Homeવેપાર વાણિજ્યશૅરબજારમાં મોટા ઘટાડાના એંધાણ નહીં

શૅરબજારમાં મોટા ઘટાડાના એંધાણ નહીં

નિફ્ટી માટે ૧૮,૦૦૦-૧૭,૯૦૦ તાત્કાલિક સપોર્ટ લેવલ

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજાર અનિશ્ર્ચિત અને અકળ કે વણધારેલી મુવમેન્ટ સાથે આગળ વધતું રહ્યું છે અને અંતે મામૂલી ફેરફાર સાથે સપ્તાહ પૂર્ણ કર્યુંં છે. આ સપ્તાહની વાત કરીએ તો અમેરિકાના ડેટ સિલિંગના નેગોશિએશનથી માંડીને ક્રૂડ ઓઈલના ભાવની વધઘટ મહત્ત્વની છે. જોકે નિષ્ણાતો માને છે કે આ વખતે ખાસ કરીને ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ અને રૂપિયાના સ્તર પર નજર રાખવાની ચાવીરૂપ રહેશેે. નિષ્ણાતો સ્પોટ ધોરણે ડોલર સામે રૂપિયા માટે ૮૨.૨૦ અને ૮૩.૨૦ની રેન્જની અપેક્ષા રાખે છે. ટેક્નિકલ એનાલિસ્ટ જે વિવિધ ધારણાંઓ મૂકી રહ્યા છે તેના પરથી એવું લાગે છે કે વિશ્ર્વબજારના, ખાસ કરીને અમેરિકાના કેટલાક નકારાત્મક સંકેત અને ગતિવિધિને કારણે બજાર અટવાઇ રહ્યું છે, બાકી કોઇ મોટા ઘટાડાના હાલતુરત એંધાણ નથી.
વર્તમાન તેજીનો મુખ્ય આધાર હાલ એફઆઇઆઇની લેવાલી છે, જોકે સ્થાનિક ફંડોની વેચવાલીને કારણે એફઆઇઆઇની લેવાલી ધોવાઇ જાય છે. બજાર વિશ્ર્લેષકો માને છે કે, માર્ચના નીચા સ્તરેથી નિફ્ટીમાં જે છ ટકાની તેજી આવી તેનો ઉપયોગ ડીઆઇઆઇ અને ટ્રેડર્સ દ્વારા પ્રોફિટ બુકિંગની તક તરીકે કરવામાં આવ્યો છે. ટુંકમાં એવું કહી શકાય કે, મોટી મંદીના એંધાણ નથી પરંતુ નિકટના સમયગાળામાં હવામાન ધૂંધળું જણાઇ રહ્યું છે.
૧૯ મેના રોજ પૂરા થયેલા સમીક્ષા હેઠળના ૧૮,૪૦૦ પોઇન્ટના સ્તરને થોડા સમય માટે પાર કર્યા બાદ, બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ૦.૬ ટકા ઘટીને ૧૮,૨૦૩ પોઇન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, સેન્સેક્સ ૦.૪૮ ટકા ઘટીને ૬૧,૭૨૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
ટેક્નિકલ નિષ્ણાતો માને છે કે નિફ્ટીએ ૧૮,૭૫૦-૧૮,૮૮૦ની રેન્જ સુધી તેજીની સફરને લંબાવવા માટે સંપૂર્ણ મક્કમતા સાથે ૧૮,૩૫૦-૧૮,૪૬૦ પોઇન્ટની રેન્જ સર કરવાની આવશ્યકતા છે.
જો કોઇપણ કારણસર બેન્ટમાર્ક નીચી સપાટીએ ગબડે તો ૧૮,૦૦૦-૧૭,૯૦૦ તાત્કાલિક સપોર્ટ લેવલ તરીકે કામ કરશે. ઓપ્શન ડેટા દર્શાવે છે કે માસિક એફએન્ડઓ કોન્ટ્રાક્ટની સમાપ્તિના સપ્તાહમાં ૧૮,૨૦૦ નિર્ણાયક સ્તર બનવાની શક્યતા છે. જો ઇન્ડેક્સ આ જ રીતે મક્કમ રહે તો, ૧૮,૦૦૦ પર નિર્ણાયક સપોર્ટ સાથે ૧૮,૩૦૦-૧૮,૫૦૦ તરફ સંભવિત ઉછાળો અપેક્ષિત છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
એફઓએમસીની મે મહિનાની પોલિસી મીટિંગની મિનિટ્સ ૨૪ મેના રોજ બહાર પાડવામાં આવશે. યુએસ ફેડરલ રિઝર્વે ચોથી મેના રોજ તેના મુખ્ય વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સ (બાત) વધારો કર્યો હતો કારણ કે તેના મતે બેંકિંગ કટોકટી અને ફુગાવાની સમસ્યાનો હજું અંત આવ્યો નથી.
