આપણને કોઇ સમજતું જ નથી એટલું આપણે સમજતા જ નથી

પુરુષ

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર

હે વ્હાલા વીર વાચક આજે મને પહેલો વિચાર એ આવ્યો કે હું શું વિચારું? અને ગહન ચિંતન પછી વિચાર્યુ કે આ મારો નશ્ર્વર દેહ ઇશ્ર્વર સુધી પહોંચે એ પહેલાં હૈયામાં પ્રગટેલા ને મગજમાં જન્મેલા તંદુરસ્ત અને સબળા મહાન વિચારો આપ સૌના હૃદય સુધી પહોંચાડું. યસ, આઇ નો ધેટ કે એ સબળા વિચારો આપને નબળા લાગ્યા ને અંતરમાં ન પહોંચ્યા તો આપ સૌનો ક્રોધાગ્ની પ્રગટશેને મને સ્મશાન સુધી પહોંચાડતા વાર નઇ કરો, ને મારો સંસાર વેરણછેરણ થઇ જશે… મને એમ થાય કે કંઇક-ઊંડા વિચારો મૂકું પણ પછી એમ પણ થયું કે કોઇ ડૂબી જશે તો લેવાના દેવા થઇ જશે… અને તમે પણ વિચારવાના કે તને આમ થાય ને તેમ થાય એનુ અમે શું કામ સહન કરીએ…
એકચ્યુઅલી તમે જાણતા નથી કે હું જાણું છું… ને તમે માનતા પણ નથી કે હું માનું છું. પણ તમે જ્યારે વાંચશો, જાણશો ને સમજશો, ત્યારે મહાભારતના પાત્રોની જેમ “ઓહ, અફલાતૂન, કયા બાતા હૈ, અસંભવ, હું ન માનું. એવા આશ્ર્ચર્યના અસંખ્ય હાવભાવ ચહેરા ઉપર પ્રગટવાના. (હા બકા, હાવભાવ ચહેરા ઉપર જ આવે, હાથ-પગ પર આવે એને સોજા કહેવાય).
હું જે જાણું છું એ તમે જાણશો તો ઉપરના શબ્દોમાંથી એક પણ શબ્દ રાષ્ટ્રગીત પછીના “જયહિંદ જેટલા જોરથી બોલશો ને તમારો પરિવાર તમને પાગલ સમજે એ જવાબદારી મારી નઇ… તો તૈયાર થઇ સાચી વાત જાણી લો.
મને ખબર છે કે તમે નઇ માનો, પણ મે જૂની યાદ શક્તિને ઢંઢોળી તો ખબર પડી કે આ ૮૪,૦૦,૦૦૦ ફેરામાંથી ૮૩,૪૫,૪૫૪મા ફેરા વખતે મેં અને આપણા લાડકા ટીપુ સુલતાને પાંચમી સાથે પાસ કરેલી, ત્યારથી એના કુુટુંબ સાથે મારે ઘર જેવો સંબંધ, આપણા જેવો જ. એ ગુજરી ગયો પણ અમારો સંબંધ હજી જીવે છે. (ચમકો નઇ, થોડું સત્ય. જીરવતાં શીખો, ને મેં પહેલાં જ કિધું કે તમે નઇ માનો). અચ્છા! એ ભવથી આ ભવ સુધી કહેતો આવ્યો છું ને મારા “યે મેરી સોચ નામના મારા પુસ્તકનાં ૬૩માં પાનાની નવમી લાઇનમાં લખ્યું છે કે મારી આખી વાત સમજવા ઓછામાં ઓછું ડબલ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.
યુનો? એમાં પેલા ચંબુડાના મગજે ગરમી પકડી. હે અજ્ઞાની સુભાષ નામના જીવ તું એ કેમ વીસરી ગયો કે તું પોતે એસએસસીમાં આઠવાર નિષ્ફળ ગયો ત્યારે બૉર્ડે જાહેર કર્યુર્ંં કે આ ઠાકરને મુંબઇની લોકલ ટ્રેનની ભીડમાં અંદર ચડાવી શકાશે. પણ એસએસસીથી ઉપર ચડાવી શકાશે નઇ. અશક્ય. અને તું ડબલ ગ્રેજ્યુએટની અપેક્ષા… છી… તારો વાંચકો પ્રત્યેનો ઘોર અન્યાય છે.
“ચંબુ, તું ભરબજારે મારી આબરૂના ધજાગરા ન ઉડાડ ગીતામાં કૃષ્ણએ કિધું એમ કરવાનું, કરે એ નઇ કરવાનું, નઇતર વાટ લાગી જશે.
“અરે અમારે ત્યાં કૃષ્ણ સુધી પહોંચવું એના કરતાં તારા લેખમાં સરળ ભાષા વાપર. ટૂંકમાં ઊંચી ઊંચી ફેંકવાનું બંધ કર. સીમ્પલ દાખલો.
“વાતાયનમાંથી પ્રવેશેલા વાતાવરણના પવનની લહેરખી વહેતી વહેતી દીવાનખાનામાં પ્રવેશી ને એની લટ ઘડિયાળના લોલકની જેમ ડાબે-જમણે ફર ફર ફરી. એના બદલે “બારીમાંથી હવા આવી છે એની ભીની લટ જરાક હલી એવું લખે તો જયંતીલાલનું શું જાય છે (બાય ધ વે? જયંતીલાલ ઇઝ માય ફાધર) તારા બાપનુ એવી તુચ્છ ભાષા ન વાપરી.
“જો ચંબુ મે, કીધુ વાચકને મારી ભાષા ખબર પડતી હશે એવી મારા સમજ છે. છતાં એ ગેરસમજ પણ હોય, એને શું સમજ પડે છે એ ભાષામાં લખું. એને શું લખું તો સમજાય એ મને તો સમજ પડવી જોઇએ ને? જ્યાં સુધી વાંચકના સમજણના સૂરની મને સમજણ ન પડે કે તને ન સમજાય….
“ચુઉઉઉઉપ, એકદમ ચુઉઉપ, પ્લીઝ ચંબુનો ચહેરો તરડાયો. ગાંધીજીના પેલા વાંદરાની જેમ એના કાન ઢાંકી દીધા. ચંબુ. એમાં હું શું કામ પ્લીઝ (ખુશ) થાઉં?
“મહેરબાની કર મારા બાપ. સાહિત્ય પરિષદમાં ભાષણ આપતો હો. એવી અઘરી ભાષા ન વાપર. સાલું ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે એવી અઘરી…
“અઘરી દાત. મેં પૂછયું.
“જો પાછું હવે દાત કે નાક ચંબુ બોલ્યો
“અરે ચંબુ વત્સ, એટલે દાખલા તરીકે…
“હા, મેં તને એટલું પૂછયું કે તમારા ત્યાં વરસાદ કેવો પડે છે? ને તું ચાલુ થઇ ગયો…
“લાંબા ને કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને, ભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીને એના નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે જેટલું પાણી ઉડે એટલો…. આટલું ચર્ચગેટથી વિરાર જેટલું લાંબુ લચક બોલે મગજની મેથી મારી એના કરતાં કાંદિવલી-બોરીવલી જેટલું “ચકલી પીપી કરી એટલો…. એટલું શોર્ટ એન્ડ સ્વીટ બોલ્યો હોત તો….
“ચંબુ મને એમ કે આવું અઘરું બોલવાથી દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ..
“ભૂલે છે ડીયર ભાષા સાદી વાપરીશ તો દાદાસાહેબ પોતે તારા ત્યાં રોકાવા આવે… સમજયો? તારી ભાષા સાધારણ માણસની સમજમાં નથી આવતી…
“અરે માય ડીયર ચંબુ, જાણી લે જગતની કઇ વ્યક્તિ એવી છે જે પોતાને સાધારણ સમજતી હોય. પણ આપણને કોઇ સમજતું નથી એટલું આપણે જ સમજતા નથી. જો મારા જ ઘરનો દાખલો. ગઇકાલે જ મારી લલ્લી મને કહે તમે બધા પુરૂષો એમ કહો છો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, પણ આજે હું સાબિત કરવા માગું છું કે આ તદ્દન ખોટું છે.
એટલું બોલી મને બે બરણી બતાડી. “ખોલીને જુઓ આમાં શું છે. એકમાં સાકર ને બીજામાં મીઠું. હવે બંધ કરી એના લેબલ જુઓ સાકરની બરણી પર મીઠું ને મીઠાની બરણી પર સાકરનું લેબલ જોઇ હું ચમકયો. “ડાર્લિંગ આમ કેમ? તો કહે “આનુ જ નામ બુદ્ધિ. હવે કીડીઓ નઇ ચડે. કેમ જાણે કીડીઓ ગ્રેજ્યુએટ થઇને વાંચીને ચડવાની હોય… પણ મને થયું એનામાં મીઠાની તાણ છે પણ મને તો ખબર પડે છે. મેં હાથ જોડી કીધું “તું સહી મેં ગલત બાત ખતમ. મામલો શાંત…
“જો ચંબુ ધ્યાનથી સાંભળ અને સમજ. ઇશ્ર્વર જ્યારે ઘડીને આપણને આ પૃથ્વી ઉપર મોકલે છે ત્યારે છેલ્લે-છેલ્લે દરેકને કાનમાં કહેતો હોય છે કે યાદ રાખ, આ જગતના સૌથી શ્રેષ્ઠ, બુદ્ધિશાળી તરીકે તને મોકલું છું. તારા જેવો શ્રેષ્ઠ માનવ મે બનાવ્યા જ નથી, પણ તારે ધ્યાન એ રાખવાનું કે ખબર કોઇને ન પડવી જોઇએ. આ છુપું રહસ્ય માત્ર આપણે બે જ જાણીએ, નઇતર મોટો લોચો.
બસ મિત્રો ત્યારથી કોઇ પણ વ્યક્તિ પોતાની જાતને સાધારણ સમજતી જ નથી. મારા જેવો બુદ્ધિશાળી કોઇ છે જ નઇ એ વિચાર મગજમાં ઘર કરી બેસી જાય છે. બાકી વ્યક્તિ જ્યારે પોતાને સાધારણ સમજશે એ જ ક્ષણથી એ અસાધારણ બની જશે. એમ આઇ રાઇટ? તમે શું સમજ્યા?
શું કહો છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.