વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગ્રીન ગ્રોથ પર આધારિત વેબિનારમાં હાજરી આપી હતી. તેમણે ઉર્જા જગત સાથે જોડાયેલા લોકોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. ગુરુવારે ગ્રીન ગ્રોથ વેબિનારને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ગ્રીન એનર્જી સંબંધિત ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રેસર થઈ શકે છે. ભારત પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) ઉર્જા સંસાધનોમાં જેટલું વધુ કમાન્ડિંગ પોઝિશન ધરાવે છે, તે સમગ્ર વિશ્વમાં તેટલું વધુ પરિવર્તન લાવી શકે છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકારનું દરેક બજેટ વર્તમાન પડકારોને ઉકેલવાની સાથે નવા યુગના સુધારાને આગળ ધપાવી રહ્યું છે. વેબિનારને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વર્ષના બજેટમાં ગ્રીન ગ્રોથ અંગે કરવામાં આવેલી જોગવાઈઓ એક રીતે આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે. તેમણે કહ્યું કે આ બજેટ વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં ભારતને લીડ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એનર્જી વર્લ્ડ સાથે જોડાયેલા લોકોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે, ભારત ગ્રીન એનર્જીને લગતી ટેક્નોલોજીમાં વિશ્વમાં અગ્રેસર થઈ શકે છે. તે ભારતમાં ગ્રીન જોબ્સ તેમજ ગ્લોબલ ગુડ વધારવામાં ઘણી મદદ કરશે. આ બજેટ તમારા માટે માત્ર એક તક નથી, તેમાં તમારા સુરક્ષિત ભવિષ્યની ગેરંટી પણ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, તેમણે કહ્યું કે આપણા દેશમાં એગ્રી-વેસ્ટની કોઈ અછત નથી, તેથી રોકાણકારોએ દેશના ખૂણે ખૂણે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાની તક ગુમાવવી જોઈએ નહીં. ભારતમાં ગાયના છાણમાંથી 10 હજાર મિલિયન ક્યુબિક મીટર બાયો ગેસનું ઉત્પાદન થવાની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ભારતની વાહન સ્ક્રેપિંગ નીતિ ગ્રીન ગ્રોથ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વાહન સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ બજેટમાં 3 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આગામી સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ત્રણ લાખથી વધુ વાહનો સ્ક્રેપ થવાના છે. આગામી સમયમાં વાહન સ્ક્રેપિંગ એક મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે.