નીતીશ કુમારનું વિપક્ષ જોડો અભિયાન: પીએમ પદનો તાજ કોને મળશે?

ઉત્સવ

કવર સ્ટોરી-અભિમન્યુ મોદી

ભારતના રાજકારણમાં બે સમસ્યાઓ સાપ બનીને પોલિટિક્સની ચોપાટ પર વિહરી રહી છે. એક તો નબળો વિપક્ષ અને બીજું વ્યક્તિપૂજાનું વધતું મહત્ત્વ… નરેન્દ્ર મોદી ભારત અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા છે જેની પ્રતીતિ વિશ્ર્વના શક્તિશાળી દેશોએ અનેક વાર કરાવી છે. ટ્રમ્પ ફરી અમેરિકામાં ચૂંટણીપ્રચાર માટે નીકળ્યા તેમાં ‘નમો’નાં વખાણ નમી નમીને કર્યાં, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા પણ તેમના ચૂંટણીપ્રચારમાં મોદી અને આબેની મિત્રતાની મિસાલ આપ્યા કરે છે. બ્રિટનમાં લિઝ ટ્રસ પીએમ બન્યાં તો મોદીને બ્રિટનના મિત્ર તરીકે માન આપ્યું. તેમની આ સબળ છબીની અસરકારક છાપને નિષ્ક્રિય કરવા હવે નીતીશ કુમાર પોતાનાં રાજકીય આયુધોને લઈને મેદાને ઊતર્યા છે, પણ તેઓ ભૂલી ગયા કે મોદી જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રથમ વખત વડા પ્રધાનપદના દાવેદાર બન્યા ત્યારે ભાજપમાં જ આંતરિક કચવાટ હતો, છતાં તેમણે જંગી બહુમતી પ્રાપ્ત કરીને જીત તો મેળવી સાથોસાથ પ્રજાએ તેમને પૂજવાના પણ શરૂ કરી દીધા, છતાં નીતીશને પોતાના વિપક્ષ જોડો અભિયાન પર વિશ્ર્વાસ છે.
નીતીશ કુમારે ભારતના દરેક પ્રાદેશિક પક્ષને એક કરીને ભાજપ વિરુદ્ધ ૨૦૨૪ની ચૂંટણી લડવા માટે કવાયત હાથ ધરી છે, પણ નીતીશના આ વિપક્ષ જોડો અભિયાનમાં ભારતના પ્રત્યેક પ્રાદેશિક પક્ષના નેતાઓને એક કરવા એટલે સિંહના ગળામાં ઘંટડી વગાડવા જેટલી કઠિન વાત છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં નીતીશે સીપીએમના સીતારામ યેચુરી, સીપીઆઈના ડી. રાજા, કોંગ્રેસના રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ઈન્ડિયન લોકદળના ઓમ પ્રકાશ ચૌટાલા, સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, શરદ યાદવ, સીપીઆઈ-એમએલના દીપાંકર ભટ્ટાચાર્ય, જેડીએસના એચ. ડી. કુમારસ્વામી અને છેવટે એનસીપીના શરદ પવાર સાથે બંધ બારણે બેઠક કરી હતી અને મીડિયામાં એવું નિવેદન આપ્યું હતું કે ‘હવે વિપક્ષ મજબૂત બનશે અને મોદીને માત આપશે.’
નિવેદનબાજીમાં નીતીશ માસ્ટર છે, પણ તેઓ એ ભૂલી ગયા કે રાહુલ ગાંધીને બાદ કરતાં તેઓ જેટલા નેતાઓને મળ્યા એ દરેક મહાનુભાવ તેમની જ અદ્દલ આવૃત્તિ છે. દરેક નેતાએ સમય આવ્યે પક્ષપલટો કરીને પોતાનું ધાર્યું કર્યું છે અને મોટા ભાગના નેતાઓ તો સ્વયંને ચાણક્યના પુત્ર સમજે છે. આવા કુટિલ નેતાઓ જો એક છત્રમાં એકઠા થાય તો શું વિપક્ષ મજબૂત બને? અરવિંદ કેજરીવાલ તો ક્યારેય રાજકારણમાં ન જોડાવાની નેમ સાથે અણ્ણા હઝારેના કાર્યકર બન્યા હતા, આજે તેઓ ‘આપ’ના સુપ્રીમો છે અને એક જ વાતનો રાગ આલાપે છે કે દેશમાં ‘આપ’ની સરકાર પૂર્ણ બહુમતી બનાવશે. જો આમ થાય તો નીતીશની મતિ મરી પરવારી હોય તેવું સાબિત થાય. અખિલેશ યાદવને તેના પક્ષમાં પણ કોઈ નેતાની વધતી લોકપ્રિયતા પસંદ નથી તો વિપક્ષ જોડો અભિયાનમાં તેઓ આવા રાજનીતિના ધુરંધરોને કઈ રીતે સાંખી લે?
