નવા સ્ટીલ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની એનએમડીસીની કોઈ વિચારણા નથી

વેપાર વાણિજ્ય

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ખનન કંપની નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી)ના ચેરમેન અને મૅનૅજિંગ ડિરેક્ટર સુમીત દેવે આજે જણાવ્યું હતું કે નવાં સ્ટીલનાં પ્રોજેક્ટમાં રોકાણ કરવાની અમારી કોઈ યોજના નથી અને માત્ર ખનન ક્ષેત્ર પર જ અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. દેશનાં સ્ટીલનાં મહત્ત્વાકાંક્ષી પ્રોગ્રામને ટેકો આપવા માટે અમે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખીએ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે છત્તીસગઢ ખાતેનાં વર્ષે ૩૦ લાખ ટનની ઉત્પાદનક્ષમતા ધરાવતા નગરનર સ્ટીલ પ્લાન્ટનું વ્યૂહાત્મક ખરીદદારને વેચાણ કર્યા બાદ એનએમડીસી સ્ટીલ ક્ષેત્રમાં રસ જાળવી રાખશે કે કેમ એ અંગેના પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે ઉક્ત જવાબ આપ્યો હતો. નગરનર સ્ટીલ પ્રોજેક્ટની યોજના બિઝનૅસને વિકેન્દ્રિત કરવા અને મૂલ્યવર્ધનની દિશામાં આગળ વધવાની હતી. જોકે, ગત ઑક્ટોબર, ૨૦૨૦માં કેન્દ્રીય કેબિનેટે આ પ્લાન્ટનું એનએમડીસીમાંથી ડિમર્જર મંજૂર કર્યું હતું અને કેન્દ્રનો તમામ હિસ્સો વ્યૂહાત્મક ખરીદદારને વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. એનએમડીસી ભારતની મજબૂત ખનન કરતી કંપની તરીકે ભારત અને વિશ્ર્વ સ્તર પર સ્થાન જાળવી રાખશે અને સ્ટીલના ક્ષેત્ર પર એનએમડીસીની નજર ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વર્ષ ૨૦૩૦ સુધીમાં અમારું વાર્ષિક ઉત્પાદન ૧૦ કરોડ ટન સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્યાંક છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦ કરોડ સ્ટીલનાં ઉત્પાદન માટે આજની સરખામણીમાં ત્રણ ગણાં આયર્ન ઑરની આવશ્યકતા રહેશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં કંપનીનું આયર્ન ઑરનું ઉત્પાદન આગલા નાણાકીય વર્ષનાં ૩.૪ કરોડ ટન સામે વધીને ૪.૨ કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. હૈદરાબાદ સ્થિત એનએમડીસી આયર્ન ઑરના ઉત્પાદન ઉપરાંત કોપર, રૉક ફોસ્ફેટ, ચૂનો, ડોલોમાઈટ અને જિપ્સમ જેવી ધાતુના ખનન સાથે પણ સંકળાયેલી છે. એનએમડીસીના એક અધિકારીના જણાવ્યાનુસાર કંપની ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતા લિથિયમ, કોબાલ્ટ અને નિકલના ઑસ્ટ્રેલિયા ખાતેના ઑફશૉર માઈનિંગ તરફ પણ નજર દોડાવી રહી છે. આ સિવાય તાન્ઝાનિયા, આફ્રિકા અને ઝિમ્બાબ્વે જેવાં દેશોમાં સોના અને કોપરના ખનનની તક પણ ખોળી
રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.