દાઉદના માથા સાટે હવે ઈનામનો મતલબ નથી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં દાઉદ ઈબ્રાહીમ બારમાસી મુદ્દો છે ને સમયાંતરે કોઈ ને કોઈ રીતે દાઉદ ચર્ચામાં આવી જ જાય છે. હમણાં આપણે આતંકવાદને લગતા કેસોની તપાસ માટે રચાયેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ)એ દાઉદ ઈબ્રાહિમના માથા સાટે ૨૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરતાં દાઉદ ફરી ચર્ચામાં છે. એનઆઈએએ દાઉદને મોસ્ટ વોન્ટેડ આરોપી ગણાવીને આરોપ મૂક્યો છે કે, દાઉદ ઈબ્રાહિમ ગેંગ ભારતમાં તમામ પ્રકારનાં ખોટાં અને ગુનાઈત કામોમાં સામેલ છે. હથિયારો ઠાલવવાં, વિસ્ફોટકો મોકલવાં, ડ્રગ્સ અને નકલી ચલણની દાણચોરી ઉપરાંત દાઉદ ઈબ્રાહીમ ગેંગ પાકિસ્તાની એજન્સીઓ તથા સંગઠનો તેમજ ભારતમાં સક્રિય આતંકવાદી સંગઠનો સાથે મળીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે એવો દાવો પણ કરાયો છે.
એનઆઈએએ દાઉદ સાથે સંકળાયેલાં અન્ય લોકોને પણ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગણાવીને તેમનાં માથાં સાટે પણ અલગ-અલગ ઈનામ જાહેર કર્યાં છે. દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ ઉર્ફે હાજી અનીસ, દાઉદના ખાસ સાથી મનાતા જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના, શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ અને ઈબ્રાહિમ મુસ્તાક અબ્દુલ રઝાક મેનન ઉર્ફે ટાઈગર મેનન દાઉદના જાકુબીના ધંધાઓમાં સામેલ હોવાનું જાહેર કરીને એનઆઈએ છોટા શકીલ પર ૨૦ લાખ અને અનીસ, ચિકના, મેનનના માથા સાટે ૧૫-૧૫ લાખનું ઈનામ જાહેર કર્યું છે.
પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલો દાઉદ ઈબ્રાહીમ ભારતનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન છે. ૧૯૯૩માં બાબરી ધ્વંશનો બદલો લેવા કરાયેલા મુંબઈ બ્લાસ્ટ સહિત અનેક કેસમાં ભારત દાઉદને શોધી રહ્યું છે. દાઉદ પાકિસ્તાન ભાગી ગયો પણ ત્યાંથી પણ તેના ધંધા ચાલુ જ છે તેથી નવા નવા કેસ નોંધાયા જ કરે છે. આતંકવાદ કે ગુનાઈત પ્રવૃત્તિની વાત બહાર આવે એટલે કેસ નોંધાય છે. કેટલાક જૂના કેસમાં તપાસ પતે એટલે પણ કેસ નોંધાય છે. એનઆઈએએ આ વર્ષે ફેબ્રુઆરીમાં આ રીતે જ દાઉદ સામે કેસ નોંધ્યો હતો.
આપણી ઈન્ટેલિજન્સ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓએ એનઆઈએને માહિતી આપેલ કે દાઉદની ડી કંપનીએ ભારતમાં એક વિશેષ યુનિટ શરૂ કર્યું છે. પાકિસ્તાનમા સક્રિય આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે મળીને દાઉદનું નવું યુનિટ દેશના ટોચના નેતાઓ અને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી શકે છે. ભારતમાં સક્રિય લશ્કર-એ-તૌયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના સ્લીપર સેલને મદદ કરીને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે આ યુનિટ કામ કરે છે એવી પણ બાતમી મળી હતી.
એનઆઈએએ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી પછી આ વર્ષે મે મહિનામાં એનઆઈએએ દાઉદ સાથે સંકળાયેલા લોકોનાં ૨૯ સ્થળે દરોડા પાડ્યા હતા. હાજી અલી દરગાહ અને માહિમ દરગાહના ટ્રસ્ટી સુહેલ ખંડવાની, ૧૯૯૩ બ્લાસ્ટના આરોપી સમીર હિંગોરા, સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ, છોટા શકીલના સંબંધી ગુડ્ડુ પઠાણ સહિતના લોકોને ત્યાં એનઆઈએએ દરોડા પાડેલા. આ સિવાય દાઉદના ભાઈ ઈકબાલ કાસકર અને ભીવાડીમાં રહેતા ઈકબાલ કાસકરની પત્નિના સગા કય્યુમ શેખને ત્યાં પણ દરોડા પડાયેલા.
આ દરોડામાં દાઉદ વિશે નવું શું મળ્યું એ ખબર નથી પણ આ કેસના સંદર્ભમાં જ દાઉદના માથે ૨૫ લાખનું ઈનામ જાહેર કરાયું છે. એનઆઈએએ કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે આ ઈનામ ભલે જાહેર કર્યું પણ તેનો કોઈ મતલબ નથી. દાઉદ ૧૯૮૦ના દાયકામાં ભારતથી ભાગી ગયો પછી દાઉદ સામે સંખ્યાબંધ વાર ઈનામ જાહેર કરાયું છે.
યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે છેક ૨૦૦૩માં દાઉદના માથા સાટે ૨૫ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું ને છતાં દાઉદનો પત્તો મળતો નથી. ભારતીય રૂપિયામાં ગણ તો ૨૦ કરોડ રૂપિયાની આસપાસ રકમ થાય. આટલી જંગી રકમની લાલચમાં દાઉદની વિગતો કોઈ આપતું નથી તો હવે ૨૫ લાખ રૂપિયાની લાલચમાં દાઉદ વિશે કોઈ માહિતી આપે? દાઉદનું નેટવર્ક અને ખોફ જોતાં આ જાહેરાતથી કશું વળવાનું નથી.
વાસ્તવમાં દાઉદ સામે આ પ્રકારનાં ઈનામ જાહેર કરવાનો કે બીજું કશું કરવાનો સમય ક્યારનો પતી ગયો છે ને હવે એક્શનનો સમય છે. દાઉદ ઈબ્રાહીમ આપણો મોસ્ટ વોન્ટેડ છે ને તેને પાતાળમાંથી પણ શોધીને આપણે પતાવી દેવો જોઈએ. એ સિવાય બીજું ગમે તે કરો તેનો કોઈ મતલબ નથી. દાઉદ વરસોથી પાકિસ્તાનમાં રહે છે ને ત્યાં બેઠો બેઠો પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. આપણે તેની સામે નવા નવા કેસ નોંધ્યા કરીએ છીએ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.
દાઉદ ક્યાં છે એ આપણને ખબર છે એવા દાવા આપણી એજન્સીઓ કરે છે. ભારતીય જાસૂસી સંસ્થાઓએ બનાવેલા ડોઝિયરમાં દાઉદના પાકિસ્તાનનાં ૯ સરનામાંની વિગતો અપાયેલી. આ સરનામાંમાં કરાચીના ક્લિફ્ટન સ્થિત વ્હાઇટ હાઉસનો પણ સમાવેશ થાય છે. દાઉદ પાસે ત્રણ પાકિસ્તાની પાસપોર્ટ છે જેમાં પહેલો પાસપોર્ટ રાવલપિંડીના સરનામાનો જ્યારે બાકીના બે કરાચીના સરનામાના છે એવું પણ આપણી એજન્સીઓ કહે છે.
દાઉદના ભલે નવ ઠેકાણાં હોય પણ દાઉદ કરાચીમાં ક્લિફ્ટન વિસ્તારના ઘરે જ વધારે પડ્યો પાથર્યો રહે છે એવો દાવો આપણી એજન્સીઓએ પાકિસ્તાનને આપેલા ડોઝિયરમા કરેલો. આ ઘરનું ટેલિફોન બિલ તેની બૈરી મહેઝબીન શેખના નામે આવે છે. એપ્રિલ ૨૦૧૫ના ટેલિફોન બિલની નકલ પણ પુરાવારૂપે ડોઝીયરમાં મૂકાઈ હતી. ડોઝીયરમાં કરાયેલા દાવા પ્રમાણે દાઉદ ઈબ્રાહીમ હવે ક્લીન શેવ્ડ છે ને છાસવારે ઘર બદલતો રહે છે કે જેથી એ કોઈની પકડમાં ના આવે.
આ ડોઝિયર મળ્યાને ત્રણ વર્ષ થઈ ગયાં છતાં પાકિસ્તાને કશું કર્યું નથી એ જોતાં હવે આપણે જ કશુંક કરવું પડે. આપણી પાસે આવડું મોટું તંત્ર છે, એજન્સીઓ છે, ઈન્ટેલિજન્સ છે એ જોતાં દાઉદનો પાકિસ્તાનમાં જ પીછો કરીને તેને પતાવી દેવાનો વિકલ્પ અજમાવવો જોઈએ. દાઉદના વિરોધીઓ એવા અંડરવર્લ્ડના લોકોનો ઉપયોગ કરીને કે પછી પોતાના કમાન્ડોને મોકલીને દાઉદનો ઘડાલાડવો કરી નાંખવા ભારતે પોતે જ ઑપરેશન હાથ ધરવું પડે.
અમેરિકાએ જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને પહેલાં ઓસામા બિન લાદેન ને પછી ઝવાહિરીને પતાવી દીધો એવું પરાક્રમ આપણે કરવું પડે. બાકી ગમે તેટલાં ઈનામો જાહેર કરો કે કેસ નોંધો તેનાથી કોઈ ફરક પડવાનો નથી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.