પોતાની ફિલ્મો ફ્લોપ થવા છતાં રણબીર કપૂર અને વિકી કૌશલે સાઉથનું તરણું ઝાલી તરવાની કોશિશ નથી કરી
વિશેષ -હેન્રી શાસ્ત્રી
સાઉથની ફિલ્મની રિમેક હિન્દીમાં બને એ જ રીતે હિન્દી ફિલ્મોની રિમેક સાઉથમાં બને એ એક હાથ લિયા – એક હાથ દિયા જેવો સિલસિલો અનેક વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ ઇતિહાસના અભ્યાસુઓના કહેવા મુજબ એસ. એસ. વાસનની ‘ચંદ્રલેખા’ (૧૯૪૮)થી સાઉથની ફિલ્મોના હિન્દી રિમેક યુગની પદ્ધતિસર શરૂઆત થઈ. છેલ્લા ૭૫ વર્ષમાં વાટકી વ્યવહારનાં અનેક ઉદાહરણો જોવાં મળ્યાં છે. આ પ્રકારની કેટલીક ફિલ્મ બોક્સ ઓફિસના એવરેસ્ટ પર બિરાજમાન થઈ છે તો કેટલીક પાતાળમાં ધકેલાઈ ગઈ હોય એવા કિસ્સા પણ નોંધાયા છે. દિલીપ કુમાર (‘રામ ઔર શ્યામ’ સહિત સાઉથની સાત રિમેકમાં અભિનય)થી શરૂ કરી કાર્તિક આર્યન (શેહઝાદા) સુધી અનેક હીરો લોકોએ સાઉથની આંગળી ઝાલી છે. હિન્દી ફિલ્મના ડિરેકટરો સુધ્ધાં સાઉથની (મુખ્યત્વે તમિળ, તેલુગુ અને ક્યારેક ક્ધનડ, મલયાલમ) સફળ ફિલ્મોનું હિન્દી રૂપાંતર કરવામાં હરીફાઈમાં ઊતર્યા હોય એવું ચિત્ર ક્યારેક ઊપસે છે. યુવા અભિનેતા શાહિદ કપૂર અને કાર્તિક આર્યન ઉપરાંત અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા પીઢ એક્ટર અને અજય દેવગન સુધ્ધાં રિમેકમાં ચમકયા છે. આ વાટકી વ્યવહાર પર ધ્યાનથી જોતા એક આશ્ર્ચર્યજનક વાત જાણવા મળી છે કે રણબીર કપૂર અને વિકી કૌશલ સાઉથની રિમેકમાં કામ કરવાથી દૂર રહ્યા છે. આ બન્ને એક્ટરની લોકપ્રિયતા જોતા તેમને સાઉથની હિન્દી રિમેક ઓફર જ ન થઈ એવું અશક્ય છે. હા, તેમને ઓફર થયેલી રિમેકમાં તેમને દમ ન લાગ્યો હોય અથવા સાઉથની રિમેક કરવી જ નથી એવું તેમણે મનોમન નક્કી કર્યું હોય એ શક્યતા પણ નકારી ન શકાય.
‘સંજુ’ (૨૦૧૮)ના ચાર વર્ષ પછી ગયા વર્ષે રણબીરની બે ફિલ્મ આવી. એક હતી ‘શમશેરા’ જે સુપરફ્લોપ હતી અને બીજી હતી ‘બ્રહ્માસ્ત્ર-પાર્ટ વન: શિવા’ જેને સારી સફળતા મળી. આ વર્ષે શ્રદ્ધા કપૂર સાથે આવેલી ‘તુ જૂઠી મૈં મક્કાર’ શાહરુખની ‘પઠાન’ના વાવાઝોડા સામે ટકી ૨૦૦ કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. ૨૦૦૭ની ફ્લોપ ‘સાંવરિયા’થી શરૂ થયેલી રણબીરની કારકિર્દીએ ઘણા ઉતાર-ચડાવ જોયા, પણ તેણે સાઉથની રિમેકમાં રુચિ
નથી બતાવી. આ સંદર્ભે ખુદ રણબીરે જ
એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘આજકાલ ઈન્ડસ્ટ્રીમાં રિમેક શબ્દનો અતિરેક જોવા મળી રહ્યો છે.
સાઉથની રિમેક, મ્યુઝિક રિમેક, આ રિમેક – પેલી રિમેક વગેરે વગેરે. આ પરિસ્થિતિમાં બની શકે એટલા મૌલિક રહેવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે મૌલિક વિચારોનો આપણે ત્યાં તોટો નથી. નવી નવી પ્રતિભા ઊભરી રહી છે, ઓટીટી જેવા નવા પ્લેટફોર્મ મળી રહ્યા છે. એટલે મૌલિકતાને પ્રાધાન્ય આપવું જોઈએ એવું મારું માનવું છે.’
