નાણાં ખાતાએ બધા જ સરકારી વિભાગોના ખર્ચ પર લગામ લગાવી
વિપુલ વૈદ્ય
મુંબઈ: આર્થિક વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં અનાવશ્યક બાબતો પર કરવામાં આવતા ખર્ચ પર લગામ લગાવવાના હેતુથી રાજ્યના નાણા ખાતાએ સરકારી ખરીદી પર નિયંત્રણો લગાવ્યાં છે અને તેના અનુસાર હવે રાજ્યના બધા જ પ્રશાસકીય વિભાગ અને તેના હેઠળની કચેરીઓએ 15 ફેબ્રુઆરી, 2023 પછી કોઈપણ ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવી નહીં, એવો આદેશ નાણાં ખાતા દ્વારા આપવામાં આવ્યા છે.
નાણાં ખાતા દ્વારા બધા ખાતાને આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 15 ફેબ્રુઆરી પછી કોઈપણ નવી ખરીદીના પ્રસ્તાવને પ્રશાસકીય મંજૂરી આપી શકાશે નહીં અથવા પ્રશાસકીય માન્યતા મળી ગઈ હશે તેમ છતાં 15 ફેબ્રુઆરી પછી તેનું ટેન્ડર કાઢી શકાશે નહીં.
સરકારનું આર્થિક વર્ષ 31 માર્ચ, 2023ના રોજ પૂરું થાય છે. આને કારણે વિભાગને દરમહિને ઉપલબ્ધ ભંડોળનું નિયોજન કરીને ખર્ચ કરવાનું અપેક્ષિત હોય છે, પરંતુ આર્થિક વર્ષ પૂરું થતું હોવાને કારણે છેલ્લા દિવસોમાં દરેક વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવતો હોય છે એવું સરકારના ધ્યાનમાં આવ્યું છે. આથી જ નાણાં ખાતાએ 15 ફેબ્રુઆરી પછી ખરીદી પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
કચેરીમાં રહેલા ફર્નિચરનું સમારકામ, ઝેરોક્સ મશીન, કમ્પ્યુટર ઉપકરણો અથવા તેના છૂટા ભાગ, વગેરે ખર્ચના પ્રસ્તાવ નિમિત્તિક વર્કશોપ, સેમિનાર અને ભાડેથી કચેરીની ખરીદવા વગેરે પ્રસ્તાવને મંજૂરી આપવી નહીં. તેમ જ આવા પ્રકારની ખરીદીના પ્રસ્તાવ નાણાં વિભાગની માન્યતા માટે રજૂ કરવા નહીં એવું પણ નાણાં ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા વાર્ષિક યોજના તેમ જ લોકપ્રતિનિધિના સ્થાનિક વિકાસ ભંડોળમાંથી ખરીદી બાબતના પ્રસ્તાવ નાણાં ખાતા પાસે રજૂ કરી શકાશે. તેના પર નિર્ણય લેવાનો અધિકાર નાણાં ખાતાને રહેશે. 15 ફેબ્રુઆરી પછીની કોઈપણ ખરીદીને મંજૂરી મળશે નહીં અથવા પ્રશાસકીય માન્યતા મળી ગઈ હશે તો પણ તેનું ટેન્ડર કાઢી શકાશે નહીં એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. જોકે 15 ફેબ્રુઆરી પહેલાં કાઢવામાં આવેલાં બધાં જ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને ખરીદી કરી શકાશે.
આ નિયંત્રણો અત્યારે ચાલી રહેલા ઓફિસના કામને લાગુ પડશે નહીં અને તેમાં ખરીદી કરી શકાશે. જોકે આગામી વર્ષે લાગનારી સામગ્રીની ખરીદી કરી શકાશે નહીં, એમ પણ નાણાં ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.
દવાની ખરીદી, કેન્દ્રીય યોજના અને તેને અનુરૂપનો હિસ્સો તેમ જ બાહ્ય સહાયિત યોજના હેઠળની ખરીદીના પ્રસ્તાવોને આ નિયંત્રણો લાગુ પડશે નહીં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.