Homeમેટિની‘નોએન્ટ્રી મેં એન્ટ્રી’- હેરાફેરી-૩

‘નોએન્ટ્રી મેં એન્ટ્રી’- હેરાફેરી-૩

અંતે લેખક-દિગ્દર્શક અનિસ બઝમીએ તોડી ચુપકીદી

પ્રથમેશ મહેતા

જાણીતા લેખક-દિગ્દર્શક અનિસ બઝમીની ફિલ્મોની ચર્ચા ખૂબ જ થઇ રહી છે. અગાઉ થોડા સમય પહેલાં સલમાન ખાન તથા અનિલ કપૂર અભિનિત, બોની કપૂર નિર્મિત, અનિસ બઝમી દ્વારા લિખિત-દિગ્દર્શિત સુપર ડુપર હીટ ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ ફિલ્મમાંથી સલમાન ખાને હટી જવાની વાત મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી. હવે અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી અભિનિત સુપર હીટ ફિલ્મ ‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝીની ‘હેરાફેરી-૩’માં અક્ષયકુમારની જગ્યાએ કાર્તિક આર્યનને સાઇન કરવામાં આવ્યો છે, એવી વાતો મીડિયામાં ફરી રહી છે. અનિસ બઝમીએ કાર્તિક આર્યનને તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-૨’ આપી છે.
એ ‘ભૂલ ભૂલૈયા’ની ફ્રેન્ચાઇઝી હતી. એમાં પણ અક્ષયકુમારની જગ્યાએ કાર્તિકને લેવામાં આવ્યો હતો. લેખક-દિગ્દર્શક અનિસ બઝમીએ ‘મુંબઇ સમાચાર’ સાથેની તેની ખાસ મુલાકાતમાં આ બધી બાબતોનો ખુલાસો કર્યો છે.
‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ ફિલ્મમાંથી સલમાન ખાને હટી જવાની વાત કરી છે
આ ફિલ્મની સ્ક્રિપ્ટ ‘રેડી ટૂ શૂટ’ છે. મેં સલમાન ખાનને સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને એમને આ વાર્તામાં ખૂબ જ રસ પડયો હતો. આ ફિલ્મ કરવાને લઇને એ ખૂબ જ ઉત્સાહિત છે. એમણે મને કહ્યું હતું કે આ ફિલ્મ આપણે જ બનાવીએ છીએ અને મને શૂટ માટે જાન્યુઆરી, ૨૦૨૩થી તારીખો પણ આપી છે. ત્યારબાદ આ મામલે મારી એમની સાથે કોઇ વાત થઇ નથી, પરંતુ અન્ય બહારના લોકો કહી રહ્યા છે કે ફિલ્મ શરૂ કરવા માટે કેટલીક કાનૂની સમસ્યાઓ નડી રહી છે. મને એવું લાગે છે કે સલમાન ખાન એ સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે. એ પૂર્ણ થતા જાન્યુઆરીમાં ફિલ્મ શરૂ કરીશું. ફિલ્મ ન કરવા વિશે સલમાન ખાન તરફથી હજી સુધી મારી પાસે અધિકારીક રૂપે એમનું કોઇ નિવેદન આવ્યું નથી.
આ વિશે નિર્માતા બોની કપૂર સાથે વાત થઇ છે?
ના, એ મારા ખૂબ જ જૂના મિત્ર છે. એમની સાથે ઘણુ કામ કર્યું છે અને આગળ પણ એમની સાથે ઘણુ કામ કરવાનું છે. એમની સાથે આ બાબતે કોઇ વાત નથી થઇ.
‘હેરાફેરી-૩’ અક્ષય કુમાર
વગર બનશે?
મેં અક્ષયકુમાર સાથે ખૂબ કામ કર્યું છે. તેઓ મારા ખાસ મિત્રોમાંના એક છે. મેં પણ મીડિયા પાસેથી વાત સાંભળી છે કે અક્ષયકુમારને ફિલ્મની વાર્તા પસંદ નથી આવી, તેથી તેમણે ફિલ્મ કરવાની ના પાડી દીધી છે અને એની જગ્યાએ કાર્તિક આર્યનને ફિલ્મમાં લેવામાં આવ્યો છે.
આ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા છે. એ મારા ખૂબ જ જૂના મિત્ર છે. એમની સાથે મેં ‘વેલકમ’ અને ‘વેલકમ બેક’ જેવી સુપર હીટ ફિલ્મો બનાવી છે. તેથી એ બન્નેની ઇચ્છા છે કે ‘હેરાફેરી-૩’ના દિગ્દર્શનની બાગડોર પણ હું જ સંભાળું. હાલમાં અમારી બેઠકો ચાલુ છે. કોઇ નિષ્કર્સ પર આવ્યા નથી, પરંતુ એમની ઇચ્છા છે આ ફિલ્મ હું જ કરું અને મને પણ લાગે છે કે આ વિષય ખૂબ જ સારો છે તો મારે કરવો જોઇએ.
આગામી પ્રોજેક્ટ વિશે
આ સિવાય મારી બે ફિલ્મોની સ્ક્રિપ્ટ તૈયાર છે. એ મારી પોતાની વાર્તા છે. એનું પ્લાનિંગ ચાલુ છે. એ પણ મોટા બજેટની, મોટી સ્ટારકાસ્ટવાળી કૉમેડી, એક્શન ફિલ્મો છે. એનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં જ કરીશું.

RELATED ARTICLES

Most Popular