‘લવ શવ તે ચિકન ખુરાના’ અને ‘બોમ્બે વેલ્વેટ’થી શરૂઆત કરનાર વિકી કૌશલ ‘મસાન’ (૨૦૧૫)થી ફિલ્મમેકરોની નજરે ચડ્યો. આ કુશળ અભિનેતાએ પણ ૮ વર્ષમાં કભી ખુશી કભી ગમનો અનુભવ કર્યો છે, પણ હજી
સુધી તેણે સાઉથની એક પણ રિમેકમાં કામ
નથી કર્યું.
આ વર્ષે તેની પાંચ ફિલ્મ રજૂ થવાની ધારણા છે જેમાં મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘સેમ બહાદુર’ વિશે સૌથી વધુ ઉત્સુકતા છે. અભિનેત્રીમાં કહેવાય છે કે કંગનાએ હજી સુધી એક પણ સાઉથની રિમેકમાં કામ નથી કર્યું. મજાની વાત તો એ છે કે તેની સુપરહિટ હિન્દી ફિલ્મ ‘ક્વીન’ સાઉથની ચાર ભાષા (તમિળ, તેલુગુ. ક્ધનડ અને મલયાલમ)માં રિમેક બની છે. ક્યારેક ગંગા ઉલટી પણ વહે ને.
—————-
કિંગ ખાન: સાઉથની રિમેક
ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકોનું માનવું છે કે બહુ જલદી ફિલ્મોની સેન્ચુરી પૂરી કરનાર શાહરૂખે ઘણી વિદેશી ફિલ્મની રિમેકમાં કામ કર્યું છે, પણ સાઉથની રિમેકથી બાર ગાઉનું છેટું રાખ્યું છે. ખબરીએ આપેલી માહિતી અનુસાર ત્રણ દાયકાના અભિનય પ્રવાસ દરમિયાન કિંગ ખાને ત્રીસેક વિદેશી ફિલ્મની રિમેકમાં કામ કર્યું છે. ૧૯૯૨માં ‘દીવાના’થી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યા પછી શાહરુખની ૧૯૯૩માં રિલીઝ થયેલી બે ફિલ્મ વિદેશી ફિલ્મની રિમેક હતી. પહેલી હતી રાકેશ રોશન દિગ્દર્શિત ‘કિંગ અંકલ’ જે ૧૯૮૨ની હોલિવૂડ ફિલ્મ ‘એની’ની રિમેક હતી અને ૧૯૯૩માં જ રિલીઝ થયેલી ‘બાઝિગર’ ૧૯૫૬માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઇંગ’ની રિમેક હતી. બોક્સ ઓફિસ પર ‘કિંગ અંકલ’ ફ્લોપ સાબિત થઈ હતી જ્યારે ‘બાઝિગર’ને ફાંકડી સફળતા મળી હતી. ત્યારબાદ વિદેશી રિમેકનો સિલસિલો ચાલતો રહ્યો. ક્યારેક સફળતાનાં મીઠાં ફળ ચાખવા મળ્યા તો નિષ્ફળતાની થપાટ પણ ખાવી પડી. વિદેશી ફિલ્મોને વહાલી કરનાર શાહરૂખે ક્યારેય સાઉથની ફિલ્મની રિમેક નથી કરી એવા દાવા સામે તેની ‘સ્વદેશ’ (૨૦૦૪)નું ઉદાહરણ આપવામાં આવે છે. આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત આ ફિલ્મને ૨૦૦૩ની ક્ધનડ ફિલ્મની રિમેકનો સત્તાવાર સ્ટેમ્પ ભલે ન લાગ્યો હોય, પણ નેશનલ એવોર્ડ માટે જ્યુરીએ ‘સ્વદેશ’ જોઈ ત્યારે જ્યુરીના એક સભ્ય હતા ટી. એસ. નાગભરણા. ફિલ્મ જોયા પછી તેમણે દાવો કર્યો હતો કે ‘સ્વદેશ’નું કથાબીજ, વાર્તાનો અર્ક, પ્લોટ અને એની ટ્રીટમેન્ટ તેમણે દિગ્દર્શિત કરેલી ક્ધનડ ફિલ્મ ‘ચિગુરીદા કાનસુ’ જેવા જ છે અને જ્યુરીના સભ્યો ક્ધનડ દિગ્દર્શક સાથે સહમત પણ થયા હતા. આમ કિંગ ખાનના નામે સાઉથની રિમેક બોલે છે ખરી. જોકે, ક્ધનડ ફિલ્મની સરખામણીમાં હિન્દી ફિલ્મને સારો આવકાર મળ્યો હતો એ હકીકત છે. આ સિવાય ‘હમ તુમ્હારે હૈં સનમ’ પણ તમિળ ફિલ્મની રિમેક હોવાની ચર્ચા એ સમયે થઈ હતી.