યુએસ ફેડરલે પણ સંકેત આપ્યો હતો કે તે રેટ વધારાના ચક્રને વિરામ આપી શકે છે અને મીટિંગની મિનિટ્સ આ અંગે વધુ સ્પષ્ટતા આપશે. એફઓએમસીની મિનિટસ પર નજર રાખવી આવશ્યક છે, કારણ કે આગામી મીટિંગ જૂન ૧૩-૧૪માં નિર્ધારિત છે.
વૈશ્ર્વિક ઇક્વિટી બજાર માટે સૌથી મોટી નકારાત્મક બાબતમાં યુએસ સરકારની ૩૧.૪-ટ્રિલિયનની દેવાની ટોચમર્યાદા વધારવા અંગે વ્હાઇટ હાઉસ અને રિપબ્લિકન કોંગ્રેશનલ વાટાઘાટકારો વચ્ચેની બીજી મીટિંગ બંને પક્ષો દ્વારા ટાંકવામાં આવેલી કોઈ પ્રગતિ અને કોઈ વધારાની મીટિંગ સેટ કર્યા વિના અધૂરી રહી ગઇ છે. વોશિંગ્ટન તેની આગામી દેવાની ચૂકવણી પર ડીલ સુધી પહોંચશે અથવા ઐતિહાસિક ડિફોલ્ટનું જોખમ વ્હોરી લેશે તે પહેલી જૂન સુધીની સમયમર્યાદા દરમિયાન જાણવા મળશે, ત્યા સુધી ઇક્વિટી ઇન્વેસ્ટર્સના જીવ અદ્ધર રહેશે. જાન્યુઆરી-માર્ચ સમયગાળા માટે જીડીપી વૃદ્ધિ માટેના બીજા અંદાજની પણ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવશે કારણ કે ફેડરલ દ્વારા સતત ૧૦માં દરમાં વધારો વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસને અસર કરવાનું શરૂ કરે છે. રોકાણકારો એપ્રિલ માટે યુકેના ફુગાવાના દર પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
પાછલા સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૧૫ થી ૧૯ મે વચ્ચે રૂ. ૭,૭૫૦ કરોડના શેર ખરીદ્યા બાદ ૮ થી ૧૨ મે વચ્ચે રૂ. ૪,૦૯૭ કરોડના શેર ખરીદ્યા હતા. મે મહિના માટે અત્યાર સુધી કુલ એફઆઇઆઇનો પ્રવાહ રૂ. ૧૭,૩૭૬ કરોડનો છે. તેઓએ માર્ચમાં રૂ. ૧,૯૯૭.૭૦ કરોડ અને એપ્રિલમાં રૂ. ૫,૭૧૧.૮૦ કરોડના શેર ખરીદ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સપ્તાહમાં રૂ. ૬૭૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ડીઆઇઆઇએ આઠથી ૧૨ મેની વચ્ચે રૂ. ૧,૨૬૨ કરોડના શેર્સ ઑફલોડ કર્યા હતા.
દરમિયાન, મુંબઈ સ્થિત અગ્રણી જ્વેલરી કંપનીઓમાંની એક સ્કાય ગોલ્ડ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૧,૦૦૦ કરોડનો આંકડો વટાવ્યો છે અને ચોથા ક્વાર્ટરમાં તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૪૮ ટકા વધ્યો વધ્યો છે. કંપનીના કલાયન્ટ્સમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, જોયાલુક્કાસ, કલ્યાણ જ્વેલર્સ, જીઆરટી જ્વેલર્સ અને સેમકો ગોલ્ડ જેવા અગ્રણી જ્વેલરી રિટેલર્સવનો સમાવેશ છે.
સ્કાય ગોલ્ડ પ્રોડક્ટ્સ સમગ્ર ભારતમાં ૨,૦૦૦થી વધુ શોરૂમ પર ઉપલબ્ધ છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ક્વાર્ટરમાં કુલ આવક રૂ ૨૭૦.૧૪ કરોડ. એબિટા રૂ. ૧૧.૯૧ કરોડ, કરવેરા બાદનો નફો રૂ. ૫.૫૭ કરોડ અને શેરદીઠ કમાણી રૂ. ૫.૬૬ નોંધાવી છે. જ્યારે વાર્ષિક ધોરણે નાણાકીય વષ૪ ૨૦૨૩માં કુલ આવક રૂ. ૧૧૫૪.૭૬ કરોડ, એબિટા રૂ. ૩૭.૨૬ કરોડ, કરવેરા બાદનો નપો રૂ. ૨૨.૪૭ કરોડ અને શેરદીઠ કમાણી રૂ. ૧૭.૩૨
નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -