મહારાષ્ટ્ર સરકારને ઝટકો! OBC આરક્ષણ મુદ્દે સરકારને ‘સુપ્રીમ’ ફટકાર

આમચી મુંબઈ દેશ વિદેશ

મહારાષ્ટ્રની તમામ 367 નગરપાલિકા અને નગર પરિષદોની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર જ યોજવાનો આદેશ સુપ્રીમ કોર્ટને આપ્યો છે. સુપ્રીમે અગાઉ ઓબીસી આરક્ષણ લાગુ કરવા માટે આપેલી મંજૂરી જેના માટે નોટિફિકેશન પ્રગટ ના થયું હોય તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને જ લાગુ પડશે એ સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટે કરી છે, જેને કારણે મહારાષ્ટ્ર સરકારને ઝટકો લાગ્યો છે. ઓબીસી આરક્ષણને નામે રાજકીય લાભ મેળવવાની રાજકીય ઈચ્છાને પણ ફટકો પડયો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એ.ખાનવિલકર, જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેંચે આ આદેશ આપતી વખતે રાજ્ય ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢતા જણાવ્યું હતું કે, અમે આ કેસમાં પહેલા આપેલા આદેશનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે. અમે એટલું કહ્યું હતું કે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો બદલી શકાશે. અમે આરક્ષણ લાગુ કરવા અંગે નવેસરથી જાહેરનામુ બહાર પાડવાની વાત કહી જ નથી. આરક્ષણ માટે થઈને ઈલેક્શન કમિશનના મૂળ જાહેરનામામાં ફેરફાર થઈ શકશે નહીં. જ્યાં ચૂંટણીનું જાહેરનામું પ્રગટ થઈ ચૂકયું છે એવી સંસ્થાઓમાં આરક્ષણ ઉમેરી શકાશે નહી.
જસ્ટિસ ખાનવીલકરે કહ્યું હતું કે 367 સંસ્થાઓમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હવે તેમાં ખલેલ પાડવાની જરૂર નથી. કોર્ટે પંચની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમારા આદેશનું તમારી સગવડ પ્રમાણે અર્થઘટન ના કરો. આ સરાસર લૂચ્ચાઈ છે. અમારા આદેશને તમારી અનુકુળતા મુજબ અને કોઈના કહેવાથી અર્થઘટના કરવાનો પ્રયાસ કરો નહીં. તમે ઈચ્છો છો અમે અવમાનની નોટિસ ફટકારીએ તમને?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.