નીતીશ વડા પ્રધાનપદના દાવેદાર, કહેતા ભી દીવાના…

એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બિહારમાં નીતીશકુમારની જેડીયુએ ભાજપથી છેડો ફાડ્યો તેના પગલે ભાજપમાં સોપો છે ને વિપક્ષોમાં ઉત્સાહ છે. ભાજપ-જેડીયુના જોડાણના કારણ દેશનાં સૌથી મોટાં રાજ્યોમાં એક બિહાર ભાજપની ઝોળીમાં જઈને પડતું હતું. હવે નીતીશ અલગ થયા છે અને તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવ્યા છે તેથી જેડીયુ-આરજેડી સાથે મળીને ભાજપને હરાવી શકે છે એવો આશાવાદ ઊભો થયો છે.
આ આશાવાદ સાચો છે કે નહીં તેની ખબર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પડશે પણ આ આશાવાદમાં ને આશવાદમાં એવી વાતો શરૂ થઈ છે કે જે સાંભળીને હસવું આવે. આ વાતોમાં એક વાત નીતીશકુમાર ભવિષ્યમાં નરેન્દ્ર મોદી સામે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉતરીને મોદી માટે પડકાર ઉભો કરશે એ છે.
નીતિશ બિહારમાં પોતાનો બચ્યોખૂચ્યો ગરાસ બચાવવા માટે ફાંફાં મારી રહ્યા છે ત્યારે એ મોદી સામે પડકાર બને એ વાત જ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી છે પણ ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા બંનેના મોંઢે ગળણું નથી તેથી બંને મનફાવે એ રીતે ઉલટીઓ કર્યા કરે છે. કમનસીબે આ પ્રકારની વાતો કેટલાક લોકો માની પણ લે છે ને હઈસો હઈસો કરીને આ બકવાસને આગળ ધપાવે છે. અત્યારે એવું જ થયું છે ને નીતીશ વડા પ્રધાન બનશે કે શું એવી વાતો ચાલી રહી છે.
આ વાતો કોણ ચલાવે છે તેની ચોવટમાં આપણે નથી પડતા પણ આવી વાતો નવી નથી. આ પહેલાં મમતા બેનરજી, નવીન પટનાઈક,  ચંદ્રશેખર રાવ વગેરે પોતપોતાના રાજ્યોમાં સફળ મુખ્ય મંત્રીઓના સંદર્ભમાં પણ આવી વાતો ઊડી જ છે. થોડોક સમય જાય એટલે આવી વાતો હવા થઈ જાય. ગયા વરસે બંગાળમાં ભાજપને હરાવ્યા પછી મમતાને દેશભરમાં ભાજપને પછાડી શકે છે ને વડા પ્રધાનપદે બેસી શકે છે એવી વાતો ચાલેલી.  થોડા સમય પછી મમતા પણ ભૂલાઈ ગયાં ને વડા પ્રધાનપદની વાત પણ ભૂલાઈ ગઈ.
નીતીશના કિસ્સામાં પણ એવું જ થવાનું છે કેમ કે આ વાતોનો કોઈ આધાર નથી. નીતીશકુમારનો બિહારમાં પ્રભાવ છે ને બિહારમાંથી લોકસભાની ૪૦ બેઠકો છે. નીતીશ એકલા હાથે તો બિહારમાં જીતી શકે તેમ નથી તેથી બધી ૪૦ બેઠકો તેમની પાસે આવે એ શક્ય નથી. નીતીશ બહું જોર કરે તો વીસેક બેઠકો લઈ જાય ને વીસ બેઠકોના જોરે ના મોદીનો વિકલ્પ બની શકાય કે ના વડા પ્રધાનપદે બેસી  શકાય.
આ દેશમાં રાજકીયરીતે એવા સમીકરણો અત્યારે તો નથી જ કે કોઈ પ્રાદેશિક પક્ષના નેતા દેશના વડા પ્રધાનપદે બેસી શકે. આ જોઈએ તો નરેન્દ્ર મોદી કે ભાજપ સામે જ અત્યારે કોઈ મોટો પડકાર નથી પણ એ પડકાર ઊભો થાય તો પણ પ્રાદેશિક પક્ષનો કોઈ નેતા તો એ ઊભો કરી શકે તેમ જ નથી. આમ આદમી પાર્ટી ધીરે ધીરે કાઠું કાઢી રહી
છે એ જોતાં ભવિષ્યમાં એ કદાચ મજબુત બને તો પડકાર ઊભો કરી શકે પણ ૨૦૨૪ની ચૂંટણીમાં તો સવાલ જ નથી.
જો કે ભવિષ્યમાં પણ ભાજપ સામે કોઈ પડકાર ઊભો કરી શકે તેમ હોય તો એ કૉંગ્રેસ જ છે. આ વાત કોઈને કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ એ સાવ સાચી છે. કૉંગ્રેસ સાવ પતી ગયેલી લાગે છે પણ કૉંગ્રેસ જોર કરે તો ફરી બેઠી થઈ શકે છે. અત્યારે પણ લોકસભામાં કૉંગ્રેસની બેઠકો કોઈપણ પ્રાદેશકિ પક્ષો કરતાં વધારે જ છે.  કૉંગ્રેસ થોડીક બુદ્ધિ ચલાવીને નક્કર વ્યૂહરચના સાથે આગળ વધે તો ભાજપનો વિકલ્પ બની જ શકે છે. કૉંગ્રેસ જ ભાજપને મોટો ફટકો મારીને ભાજપને પછાડી શકે તેમ છે.
કૉંગ્રેસ ભાજપ સાથે તેની સીધી ટક્કર છે એ રાજ્યોમાં મજબુત બનીને ભાજપને પછાડી શકે તેમ છે. ભાજપ કૉંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે કેમ કે ભાજપ સામે લડવામાં કૉંગ્રેસ સૌથી નબળી સાબિત થઈ છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત (૨૫), મધ્ય પ્રદેશ (૨૮), રાજસ્થાન (૨૬), છત્તીસગઢ (૧૩), કર્ણાટક (૨૮), હિમાચલ પ્રદેશ (૪), ઝારખંડ (૧૪), હરિયાણા (૧૦), ઉત્તરાખંડ (૫), આસામ (૧૪) વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે.  આ રાજ્યોમાં લોકસભાની ૧૬૭ બેઠકો છે. લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટાભાગની બેઠકો જીતી જાય છે.
ભાજપ ૩૦૦ બેઠકો પર પહોંચી ગયો તેનું કારણ આ રાજ્યોમાં કૉંગ્રેસનો સાવ નબળો દેખાવ છે. કૉંગ્રેસ બીજું કંઈ ના કરે ને આ રાજ્યોમાં પૂરી તાકાતથી મચી પડીને  કમ સે કમ ચાલીસ ટકા બેઠકો જીતે તો પણ તેના ભાગમાં બીજી ૬૫ બેઠકો આવે. કોંગ્રેસ પાસે અત્યારે પણ કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યો છે જ કે જ્યાં તે પોતાના જોર પર સારે દેખાવ કરી શકે છે. આ સિવાય તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ કોંગ્રેસ બે-બે પાંચ-પાંચ બેઠકો જીતે જ છે. એ રીતે કૉંગ્રેસ ૫૫ની આસપાસ બેઠકો જીતે છે ને તેમાં આ ૬૫ બેઠકો ઉમેરો તો  કૉંગ્રેસ ૧૨૦ બેઠકોના આંકડાને પાર કરી જાય.
વધારે મહત્ત્વની વાત એ છે કે, કૉંગ્રેસના ખાતામાં નવી ઉમેરાય એ બેઠકો ભાજપની ઓછી થાય. યુપી-બિહારમાં ૪૦ અને આ રાજ્યોમાં ૪૦ મળીને ભાજપની ૮૦ બેઠકો ઘટે તો ભાજપ ૨૨૦ બેઠકો પર આવી જાય અને તેના માટે સરકાર રચવાનું મુશ્કેલ થઈ જાય કેમ કે ભાજપ પાસે કોઈ મોટા સાથી પક્ષ જ નથી. શિવસેના અને જેડીયુ તેનાથી દૂર થયા પછી કોઈ મોટો સાથી પક્ષ જ તેની પાસે રહ્યો નથી.
આ સ્થિતિએ પહોંચવા શું કરવું એ કૉંગ્રેસનો વિષય છે પણ કાગળ પર કૉંગ્રેસ બીજા પ્રાદેશિક પક્ષો કરતાં મજબુત છે જ એ જોતા નીતીશકુમાર કે મમતા બેનરજી નહીં પણ રાહુલ ગાંધી વડા પ્રધાન બની શકે એ શક્યતા વધારે છે. આ વાત ક્યારે સાચી પડશે એ રામ જાણે પણ નીતીશ કે મમતા તો મોદીનો વિકલ્પ બની જ ના શકે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.