Homeઈન્ટરવલવેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં, ‘गावौ विश्वस्य मातरम्।’ અર્થાત્...

વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં, ‘गावौ विश्वस्य मातरम्।’ અર્થાત્ ગાય આખા વિશ્ર્વની માતા છે

બ્રહ્માજી એક મુખથી અમૃતપાન કરતા હતા, ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતનાં ટીપાં બહાર આવ્યાં હતાં. આ ટીપાં વડે સુરભિ ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

(પૂર્વાર્ધ)
ભારતીય પરંપરાના ચાર પાયા ગીતા, ગંગા, ગાયત્રી અને ગાય. ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું શિંગડાવાળું પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે, જ્યારે નર જાતિમાં લગામવાળા નરને બળદ કહેવામાં આવે છે. ગાયનો ઉછેર તેના દૂધ અને પંચગવ્ય માટે, જ્યારે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે, કારણ કે ગાયની દરેક ઊપજથી કંઈક ને કંઈક મળે જ છે. ગાયને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.गावौ विश्वस्य मातरम्। અર્થાત ગાય આખા વિશ્ર્વની માતા છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્ત્વ વિશેષ રહેવા પામ્યું છે. પ્રાચીન કાળથી જ ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયને માતા તરીકે પૂજવા પાછળના આધારો પણ મળે છે. એટલું જ નહીં ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ ગાયનું મહત્ત્વ સમજી શકાય છે.
ગાયની ઉપયોગિતાની વાત કરીએ એ પહેલાં ગાયને શા માટે માતા કહેવામાં આવે છે,તેની પશ્ર્ચાદભૂમાં એક ડોકિયું કરીએ. ગાય રુદ્રોની માતા છે. વસુઓની પુત્રી છે. આદિત્યની ભગિની છે અને અમૃતનું ઉગમ સ્થાન છે. એમ કહેવાય છે કે હિન્દુ પરંપરામાં પરા પૂર્વથી ગાય અવદ્ય, પૂજ્ય અને મંગળરૂપ ગણાય છે. દેવલ સ્મૃતિએ ગણાવેલા આઠ મંગલ તત્ત્વમાં ગાય, યજ્ઞનો અગ્નિ, સુવર્ણ, ઘૃત, સૂર્ય, જલ અને રાજા – એ આઠ મંગલકારી છે. પુરાણોમાં ‘ગો’નું દેવત્વ, સર્વદેવમયતા, પાવનત્વ આદિના ઘણા ઉલ્લેખો છે. ગાય પવિત્રતાનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પરમ પવિત્ર પશુ તરીકે ગાયની પ્રતિષ્ઠા છે. યજ્ઞો અને નિત્યનૈમિતિક દેવપૂજા આદિ વિધિઓમાં ગાયના દૂધ, દહીં, ઘૃત, ગોમૂત્ર અને ગોબર (છાણ)નો ઉપયોગ થાય છે. સાયંમ – પ્રાત: હોમમાં ગાયના દૂધનો હોમ થાય છે. યજ્ઞમાં ઘૃતની આહુતિ અપાય છે. કેવળ યજ્ઞીય ઉપયોગ માટે જ ઉપયુક્ત ગાય હોમધેનુ કહેવાય છે. વશિષ્ઠ ઋષિની નંદિની ગાય હોમધેનુ હતી. તે દેવગવી સુરભિની પુત્રી હતી. ગાય વેદોમાં દેવતા ગણાય છે. પ્રાત:કાલીન ઉષાનાં કિરણો ‘ગો’ કહેવાય છે. ગાયોના રૂપે તે કિરણો ઉષાના રથને વહે છે. સૂર્યનાં કિરણો પણ ‘ગો’ કહેવાય છે. ત્રણ વૈદિક દેવીઓ – ઈડા, ભારતી અને સરસ્વતી- માંની ઈડા ‘ગો’ કહેવાઈ છે. દેવો માટે ‘ઊં:’ એવું સાર્થક વિશેષણ પણ છે.
હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં કુલ ૩૩ કોટિ દેવી દેવતા નિવાસ કરે છે. એટલે કે ૩૩ પ્રકારના દેવતા નિવાસ કરે છે. જેમાં બાર આદિત્ય, આઠ વસુ, અગિયાર રુદ્ર અને બે અશ્ર્વિનીનો સમાવેશ થાય છે. ઋગ્વેદમાં ગાયને અઘ્નયા કહેવામાં આવે છે. યજુર્વેદમાં અનુપમય કહેવામાં આવે છે. અથર્વવેદમાં સંપત્તિઓનું નિવાસ કહેવામાં આવે છે. ભગવાન શિવનું પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી. ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલ છે. શ્રાદ્ધ કર્મમાં ગાયના દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદગતિ પામે છે. સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વ – દેવમયી છે. જ્યારે અન્ય પુરાણ અને માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે. ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપ નંદિની ગાયની પૂજા કરતા હતા. શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વે બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી એક મુખથી અમૃતપાન કરતા હતા, ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપાં બહાર આવ્યાં હતાં. આ ટીપાં વડે સુરભિ ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. બીજા એક મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ૧૪ રત્ન સાથે થઈ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ સુરભિ વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી. તેના દૂધ વડે ક્ષીર સાગરનું પ્રાદુર્ભાવ થયો હતો.
દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે. ગાયનો સમાવેશ બોસ પ્રજાતિમાં થાય છે. ગાયની બે જાતો છે: ભારતીય ગાય અને વિદેશી ગાય. ભારતીય ગાય બ્રાહ્મણ તરીકે ઓળખાય છે, જ્યારે વિદેશી ગાયને ટોરસ કહે છે. બ્રાહ્મણ ગાયમાં ખૂંધનો વિકાસ સારી રીતે થયેલો હોય છે, જ્યારે ટોરસ ગાયમાં ખૂંધ અલ્પવિકસિત કે અવિકસિત રહે છે. આર્થિક દ્રષ્ટિએ બ્રાહ્મણ ગાય દૂધ ઉત્પાદન અને સારી ઓલાદ માટે ઉપયોગી છે. ભારતીય ગાયના કાન લાંબા અને લબડતા હોય છે, જ્યારે વિદેશી ગાયના કાન નાના હોય છે. વિદેશી ગાયના વાળ ઠંડીમાં લાંબા થાય છે. ભારતીય ગાય તીવ્ર ગરમી સહન કરી શકે છે અને પરોપજીવી કીટકોનો સામનો કરી શકે છે. તેથી ભારતીય ગાયની પરદેશમાં નિકાસ પણ થાય છે. સંકરણ દ્વારા વધુ દૂધ આપનાર ગૌ વંશ માટે તેમ જ ખેતી માટે તેનો ઉછેર થાય છે.
ભારતમાં પાલતુ પશુઓમાં ગાયનું આર્થિક અને ધાર્મિક મહત્ત્વ અનોખું છે. પશુધનની ગણતરી મુજબ છેલ્લા કેટલાક સમયથી ગાયની સંખ્યા ઘટી રહી છે. ૨૦૧૯માં કરવામાં આવેલી ગણતરીમાં આ બાબત સામે આવી છે. પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય કરતાં ભેંસ રાખવાનું વધુ પસંદ કરે છે. ભારત સરકારના પશુઓની વસ્તી ગણતરીના પ્રાપ્ત આંકડા પ્રમાણે ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ ૨૦૧૨માં ૯૯,૮૩,૯૫૩ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ૨૦૧૯માં આ સંખ્યા ઘટીને ૯૬,૩૩,૬૩૭ થઈ ગઈ છે. સાત વર્ષમાં ૩.૫૦ લાખનો ઘટાડો થયો છે.
દેશમાં ગૌધનની સંખ્યા બાબતે જો વાત કરવામાં આવે તો દેશમાં ગૌધનની સંખ્યા ૧૯.૨૪ કરોડ જેવી છે.ગાયની સંખ્યાની બાબતમાં પશ્રિચમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર ટોપ ફાઈવ રાજ્યમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ,આસામ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં પણ ગાયોની સંખ્યા વધી છે.
દૂધની ઉત્પાદકતાની દ્રષ્ટિએ પશુપાલકો ભલે ભેંસને પાળવાનું
વધુ પસંદ કરે, પરંતુ ગાયની ઉપયોગિતાની સરખામણીમાં ભેંસ આગળ નીકળી શકે નહીં. આજે ખેતીવાડી ક્ષેત્રે જાગૃતિ આવ્યા પછી ગાય આધારિત ખેતીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. હવે ગાય માત્ર દૂધ આપનારું જ પ્રાણી રહ્યું નથી. ગાયના પંચગવ્ય તો જુદી જુદી રીતે ઉપયોગમાં આવે જ છે, તેમ છતાં ગાયના છાણ અને ગૌમૂત્રનો અનેક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેત પેદાશો વધારવાનું સફળ આયોજન કરી રહ્યા છે. સમજો કે ગાય આધારિત ખેતી દ્વારા ખેડૂતો સજીવ ખેતી કરી આરોગ્યપ્રદ ઉત્પાદનો કરવા લાગ્યા છે. ખેત ઉત્પાદનોમાં ખેડૂતોએ જંતુનાશક દવાનો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. ખેડૂતોમાં જબરજસ્ત જાગૃતિ આવી છે. આ અર્થમાં ગાય આધારિત ખેતીને ચમત્કાર ગણી શકાય. ગુજરાત રાજ્યના મહામહિમ ગવર્નર આદરણીય દેવવ્રત આચાર્યજી પણ ગાય આધારિત ખેતી બાબતે ખેડૂતોમાં જાણકારી વધે તે માટે જબરા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ વિવિધ જગ્યાએ ખેડૂતોના સંમેલન બોલાવીને પણ જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ખેડૂતો સમક્ષ રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી અને તેનાં ઉત્પાદનની સામે ગાય આધારિત થતી ખેતી અને તેના ઉત્પાદનોના આંકડાઓ સાથે ખેડૂતોને વાત ગળે ઉતરાવે છે કે, ગાય આધારિત ખેતી કરવામાં જ ફાયદો છે. ખેતી ઉપરાંત ગાયના છાણમાંથી વિવિધ ગૃહ ઉપયોગી સાધન સામગ્રી બનાવવામાં આવે છે. આવી સાધન સામગ્રીના વેચાણ દ્વારા લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -