા છે, તે 28 ઓગસ્ટે તોડી પાડવામાં આવનાર ભારતનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ બાંધકામ બનશે. આ બે ટાવરમાં ગનપાઉડર લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
28 ઓગસ્ટે જ્યારે ટ્વીન ટાવર તોડી પાડવામાં આવશે તે સમયે આસપાસનો ટ્રાફિક પણ બંધ રહેશે. નોઈડા પોલીસે સુપરટેકના ટ્વીન ટાવરને તોડી પાડવા માટે ટ્રાફિક પ્લાન પણ તૈયાર કર્યો છે. નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, બંને ટાવરથી લગભગ 500 મીટરના અંતર સુધીના તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સાથે, નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પણ લગભગ 30 મિનિટ માટે બંધ રહેશે જ્યારે બ્લાસ્ટ દ્વારા ટ્વીન ટાવર તોડી પાડવામાં આવશે.
બંને ટાવર તોડી પાડવા સમયે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી આજુ બાજુના વિસ્તારોમાં કોઈ નુકસાન ન પહોંચે. 28 ઓગસ્ટના રોજ સવારે 7:00 વાગ્યે ટ્વિન ટાવરની આસપાસના રહેણાંક વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવશે.

શા માટે ટ્વીન ટાવરની કહાની થશે ખતમ?

નોંધનીય છે કે ન્યુ ઓખલા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (NOIDA) એ રેસિડેન્શિયલ ઈમારતના બાંધકામ માટે સુપરટેક કંપનીને જમીનનો એક ટુકડો ફાળવ્યો હતો, જેમાં કુલ 16 ટાવર અને એક શોપિંગ કોમ્પ્લેક્સના બાંધકામને અનેક શરતો હેઠળ મંજૂરી આપી હતી.
બાંધકામ પૂર્ણ થયા પછી, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે કેટલીક શરતો પૂરી કરવામાં આવી ન હતી, અને ટાવર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે બિલ્ડીંગ બનાવતી વખતે ડેવલપરે નિયમોનું પાલન કર્યું નહોતું. આ ઉપરાંત ટાવરમાં ફાયર સેફ્ટીના ધોરણોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેમ જ ગાર્ડન વિસ્તાર પણ કાઢી નાખી તેના સ્થાને ટાવર બાંધવામાં આવ્યા હતા. ફ્લેટ માલિકોને વચન આપવામાં આવેલા પ્લાનમાં ફેરફાર કરતા પહેલા ફ્લેટ માલિકોની સંમતિ પણ માંગવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટે આ ગેરકાયદેસર ટાવરને તોડી પાડવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નોઈડામાં ટ્વીન ટાવર્સના તમામ ફ્લેટ માલિકોને સુપરટેક દ્વારા 12 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. સુપરટેકે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ટાવર્સને તોડી પાડવા માટે ચૂકવણી કરવી પડશે અને સુપરટેક એમેરાલ્ડ કોર્ટ રેસિડન્ટ્સ વેલ્ફેર એસોસિએશન (RWA)ને 2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી સંતુષ્ટ અનેક વકીલોએ જણાવ્યું હતું કે આશા છે કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો બિલ્ડરોની છેતરપિંડી પ્રથા બંધ કરશે જેઓ અધિકારીઓ સાથે મળીને પ્રોજેક્ટમાં એકમો વેચ્યા પછી પણ મંજૂર પ્લાન બદલી નાખે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.