આ પ્રત્યેક મુદ્દાઓને આપણે ગૌણ ગણીએ, કારણ કે હજુ સુધી મમતા બેનર્જી સાથે તો નીતીશનો ભેટો થયો જ નથી. ૨૦૧૪માં ખુદ મમતા બેનર્જીએ વિપક્ષ જોડો અભિયાનની હિમાયત કરી હતી ત્યારે નીતીશ કુમારે શુષ્ક પ્રતિસાદ આપ્યો હતો. હવે તેઓ મમતા બેનર્જીના કોપીરાઇટ કરેલા વિચારને લઈને તેમની જ પાસે જશે ત્યારે મમતા દીદીનાં રિએક્શન જોવા જેવાં હશે.
નીતીશ કુમારના ‘મોદીને માત’ના નિવેદનને ધ્યાને લઈએ તો શું આ પ્રાદેશિક નેતાઓ ભાજપને ખરેખર હરાવી શકે? આંકડાઓ એવું દર્શાવે છે કે ચોક્કસ વિપક્ષ ભજપને હરાવી શકે. હાલ નીતીશ જે રાજ્યોમાં રાજરમત રમવા ગયા તે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, કેરળ, તેલંગણા, હરિયાણા, દિલ્હી, પંજાબ અને ઓડિશામાં લોકસભાની કુલ ૩૩૮ બેઠકો છે.
લોકસભામાં સ્પષ્ટ બહુમતી માટે ૨૭૨ બેઠકો જોઈએ. એટલે જો પ્રાદેશિક પક્ષો ૮૫ ટકાથી વધારે બેઠકો કબજે કરીને ધારે તો ચપટીમાં ભાજપને ભોંય ભેગો કરી દે, પણ શું ભાજપ તેમના આ પ્લાનને એક્ઝિક્યુટ થવા દેશે? ઓપરેશન લોટસના નેજા હેઠળ દિલ્હીના ગઢમાં તો ભાજપે દારૂબંધીના નામે મસમોટાં ગાબડાં પાડી દીધાં છે અને મહારાષ્ટ્રમાં શિંદે વિરુદ્ધ ઉદ્ધવની જેમ હવે દિલ્હીમાં પણ અણ્ણા વિરુદ્ધ અરવિંદની રણનીતિ ભાજપે શરૂ કરી દીધી છે. શરદ પવારનો પાવર તો મહાવિકાસ આઘાડીમાં ઓગળી ગયો છે. કેસીઆર તેલંગણામાં નીતીશને મળ્યા ત્યારે તેમણે માત્ર ને માત્ર પોતાનાં જ વખાણ કર્યાં. નીતીશ તો જાણે બિહારના કોઈ બાળક હોય તેમ તેમને પત્રકાર પરિષદ દરમિયાન માઇક પણ ન આપ્યું અને ચોથી જાગીર સાથે વાત કરવાની છૂટ પણ ન આપી. સીતારામ યેચુરી તો ૨૦૦૧થી એવું ગાણું ગાય છે કે તે જ પીએમ પદના દાવેદાર છે. જોકે મોદીએ જ વર્ષોમાં ગુજરાતથી સીએમ પદ પર શાસન કરવાનું શરૂ કર્યું અને હવે તેઓ પીએમની ખુરશીને રાજકીય ઊથલપાથલના સહારે પકડીને બેસી ગયા છે.
