નીતીશકુમાર બીજા ઉદ્ધવ સાબિત ના થયા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારમાં અંતે ભાજપ અને જેડીયુની ફારગતિ થઈ ગઈ. બિહારમાં ૫ વર્ષ પહેલાં નીતીશકુમારે તેજસ્વી યાદવની આરજેડીને કોરાણે મૂકીને ભાજપ સાથે જોડાણ કરેલું. બરાબર પાંચ વર્ષ પછી નીતીશે ભાજપને બાજુ પર મૂકીને ફરી આરજેડીનો હાથ પકડી લીધો છે. નીતીશકુમારે ભાજપથી છેડો ફાડવા માટે નિર્ણય લેવા જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં નીતીશકુમારે વિક્ટિમ કાર્ડ કેલીને એલાન કર્યું કે, ભાજપ હંમેશા આપણને નબળા પાડવાનો પ્રયત્ન કરતો હતો. ભાજપે મને ઘણીવાર અપમાનિત કર્યો અને ૨૦૧૩થી લઈને અત્યાર સુધી ભાજપે આપણને માત્ર દગો જ આપ્યો છે તેથી ભાજપ સાથે છેડો પાડવા સિવાય આરો નથી.
જેડીયુના મોટા ભાગના ધારાસભ્યો અને સાંસદો ભાજપની દાદાગીરીથી કંટાળેલા જ છે તેથી તેમણે નીતીશની વાતમાં હાજીયો પુરાવ્યો અને ભાજપથી નોખા થવા છૂટો દોર આપી દીધો. આ બેઠક પછી નીતીશ કુમાર સીધા રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ ફાગુ ચૌહાણને રાજીનામું સોંપી દીધું. નીતીશ પોતાની સાથે તેજસ્વી યાદવને પણ લઈને ગયેલા તેથી નીતીશે રાજીનામું આપતાં વેંત જ સરકાર બનાવવાનો દાવો પણ કરી નાંખ્યો. તેમણે ભાજપ સિવાયના બાકીના તમામ પક્ષોના ૧૬૪ ધારાસભ્યોના સમર્થન પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો છે.
નીતીશના નિર્ણયથી ભાજપ અને જેડીયુ વચ્ચે છેલ્લા પોણા બે વર્ષથી વર્ષથી ચાલતી ખેંચતાણનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં નીતીશકુમાર ભાજપ સાથે જોડાણ કરીને લડેલા અને વાસ્તવમાં ભાજપના કારણે જ તેમની આબરુ બચી હતી. ભાજપે નીતીશને સાચવવા પહેલાં જ કહી દીધું હતું કે, નીતીશકુમાર બિહારમાં એનડીએના નેતા છે તેથી બિહારની ચૂંટણીમાં એનડીએ જીતશે તો નીતીશકુમાર જ મુખ્યમંત્રી બનશે.
ભાજપને એ વખતે કલ્પના નહીં હોય કે પોતે નીતીશ કરતાં વધારે બેઠકો લઈ જશે. ભાજપને પોતાની જીતમાં પણ એટલી શંકા હતી કે, તેજસ્વી યાદવ અને નીતીશના મત તોડવા ચિરાગ પાસવાનને ઊભો કરેલો. પરિણામ આવ્યાં ત્યારે ભાજપે ધારણા કરતાં જોરદાર દેખાવ કરીને સૌને દંગ કરી દીધેલા. ભાજપે શાનદાર દેખાવ કરીને ૭૪ બેઠકો જીતી હતી. બીજી તરફ જેડીયુએ અત્યંત ખરાબ દેખાવ કરીને માત્ર ૪૩ બેઠકો જીતી હતી. ભાજપના કારણે જ એનડીએ સત્તા જાળવવામાં સફળ રહ્યો હતો. ભાજપને વધારે બેઠકો મળતાં ભાજપના નેતા પોતાનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું કોરસ શરૂ કર્યું હતું પણ નીતીશ નામક્કર જતાં ભાજપે નીતીશને ફરી મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા.
અલબત્ત ભાજપે નીતીશની મેથી મારવાનો કાર્યક્રમ શરૂ કરી જ દીધો હતો. તેની શરૂઆત અરૂણાચલ પ્રદેશથી થઈ હતી. નીતીશકુમારને ૨૦૨૦માં ગાદી પર બેઠે દોઢ મહિનો પણ થયો નહતો ત્યારે જ ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જેડીયુના સાત ધારાસભ્યોને તોડ્યા એ મુદ્દે ડખાપંચક થઈ ગયું હતું. ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જેડીયુને કરેલી સળીથી ગિન્નાયેલા નીતીશે મુખ્યમંત્રીપદ છોડવાનું એલાન સુદ્ધાં કરી દીધું હતું.
અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની કુલ ૬૦ બેઠકોની ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૪૧ બેઠકો મળેલી જ્યારે જેડીયુને સાત બેઠકો મળેલી. ભાજપને બે તૃતિયાંશ બહુમતી મળેલી તેથી ભાજપના પેમા ખાંડુ મુખ્યમંત્રી બનેલા. ભાજપ પાસે જંગી બહુમતી હોવાથી સત્તા ટકાવવા કશું કરવાની જરૂર નથી પણ ભાજપના લોભને થોભ નથી તેથી ભાજપે ૨૦૨૦ના ડિસેમ્બરમાં જેડીયુના સાત ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યોને તોડીને પોતાની પાર્ટીમાં લઈ લેતાં જેડીયુના નેતા ભડકી ગયા હતા.
નીતીશકુમારે તેમને શાંત રાખેલા કેમ કે આ ઘટનાના બે દિવસ પછી જેડીયુની રાષ્ટ્રીય કારોબારી હતી. આ બેઠકમાં નીતીશે જેડીયુનું રાષ્ટ્રીય પ્રમુખપદ છોડીને રાજ્યસભામાં જેડીયુના નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આર.સી.પી. સિંહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા. સાથેસાથે એલાન પણ કરી દીધું કે, મને મુખ્યમંત્રીપદે બેસી રહેવામાં કોઈ રસ નથી. ભાજપને પોતાના માણસને ગાદીએ બેસાડવો હોય તો તેને બેસાડે ને બીજા કોઈને બેસાડવો હોય તો તેને બેસાડે પણ મારે હવે મુખ્યમંત્રી રહેવું નથી. નીતીશના આ ધડાકાએ દેશના રાજકારણમાં ગરમી લાવી દીધી હતી.
ભાજપે એ વખતે માંડમાંડ નીતીશને મનાવેલા ને આવી હરકત ફરી નહીં થાય તેની ખાતરી આપેલી પણ ભાજપ પોતાનું બોલેલું પાળવામાં માનતો નથી તેથી હવે નીતીશને જ ઉથલાવીને પોતાની સરકાર બનાવવાના કાવાદાવા શરૂ કર્યા તેમાં નીતીશ ભડકી ગયા. ભાજપ પાવર અને પૈસાના જોરે પોતાને ઘરભેગા કરે એ પહેલાં નીતીશે ભાજપને ઘરભેગો કરી નાંખ્યો.
ભાજપે મહારાષ્ટ્રમાં ઉદ્ધવને જે ખેલ કરીને ઘરભેગા કર્યા એ ખેલ કરીને નીતીશને પણ ઘરભેગા કરવા માંગતો હતો એવો જેડીયુનો દાવો છે. આર.સી.પી. સિંહ બિહારના એકનાથ શિંદે બનવા તૈયાર જ હતા. જેડીયુના છ ધારાસભ્યોને તોડવા ભાજપે કરોડો રૂપિયા ઓફર કર્યા હોવાનો દાવો જેડીયુએ કર્યો છે. આ બધાના કારણે નીતીશ ચેતી ગયા. નીતીશ બીજા ઉદ્ધવ બનવા તૈયાર નહોતા ને આર.સી.પી.ને બીજા શિંદે બનવા દેવા નહોતા માગતા તેથી તેમણે પહેલો ઘા રાણાનો કરીને ભાજપને જ બાજુ પર મૂકી દીધો.
અત્યારે જે કંઈ બન્યું એ તો પાઘડીનો વળ છેડે આવ્યો છે પણ એ પહેલાં પણ ભાજપે નીતિશને પરેશાન તો કર્યા જ છે. ભાજપે નીતીશને મુખ્યમંત્રી બનાવવા પડ્યા પણ નીતીશ પોતાના અહેસાનમંદ છે તેનો અહેસાસ કરાવવાની એકપણ તક ભાજપના નેતા નહોતા છોડતા. નીતીશ પોતાની રીતે કોઈ નિર્ણય જ ના લઈ શકે એવી સ્થિતિ ભાજપે સર્જી દીધી હતી અને આ ઓછું હોય તેમ ભાજપના નેતા સતત નીતીશની ટીકા કર્યા જ કરતા હતા. ભાજપના નેતા નિષ્ફળતા માટે નીતીશને જવાબદાર ગણાવીને સતત ટીકા કર્યા કરતા હતા તેથી નીતીશ હાંફી ગયેલા. તેમાં આર.સી.પી.ને આગળ કરીને ભાજપે નીતીશને ઉથલાવવાનો ત્રાગડો કર્યો તેમાં નીતીશ બગડ્યા ને ઊભા થઈ ગયા.
નીતીશ અને તેજસ્વી ફરી એક થઈ ગયા છે. બંનેનું રાજકારણ લગભગ સરખું છે ને બંને જ્ઞાતિવાદી રાજકારણના ચેમ્પિયન છે. નીતીશ ફરી બેઠા થવા માટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનું કાર્ડ રમવા માગે છે ને તેજસ્વીનો તેમાં સાથ છે. લાલુ-નીતીશે ૨૦૧૫માં હાથ મિલાવીને ભાજપને ઘૂળચાટતો કરેલો એ
જોતાં બંને માટે આ ફાયદાનો સોદો સાબિત થાય એવી પૂરી શક્યતા છે.

1 thought on “નીતીશકુમાર બીજા ઉદ્ધવ સાબિત ના થયા

  1. Congratulations! If one is hell bent on self-destruction, nobody can save him. Rabdi Devi became CM when she could hardly read or write. Some days back Tejaswi could not read a simple speech written out for him on a single sheet of paper. You can argue that he is going to be just Deputy CM. True. Lalu wants to remote control Bihar government when his one foot is in the grave and the other in shackles by the courts. He was so smart that he left a trail of his corruption that proved prima facie cases against him. Feudalism and nepotism is alive and well in Bihar. People there need to smell some coffee and wake up. Until they do, Bihar will continue to grace the botoom of the states’ list.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.