બસમાં કોઇ જીવિત બચ્યું નહીં. ધસમસતી નદીમાં ખાબકી બસ, 13 મુસાફરો સવાર હતા, માત્ર મૃતદેહો બહાર આવ્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મહારાષ્ટ્ર પરિવહન વિભાગની બસને અકસ્માત નડ્યો હતો. બસ નર્મદા નદીમાં પડી જતાં તેમાં સવાર તમામ 13 મુસાફરોના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને 10 લાખ રૂપિયા, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે 4 લાખ રૂપિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
સોમવારે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં ખરઘાટ ખાતે મહારાષ્ટ્ર પરિવહન વિભાગની બસ પુલની રેલિંગ તોડીને ધસમસતી નર્મદા નદીમાં પડી ગઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં તમામ 13 મુસાફરના મૃત્યુ થયા છે. જોકે, સર્ચ ઑપરેશન હજુ ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે.
ઈન્દોરથી મહારાષ્ટ્ર (અમલનેર) જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટમાં નર્મદા પરના પુલ પરથી પસાર થઈ હતી ત્યારે સામેથી રોંગ સાઇડથી આવતા વાહનને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો. અકસ્માત રોકવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડીને નદીમાં પડી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર-ક્લિનર સહિત બસમાં સવાર 15 લોકોના મોત થયા હતા. જોકે, બસમાં કુલ કેટલા યાત્રી સવાર હતા તેની પુષ્ટિ થઇ શકી નથી.
અકસ્માતને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે રેલિંગ તોડીને બસ પહેલા ખડક પર પડી હતી અને તેના ભાગો વેરવિખેર થઇ ગયા હતા. ત્યાર બાદ તે પાણીમાં પડી અને ગરકાવ થઇ ગઇ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ અને બચાવ ટીમ દ્વારા જે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, તે બધા બસની અંદર ફસાયેલા હતા. પોલીસને શંકા છે કે બસમાં સવાર એકાદ-બે જણ નદીના પ્રવાહમાં તણાઇ ગયા હશે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, બસમાં સવાર લોકોને હું બચાવી ન શક્યો તેમ કહેતા મારું હૃદય દર્દથી ભરેલું છે. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જે મૃતદેહો મળી આવ્યા છે તેમને સન્માન સાથે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે. અકસ્માતની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ બસ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.