વિકાસ મોડલ તરીકે જાણીતા ગુજરાત રાજ્યના કુલ 13 જિલ્લાઓ એવા છે જ્યાં એક પણ સરકાર સંચાલિત બ્લડ બેંક જ નથી. રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભારતના દરેક જિલ્લામાં સરકાર દ્વારા સંચાલિત બ્લડ બેંક હોવી આવશ્યક છે.
અમદાવાદના જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના વિધાનસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો. વિધાનસભ્યના પ્રશ્નના જવાબમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 13 જીલ્લાઓ કે જ્યાં સરકારી બ્લડ બેંકો નથી તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગીર-સોમનાથ, ખેડા, મહિસાગર, નર્મદા, નવસારી અને તાપીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં ચેરિટેબલ અને રેડ ક્રોસ બ્લડ બેંકો છે અને સરકાર દ્વારા સંચાલિત બ્લડ બેંકો તમામ 13 જિલ્લામાં તબક્કાવાર રીતે સ્થાપિત કરવામાં આવશે.
ગુજરાતના 33 જિલ્લામાં કુલ 178 બ્લડ બેંક કાર્યરત છે. અમદાવાદમાં સૌથી વધુ 30 કેન્દ્રો, બનાસકાંઠામાં 13, વડોદરા અને સુરતમાં 11 અને રાજકોટમાં 10 કેન્દ્રો છે. જો કે, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દ્વારકા, મહિસાગર અને નર્મદા સહિતના છ જિલ્લાઓમાં એક-એક બ્લડ બેંક છે