બિહારમાં નવી સરકાર રચવા નીતીશનો દાવો

દેશ વિદેશ

એનડીએનો સાથ છોડયો

નવી સરકાર: બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે મંગળવારે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યા બાદ ૧૬૪ વિધાનસભ્યના ટેકા સાથે નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. (પીટીઆઈ)

પટણા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે સર્વાનુમતિથી પોતાને વિપક્ષના મહાગઠબંધનના નેતા જાહેર કરવામાં આવ્યા બાદ ૧૬૪ વિધાનસભ્યોના ટેકા સાથે નવી સરકાર રચવાનો દાવો કરવા મંગળવારે એનડીએના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. એનડીએના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા અને ત્યાર બાદ નવી સરકારની રચના કરવાનો દાવો કરવા એમ બે વાર નીતીશકુમાર રાજ્યપાલ ફાગુ ચૌહણને મળ્યા હતા. પ્રથમવાર રાજ્યપાલને મળ્યા ત્યારે તેમણે જેડી (યુ)એ એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હોવાની માહિતી આપી હતી.
રાજ્યપાલને મળ્યા બાદ નીતીશકુમાર બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રબડી દેવીના નિવાસસ્થાને રાજદના નેતા તેજસ્વી યાદવને મળવા ગયા હતા અને ત્યાર બાદ નવી સરકાર રચવાનો દાવો કરવા ફરી રાજ્યપાલને મળ્યા હતા.
જનતા દળ (યુ)ના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે મંગળવારે એનડીએમાંથી નીકળી જવાની અને એનડીએના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બિહારમાં ભાજપ અને જેડી (યુ)ની યુતિનો અને લાંબા સમયથી ચાલતી રાજકીય અટકળોનો અંત આવી ગયો હતો.
ડાબેરીઓ અને કૉંગ્રેસના બનેલા રાજદના વડપણ હેઠળના મહાગઠબંધનની બેઠક પણ રબડી દેવીના નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓએ નીતીશકુમારને ટેકો આપતા પત્ર પર સહી કરી હોવાનું માનવામાં આવે છે.
નીતીશકુમારે બીજીવાર જનતાના આદેશનો અનાદર કર્યો હોવાનો આક્ષેપ કરી ચિરાગ પાસવાને બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી.
મુખ્ય પ્રધાન તરીકે નીતીશકુમારે જે કહ્યું હતું તે તમામ ભાજપે કર્યું હોવાનું જણાવી પાસવાને બિહારમાં નવેસરથી ચૂંટણી યોજવાની પણ માગણી કરી હતી.
અગાઉ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારના જનતા દળ (યુ)એ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે તે યુનિયન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સમાં ફરી નહિ જોડાય. જોકે, ભાજપ સાથે મતભેદ હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું. વડા પ્રધાનના વડપણ હેઠળ યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશકુમારની ગેરહાજરી અંગે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપવાનું જનતા દળ (યુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલને એમ કહીને નકારી કાઢ્યું હતું કે આ પ્રશ્ર્ન તમારે મુખ્ય પ્રધાન નીતશકુમારને કરવો જોઈએ. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.