સુપ્રીમ કોર્ટમાં પણ ઉદ્ધવ ઠાકરેને કોઈ રાહત નહિ, વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ચારેતરફથી મુસીબતોનો સામનો કરી રહેલા ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટે પણ કોઈ રહત આપવાનો ઇનકાર કર્યો છે. બળવાખોર વિધાનસભ્યોની અયોગ્યતા અંગે તાકીદે સુનાવણી કરવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર બીજા કોઈ દિવસે સુનાવણી કરવાનું જણાવ્યું હતું. સાથે સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકરને બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ સુનાવણી ન કરવા સુચન કર્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ તેમની અરજી પર તાકીદે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને કોઈ રહત આપી નથી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 વિધાસભ્યોને ગેરલાયક ઠેરવવા નોટિસ મોકલી હતી. આ મામલે ઉદ્ધવ જુથે કોર્ટનો સહારો લીધો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા પર કોઈ નિર્ણય લેવા પર 11 જુલાઈ સુધી રોક લગાવી હતી. દરમિયાન, એકનાથ શિંદેએ બળવાખોર વિધાનસભ્યો સાથે મળીને બીજેપીના સમર્થનથી પોતાની સરકાર બનાવી લીધી છે. અગાઉ, ઉદ્ધવ જૂથના વકીલોએ કહ્યું હતું કે તેઓ કોર્ટને આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરશે.
ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી 16 વિધાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત છે, બીજી અરજી શુક્રવારે દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ઠાકરે જૂથે રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 30 જૂને રાજ્યપાલે શિંદે જૂથને સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બંધારણને અનુરૂપ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.