વિપુલ વૈદ્ય
સમૃદ્ધિ હાઈવે પર ટોલ ભરવો નહીં પડે: વાહનોની ફક્ત નોંધ થશે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ખુલ્લા મુકવામાં આવેલા હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ નાગપુરથી શિરડીના ૫૨૦ કિલોમીટરના રોડ પર સામાન્ય કારચાલકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવે છે, પરંતુ રાજ્યના ૩૬૬ વિધાનસભ્યોને વિશેષ સવલત આપીને ટોલમાફી આપવામાં આવી છે.
સમૃદ્ધિ હાઈ-વે પરથી ૩૬૬ વિધાનસભ્યોની કારને ટોલમાંથી માફી આપવામાં આવી છે અને તેને માટે વિધાન મંડળ સચિવાલય દ્વારા નિ:શુલ્ક ફાસ્ટૅગ પણ આપવામાં આવ્યા છે વિધાનસભાના ૨૮૮ અને વિધાન પરિષદના ૭૮ સભ્યોને આ લાભ મળશે. આ ટોલનાકા પર ફક્ત વિધાનસભ્યોના વાહનોની નોંધ કરવામાં આવશે, પરંતુ તેમને ટોલ ભરવો પડશે નહીં.
ટોલમાફી માટે કોણ પાત્ર?
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રાલય દ્વારા ટોલની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે અને તેમાં દેશની અતિ મહત્ત્વની વ્યક્તિ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ચીફ જસ્ટિસ, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાન, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, લોકસભા સભાપતિ, રાજ્યસભા અધ્યક્ષ, રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદના અધ્યક્ષ, હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ, રાજ્યના કેબિનેટ પ્રધાનો, લશ્કરી વાહનો, પોલીસ વાહનો, ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને ટોલમાફી આપવામાં આવી છે. આ યાદીમાં વિધાનસભ્યોના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તેમ છતાં બધા જ વિધાનસભ્યોને રાજ્યમાં આ સવલત આપવામાં આવી છે.
કેટલો છે ટોલ?
સમૃદ્ધિ મહામાર્ગ પર ટોલની આકારણી અત્યારે કિલોમીટરના આધારે કરવામાં આવે છે. કારચાલકોને પ્રતિ કિલોમીટર રૂ. ૧.૭૩, હળવા વ્યાવસાયિક વાહનોને પ્રતિ કિલોમીટર રૂ. ૨.૭૯, બસ અને ટ્રકને રૂ. ૫.૮૫ પ્રતિ કિલોમીટર, ભારે વાહનો માટે રૂ. ૯.૧૮ પ્રતિ કિલોમીટર અને અતિ ભારે વાહનો માટે રૂ. ૧૧.૧૭ પ્રતિ કિલોમીટર ટોલ વસૂલ કરવામાં આવે છે. આમ દરેક વિધાનસભ્યને રૂ. ૯૦૦નો ટોલ જતી વખતે અને રૂ. ૯૦૦નો ટોલ પાછા ફરતી વખતે એમ કુલ રૂ. ૧૮૦૦નો ફાયદો કરાવી આપવામાં આવ્યો છે.