Homeટોપ ન્યૂઝભારતની એક ઈંચ ભૂમિ પણ કોઈ લઈ નહિ શકે: રાજનાથ

ભારતની એક ઈંચ ભૂમિ પણ કોઈ લઈ નહિ શકે: રાજનાથ

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં મંગળવારે જણાવ્યું હતું કે કોઈ પણ દુશ્મન ભારતની એક ઈંચ જમીન પણ આંચકી નહિ શકે. ભારતીય લશ્કરના બહાદુર જવાનો શત્રુઓના કોઈ પણ પ્રકારના હુમલા કે આક્રમણનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.
તેમણે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણમાં કોઈ ભારતીય સૈનિક શહીદ નથી થયો. માત્ર થોડા સૈનિક ઘાયલ થયા હતા. તેઓની ઈજા ગંભીર નથી.
અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંની આ અથડામણમાં ચીનના અનેક સૈનિક ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ચીનના સૈનિકોએ ૯, ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં યાંગત્સે વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તે નિષ્ફળ બનાવ્યો હતો.
સરહદી વિસ્તારમાં લાઈન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાસે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હોવાનું સેનાએ જણાવ્યા બાદ રાજનાથસિંહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ અથડામણમાં બંને દેશના જવાનોને ઈજા થઈ હતી.
લોકસભામાં નિવેદન આપતાં રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતીય સેનાએ ખૂબ શાંતિ અને મક્કમતાપૂર્વક ચીનના સૈનિકોનો સામનો કર્યો હતો. ભારતીય સેનાની સમયસરની દખલગીરીને કારણે ચીની સૈનિકો આગળ વધતા અટકી ગયા હતા અને તેમની સરહદમાં પાછા ફર્યા હતા.
ઘટનાને પગલે ભારતીય સેનાના કમાન્ડરે ૧૧ ડિસેમ્બરે ચીનની સેનાના કમાન્ડર સાથે બેઠક યોજી હતી અને ઘટનાને મામલે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
આ મામલે બંને દેશના રાજદ્વારીઓ વચ્ચે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે, એમ જણાવતાં રાજનાથસિંહે કહ્યું હતું કે ચીનની સેનાને આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સરહદી વિસ્તારમાં શાંતિ તેમ જ સૂમેળ જાળવી રાખવા જણાવવામાં આવ્યું છે.
રાજનાથસિંહે કહ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે સરહદી વિસ્તારમાં દેશના બહાદુર જવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેને સંપૂર્ણ સંસદનો ટેકો છે.
વર્ષ ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં પૂર્વ લદાખના રિન્ચેન લા વિસ્તારમાં ચીની સેના સાથે થયેલી અથડામણ બાદ બંને સેના વચ્ચે આ પ્રથમ મોટી અથડામણ હતી.
જૂન, ૨૦૨૦માં ગલવાન વેલીમાં બંને સેના વચ્ચે અથડામણ થઈ હતી, જે બંને સેના વચ્ચે દાયકાઓની સૌથી ગંભીર અથડામણ હતી. બંને દેશે સરહદી વિસ્તારમાં હજારો સૈનિકો અને શસ્ત્રો ખડકી દીધાં હતાં.
આ અથડામણ બાદ ભારતીય સેનાએ એ વિસ્તારમાં તેની સંરક્ષણ ક્ષમતા વધારી હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular