Homeદેશ વિદેશનેતાઓનાં વાણી સ્વાતંત્ર્ય પર વધુ પ્રતિબંધ નહિ: સુપ્રીમ કોર્ટ

નેતાઓનાં વાણી સ્વાતંત્ર્ય પર વધુ પ્રતિબંધ નહિ: સુપ્રીમ કોર્ટ

“પ્રધાનોના વાંધાજનક નિવેદન માટે સરકાર જવાબદાર
ન ગણાય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પ્રધાનોના વાણી સ્વાતંત્ર્ય પર વધુ પ્રતિબંધ લાદવાનું મંગળવારે નકારી કાઢ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રધાનોના વાંધાજનક નિવેદન માટે સરકાર જવાબદાર ન ગણાય.
બંધારણની કલમ ૧૯ (૨)માં આ અંગેની જોગવાઈઓ પહેલેથી જ અસ્તિત્વમાં હોવાનું પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે કહ્યું હતું.
ન્યાયાધીશ એસ. એ. નજીના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠમાં ન્યાયાધીશ બી. આર. ગવઈ, ન્યાયાધીશ એ. એસ. બોપન્ના, ન્યાયાધીશ વી. રામસુબ્રમણ્યમ અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નનો સમાવેશ થતો હતો. વાંધાજનક નિવેદન માટે સંબંધિત પ્રધાનને જ જવાબદાર ગણવા જોઈએ એમ જણાવતાં પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે બહુમતીથી ચુકાદો આપતાં કહ્યું હતું કે પ્રધાનોના વાંધાજનક નિવેદન માટે સરકારને જવાબદાર ન ગણી શકાય.
જોકે, ન્યાયાધીશ નાગરત્નનો અભિપ્રયાસ અન્ય ચાર ન્યાયાધીશથી અલગ હતો. તેમણે કહ્યું હતું કે કલમ ૧૯ (૨) સિવાય અભિવ્યક્તિની સ્વાતંત્રતા પર વધુ પ્રતિબંધ લાદી શકાય નહિ. જો કોઈ પ્રધાન હોદ્દા પર કે સત્તાની ક્ષમતામાં રહીને વાંધાજનક નિવેદન કરે તો તે માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય છે, પરંતુ જો પ્રધાનનું નિવેદન સરકારના વલણને અનુરૂપ ન હોય તો તેને વ્યક્તિગત નિવેદન ગણવું જોઈએ.
ન્યાયાધીશ નાગરત્નએ કહ્યું હતું કે પ્રધાન વ્યક્તિગત
તેમ જ સત્તાવાર બંને રીતે નિવેદન આપી શકે છે. જો પ્રધાન વ્યક્તિગત નિવેદન આપે તો તેને તેનું અંગત નિવેદન માનવામાં આવવું જોઈએ, પરંતુ પ્રધાન જો સરકારના કામને લગતું નિવેદન આપે તો તેને સરકારનું સામૂહિક નિવેદન ગણવામાં આવવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે જાહેર હોદ્દા પર બેઠેલી વિખ્યાત અને પ્રભાવશાળી વ્યક્તિઓ સમાજના ચોક્કસ વર્ગના લોકો પર પ્રભાવ પાડતી હોવાને કારણે તેમનાં નિવેદન જવાદારીભર્યા અને સંયમિત હોવાં જોઈએ.
સાર્વજનિક ભાવનાઓ અને વ્યવહાર પર પડનારી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને તેમણે શબ્દોનો પ્રયોગ કરવાની જરૂર છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો એ તમામ નાગરિકોની ફરજ અને જવાબદારી છે.
મહિલાઓની ગરિમા જળવાઈ રહે તે માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવાથી લોકોએ દૂર રહેવું જોઈએ. દેશના તમામ નાગરિકોની એ બંધારણીય જવાબદારી છે, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જાહેર હોદ્દા પર રહેલા લોકો માટે વાણીસ્વાતંત્ર્ય અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાની માગણી કરવામાં આવી હતી.
નેતાઓ માટે નિવેદનબાજીની મર્યાદા નક્કી કરવાના મામલે વર્ષ ૨૦૧૬માં બુલંદશહર સામૂહિક બળાત્કાર કેસને મામલે ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન આઝમ ખાને કરેલાં નિવેદનથી શરૂ થયો હતો.
જુલાઈ, ૨૦૧૬ના બુલંદશહર સામૂહિક બળાત્કારની ઘટનાને રાજકીય કાવતરું લેખાવતા આઝમ ખાને કરેલાં નિવેદન બાદ નેતાઓ માટે નિવેદનબાજીની મર્યાદા નક્કી કરવાની માગણી કરવામાં આવી હતી.
સુપ્રમ કોર્ટે કહ્યું હતું કે જાહેર હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ દેશવાસીઓ માટે અપમાનજનક હોય કે તેમની લાગણી દુભાય તેવાં નિવેદનો ન કરવાં જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular