નીતીશ કુમાર શરદ પવારને મળ્યા, કહ્યું- વિપક્ષોને એક થવાની જરૂર છે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાના ઉદ્દેશ્ય સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હાલમાં દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ દિલ્હી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને મળ્યા હતા. NCPના વડા સાથે મુલાકાત કર્યા બાદ બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું કે ખૂબ જ સારી વાતચીત થઈ. ભાજપ કોઈ કામ કરી રહ્યું નથી. વિપક્ષોએ એક થવાની જરૂર છે. હું માત્ર એટલું ઈચ્છું છું કે મોટાભાગના વિપક્ષ એક થાય. વિપક્ષ એક થાય તો દેશના હિતમાં રહેશે.
નીતીશ કુમારે દિલ્હીમાં કહ્યું હતું કે સમગ્ર દેશને કબજે કરવાની ભાજપની યોજના ચાલી રહી છે, તેથી વિપક્ષોએ એક થવું જરૂરી છે. નેતા પણ સર્વસંમતિથી ચૂંટવામાં આવશે. જે નેતા બનવા માંગે છે તેને પસંદ કરવામાં આવશે.
આ પહેલા નીતીશ કુમારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને JD(U)ના નેતા સંજય ઝા પણ હાજર હતા. બંને મુખ્ય પ્રધાનો વચ્ચે અનેક રાજકીય મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.
આ પહેલા તેઓ સીપીઆઈ-એમ નેતા સીતારામ યેચુરી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. આ પછી નીતીશે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ વડા પ્રધાનપદના દાવેદાર છે. આ માત્ર એક પ્રયાસ છે કે જો આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત થશે.
નીતીશ કુમારે સોમવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ 50 મિનિટ મુલાકાત કરી હતી. જેડીયુના સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓએ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા પર ભાર મૂક્યો હતો. જોકે, આ દરમિયાન વિપક્ષના નેતૃત્વ પર કોઈ વાત થઈ નથી. ભવિષ્યમાં એજન્ડાના ભાગરૂપે ભાજપ વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરવાની વાત થઈ હતી.
વિપક્ષને એક કરવા માટે શરૂ કરાયેલા નવા અભિયાન અંતર્ગત નીતિશના સપા પ્રમુખ અખિલેશ યાદવ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આરએલડી, આઈએનએલડી, ટીએમસી સહિત અન્ય ઘણા વિરોધ પક્ષોના નેતાઓને મળશે. આ દરમિયાન નીતીશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.