નાગપુર: મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની સમસ્યા મુદ્દે બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે મુંબઈને કોઈ મહારાષ્ટ્રથી અલગ નહીં કરી શકે. મુંબઈ એ મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો છે, જે રાજધાની પર કોઈના પણ દાવાને અમે સહન કરીશું નહીં અને બંને રાજ્યની વચ્ચે વણસી રહેલા સીમા વિવાદની વચ્ચે કર્ણાટકના અમુક નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સખત વખોડી નાખી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાને સંબોધતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્યની ભાવનાઓની કર્ણાટક સરકાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જાણ કરવામાં આવશે. ગૃહમાં આ મુદ્દાને ઉઠાવતા વિપક્ષના નેતા અજિત પવાર (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ દાવો કર્યો હતો કે કર્ણાટકના મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોએ પોતાની ટિપ્પણીથી મહારાષ્ટ્ર રાજ્યના ગૌરવને ઠેસ પહોંચાડી છે. કર્ણાટક-મહારાષ્ટ્રનો સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ કર્ણાટકના કાયદા પ્રધાન મધુ સ્વામીએ મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માગણી કરી હતી.
એનસીપીના નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી નાખવી જોઈએ.
આ સંદર્ભે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રનું છે અને એ કોઈના બાપનું નથી. અમે મુંબઈ પર કોઈના દાવાને સ્વીકારીશું નહીં અને અમે અમારી ભાવનાઓને કર્ણાટક સરકાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાનની સમક્ષ રજૂ કરીશું. અમે કેન્દ્રીય ગૃહ પ્રધાનને પણ અનુરોધ કરીશું કે આવા ઢોંગી લોકોને ફટકારવામાં આવે. ફડણવીસે વધુમાં કહ્યું હતું કે બંને રાજ્યના મુખ્ય પ્રધાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને પક્ષમાંથી કોઈ પણ નવો દાવો કરશે નહીં.
ફડણવીસે કહ્યું હતું કે કર્ણાટકના વિધાનસભ્યો અથવા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખે જે નક્કી કર્યું હતું તે તદ્દન વિપરીત છે. મુંબઈ પર અમે કોઈના પણ દાવાને સહન કરીશું નહીં. અમે તેને વખોડી કાઢીએ છીએ અને એ બાબતને વખોડી નાખતો પત્ર પણ કર્ણાટક સરકારને મોકલીશું. કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે થયેલી બેઠક વખતે આ નક્કી કરવામાં આવ્યું નહોતું અને તેના અંગે ગૃહ પ્રધાનનું પણ ધ્યાન દોરીશું, એવું તેમણે જણાવ્યું હતું.
(પીટીઆઈ)