વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના યજમાન પદે G-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં મુખ્ય પ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાન આવશે, તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ કોઈ પ્રધાન તો શું સ્થાનિક વિધાનસભ્યો પણ ન ફરકતા વિદ્યાર્થીઓ અને સેનેટના સભ્યો નારાજ હતા અને તેમણે વ્યવસ્થાપકોની ટીકા પણ કરી હતી. તેમના ન આવ્યાનું મુખ્ય કારણ એ હતું કે હાલમાં રાજ્યમાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. શુક્રવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આથી વિધાનસભ્યો અને પ્રધાનો અહીં હાજર હોય તે સ્વાભાવિક છે. ત્યારે યુનિવર્સિટીના આયોજકોએ આ વાતને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવું જોઈએ. આ સમિટમાં કોઈ હાજર ન રહ્યું હતું જ્યારે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવાથી સેનેટના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્યએ જણાવ્યું હતું કે, G-20 અંતર્ગત કાર્યક્રમ આવકાર્ય છે. પરંતુ અમારો વિરોધ એક જ છે કે બે દિવસ પહેલાં રાત્રે આમંત્રણ આપવામાં આવ્યું હોય. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ વડોદરા શહેર અને જિલ્લાના ધારસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ ધારાસભ્ય કેયૂર રોકડિયા સિવાય અન્ય કોઈ હાજર રહ્યા નથી. આ યુનિવર્સિટીનું અપમાન છે. વાઇસ ચાન્સેલર કહે છે કે બજેટ સત્રના કારણે મુખ્ય પ્રધાન અને અન્ય ધારાસભ્યો નથી આવી શક્યા. તો શું વાઇસ ચાન્સેલરને આ વિશે ખબર નહોતી? જો ગેસ્ટ આવવાના જ નથી હોતા તો શા માટે આવા તાયફાઓ કરો છો? આ તો વિદ્યાર્થીઓ અને સેનેટ મેમ્બરોનું અપમાન છે, તેમ તેમણે જણાવ્યું હતું.
લાખો રૂપિયાનો ખર્ચ યુનિવર્સિટી કરતી હોય ત્યારે તેમણે આયોજન કરતા પહેલા આ બધો વિચાર કરવો જોઈએ, તેમ સેનેટના સભ્યો અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.