નીતીશ આમ તો અઠંગ રાજકરણી, છતાં તેઓ દેશના દરેક વિપક્ષી નેતાઓને એક કરી રહ્યા છે, પણ એ વાત ભૂલી જાય છે કે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ ભાજપની લોકસભાની સીટો મોટી સંખ્યામાં રહેલી છે. જો આ રાજ્યો પર ભાજપની સરકાર ધ્વસ્ત થાય તો નીતીશનો પ્લાન સફળ થાય. જેની શક્યતા ઘણી નહિવત છે, પણ ગુજરાતમાં હવે ‘આપ’ની એન્ટ્રી થતાં નરેન્દ્ર મોદી પણ નિયમિત ગુજરાતની ટૂર કરી રહ્યા છે. એવામાં નીતીશ હવે ગુજરાત કોંગ્રેસની મુલાકાત લઈ શકે છે, પણ બિહારમાં તો નીતીશનું ચિત્ર પક્ષપલટુ તરીકે જ છે.
નીતીશ કુમારનું વલણ કોઈ પણ રીતે સત્તામાં રહેવાનું રહ્યું છે. તેઓ પોતાની જાતને સર્વોદય કાર્યકર્તા કે જયપ્રકાશ નારાયણના શિષ્ય ગણાવે, પરંતુ જયપ્રકાશે સત્તા માટે સસ્તાં સમાધાનો કર્યાં નહોતાં. હા, નીતીશ કુમારનો પ્લસ પોઈન્ટ એ છે કે લાલુ પ્રસાદની જેમ તેમની સામે ભ્રષ્ટાચાર કે પરિવારવાદના આક્ષેપ નથી. જોકે મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ માટે તેઓ બદનામ છે. તેઓ પોતે તો કુર્મી સમાજમાંથી આવે છે અને બિહારમાં તે સમાજના ૪ ટકા મત છે એટલે નીતીશે મુસલમાન, ઓબીસી, યાદવ વગેરે પર આધાર રાખવો પડે તે સ્વાભાવિક છે.
આઠમી વાર નીતીશ બિહારનું સુકાન સંભાળી રહ્યા છે, પરંતુ બિહારના વિકાસમાં એમનું યોગદાન શું એવો કોઈ સવાલ કરે તો એનો કોઈ મોટો જવાબ મળે તેમ નથી. શિક્ષણ કે આરોગ્ય કે બેકારી જેવા મુદ્દે બિહારના લોકોનો ઉદ્ધાર નીતીશના શાસનમાં થયો હોય તેવું નથી. જ્ઞાતિવાદ એમની રાજનીતિનો મુખ્ય ચાલક છે. અત્યારે જે થયું તેમાં કોઇ મોટી નવાઈની વાત નથી, કારણ કે ૨૦૧૩માં જ્યારે ભાજપે ગોવાની કારોબારીમાં
નક્કી કર્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર હશે ત્યારે નીતીશ કુમારે વિરોધ કરીને લાલકૃષ્ણ અડવાણીના નામની વાત કરી હતી. નરેન્દ્રભાઈ માટેનો
અણગમો વર્ષોથી છે. સત્તા માટે તેમણે ૨૦૧૭માં, ૨૦૨૦માં સમાધાન કર્યું તે વાત અલગ છે બાકી ભાજપ સાથે એમને કોઈ દિલનો નાતો તો નથી, પણ ભાજપે નીતીશની ગુલાંટથી શીખ મેળવી લીધી છે.
ભાજપ હવે દરેક ચૂંટણીમાં ગઠબંધનની સંસ્કૃતિમાંથી બહાર આવવા પ્રયત્નશીલ થયો છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી ભાજપે કરી હવે ત્યાં શિવસેનાનું પ્રભુત્વ નથી. પંજાબમાં અકાલી દળ સાથે ભાજપનું ગઠબંધન થયું, પરંતુ ત્યાં કોઈ નેતા કે કેપ્ટનનો ચમકારો પણ કામ ન લાગ્યો. એટલે ભાજપનો લાંબા ગાળાનો પ્લાન એવો છે કે જ્યાં સત્તા મળે ત્યાં તેમની જ સરકાર બને જેમ કેન્દ્રમાં અત્યારે ભાજપને કોઈ સાથી પક્ષની જરૂર નથી તેમ પ્રાંતોમાં પણ તે પગભર થશે. ત્યારે જોવાનું રહેશે કે નીતીશની મીટિંગ ભાજપને કેન્દ્રમાંથી કઈ રીતે દૂર કરશે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.