BMCમાં અધિકારીઓની બદલી પાછળ રાજકારણ? પ્રશાસને કર્યો ખુલાસો

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં અધિકારીઓની બદલી અને ફેરબદલીઓને કારણે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની સતત ટીકા થઈ રહી છે ત્યારે આખરે પ્રશાસને ખુલાસો કર્યો છે. પ્રશાસને આ બદલીઓ તથા ફેરબદલીઓ સંપૂર્ણરીતે પ્રશાસકીય સ્વરૂપની હોવાનું કહ્યું છે. તેમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ ન હોવાનો અને તેમના પર કોઈ દબાવ ન હોવાની સ્પષ્ટતા પણ પ્રશાસને કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ફક્ત ૧૨ કલાકમં જ બે અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી, તેને કારણે કમિશનરની ભારે ટીકા થઈ હતી.
છેલ્લા બે મહિનાથી મુંબઈ મહાનગરપાલિકામાં અધિકારીઓની સતત બદલી થઈ રહી છે. બદલી થવાના થોડા સમયમાં જ અમુક અધિકારીઓની બદલી રદ કરવાના પ્રકાર પણ વધી રહ્યા છે, તેમાં રાજ્કીય હસ્તક્ષેપ હોવાનો આક્ષેપ છેલ્લા થોડા દિવસથી થઈ રહ્યો છે. તેથી છેવટે બુધવારે પ્રશાસને સ્પષ્ટતા કરી હતી.
જુદા જુદા વિભાગ અને ખાતાંમાં જવાબદારી બીજાને સોંપવા સમયે તમામ પ્રશાસકીય બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. પાલિકાના અધિકારી અજિત કુંભાર પાસે વિજિલન્સ સહિત ડેપ્યુટી કમિશનરનો પૂર્ણસમય તો શિક્ષણ ખાતાની વધારાની જવાબદારી હતી. આ બંને અત્યંત મહત્ત્વના ખાતાં હોઈ તેમાં કામ પણ બહુ હોવાથી કામનું દબાણ ઓછું કરવા માટે અજિત કુંભારને શિક્ષણ ખાતાનો પૂર્ણસમય માટે ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો બીજા અધિકારીને વિજિલન્સ ખાતું સોંપવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.