Homeઉત્સવભાજપને ભિડાવવા નીતીશ મેદાને

ભાજપને ભિડાવવા નીતીશ મેદાને

*બિહારમાં ઓબીસી -વસતિગણતરીનો પ્રારંભ
*મોદી-મોરચામાં -અપના દલની નોખી ભૂમિકા
*દેશમાં અનામતની – સમીક્ષાનો સંઘનો આગ્રહ

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

ગુજરાત અને બિહાર આમનેસામને આવી ગયા છે: ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૭૨ વર્ષીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એક વાર સત્તાકાંક્ષાપૂર્તિ માટે ગુજરાત જીતવું અનિવાર્ય હતું. બિહારમાં ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે લડીને જનતા દળ (યુનાઇટેડ)ના સુપ્રીમો અને પાંચમી વાર મુખ્યમંત્રી બનેલા ૭૧ વર્ષીય નીતીશ કુમારે પલટી મારીને ફરીને લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાથે ઘર માંડી છઠ્ઠી વાર મુખ્યમંત્રીપદ સંભાળ્યું. પલટુ ચાચા અગાઉ વર્ષ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી આરજેડી સાથે લડીને મુખ્યમંત્રી બન્યા પછી ભાજપ સાથે ઘર માંડી ચૂક્યા હતા. હવે એમનો સંકલ્પ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને બિહારની કમાન સોંપીને ફરી રાષ્ટ્રીય રાજકારણમાં આવવાનો છે. રાષ્ટ્રીયસ્તરે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ નીતીશ કુમારની સરકારે આરજેડી અને કૉંગ્રેસ સાથેની મહાગઠબંધનની સરકાર થકી ગત સપ્તાહથી બિહારમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની વસ્તી ગણતરી આરંભી દીધી છે. આ તેમનો માસ્ટરસ્ટ્રોક લેખવામાં આવે છે. હિંદુ એકતાના મુદ્દાને આગળ કરીને ભાજપ અને સંઘ પરિવાર ઓબીસીની અલગ વસ્તી ગણતરીના વિરોધમાં છે. જોકે વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી સાથે ઓબીસીની વસ્તી ગણતરી કરવાની એ વેળાની કૉંગ્રેસના નેતૃત્વવાળી ડૉ.મનમોહન સિંહ સરકારની ઓબીસી વસ્તી ગણતરીને, માતૃસંસ્થા સંઘના વિરોધ છતાં, ભાજપે ટેકો આપ્યો હતો. જોકે આજ દિવસ સુધી ઓબીસીના એ ગણતરીના આંકડા જાહેર કરાયા નથી.
સાપે છછૂંદર ગળ્યાનો ખેલ
આઝાદી પછી પહેલીવાર ૨૦૧૧માં ઓબીસીની ગણતરી થઈ હતી. એ પહેલાં છેેલ્લે ૧૯૩૧માં જ થઇ હતી. મંડળ કમિશન અંગે અનામતની ટકાવારી ૫૦ ટકાની મર્યાદામાં નક્કી કરવામાં સુપ્રીમના ૧૬ નવેમ્બર, ૧૯૯૨ના ઈન્દ્રા સાહની ચુકાદામાં પણ ૧૯૩૧ની ૫૨ ટકા જેટલી ઓબીસી વસ્તીને ગણતરીમાં લેવામાં આવી હતી, પરંતુ અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ માટેની અનામત ટકાવારી સાથે અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધી ના જાય એટલા માટે ઓબીસીને ૨૭ ટકા અનામતનો લાભ ૧૯૯૨ના ચુકાદા પછી અપાયો હતો. હવે જયારે કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે નબળા વર્ગો માટે બંધારણ સુધારો કરીને ૧૦ ટકા ઈડબલ્યૂએસ અનામત ઉમેરતાં ૫૦ ટકાની અનામત ટોચમર્યાદા રહી નથી. આવા સંજોગોમાં દેશની ૫૨થી ૫૪ ટકા જેટલી ઓબીસી વસ્તી વધુ અનામત માગે છે. ભાજપ માટે આ મુદ્દો સાપે છછૂંદર ગળ્યા જેવો બન્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય બિન-ભાજપ શાસિત રાજ્યોમાં હવે ઓબીસી વસ્તીગણતરી કરાવવાની માગણી ઊઠી છે કારણ સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પણ એના અધિકૃત આંકડા રજૂ કરવા અથવા ઓબીસી અનામત રદ કરવાની ભૂમિકા લીધી છે. અત્રે સ્મરણ રહે કે વર્ષ ૨૦૧૫ની બિહારની ચૂંટણી વેળા આરએસએસના વડા ડો.મોહન ભાગવતે અનામત પ્રથાની સમીક્ષાની વાત કરી હતી અને ભાજપનો પરાજય થયો હતો. સંઘ હજુ આ મુદ્દે પોતાની મૂળ ભૂમિકા પર જ છે, પરંતુ ભાજપે વાળી લેવું પડે છે. વડા પ્રધાન મોદી પોતાને ઓબીસી નેતા ગણાવે કે રાષ્ટ્રપતિના આદિવાસી હોવાની વાતને આગળ કરે, પરંતુ ઓબીસી કમસે કમ બિહાર અને ઉત્તર પ્રદેશમાં તો લાલુ-નીતીશ-અખિલેશ સહિતના નેતાઓમાં વધુ ભરોસો મૂકી શકે છે. કૉંગ્રેસ પણ ફરીને રાખમાંથી બેઠી થઈ રહી છે. ગુજરાતમાં એ ભલે કોમામાં હોય, હિમાચલ પ્રદેશમાં એણે સત્તા મેળવી અને કર્ણાટક પણ એ જીતે એવા સંજોગો છે. આમ પણ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક ભાજપે જનમતની વિરુદ્ધ જઈ પક્ષપલટા કરાવીને કૉંગ્રેસ અને મિત્ર પક્ષની સરકારો તોડીને જ મેળવ્યાં છે.
ગુજરાતમાં ૬૦ ટકા ઓબીસી
ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઓબીસીના અધિકૃત આંકડાની ગેરહાજરીમાં બધી જ બેઠકોને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય (જનરલ) જાહેર કરી દેવાઈ હતી. જોકે માથે વિધાનસભાની ચૂંટણી હતી એટલે ઓબીસીને નારાજ કરવાનું પરવડે નહીં એટલે ભાજપની સરકારે નિવૃત્ત ન્યાયાધીશ ઝવેરીના વડપણ હેઠળ એક પંચ નિયુક્ત કર્યું. વિધાનસભાની ચૂંટણી પહેલાં અહેવાલ આવશે એવું જણાવાતું હતું, પરંતુ અહેવાલ હજુ આવ્યો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લંબાઈ ગઈ છે. જાણવા મળ્યા મુજબ, ગુજરાતમાં ઓબીસીની વસ્તી ૬૦ ટકા થવા જાય છે. એ આંકડાને કઈ રીતે નીચે લાવીને એ આંકડાઓ મુજબ ઓબીસીની બેઠકો ઘટાડવાના વ્યૂહ રચાઈ રહ્યા છે. ઓબીસીના જ જે પ્રતિનિધિઓ આ જસ્ટિસ ઝવેરી પંચમાં મુકાયા છે તેમના દ્વારા જ ઓબીસીની બેઠકો ઘટાડવાની ભલામણો કરાવવાના વેતમાં છે. ગુજરાતમાં ઓબીસીના નેતાઓ ઝાઝા બોલકા નથી અને સરકાર હવે ભવ્ય બહુમતી સાથે ગજગામી રીતે નિર્ણય લઇ શકે એવી સ્થિતિમાં છે. આમ પણ, ગુજરાતી પ્રજા સંતોષી છે. ઓબીસીની બેઠકો કે ટકાવારી ઘટાડવામાં આવે તો પણ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ઝાઝો ઉહાપોહ મચે એવું નથી.
બિહાર-ઉ.પ્ર.-મહારાષ્ટ્રમાં અસર
બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર ઓબીસી મતબૅંકને વિપક્ષો માટે મજબૂત કરવામાં છે ત્યારે વડા પ્રધાન મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનો ભાજપ પોતાની હિંદુ વોટબૅંક સાચવવામાં છે. એમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તારીખ પણ આપવા માંડી છે. ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩ દરમિયાન દસ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મે ૨૦૨૪ પહેલાં રામ મંદિર, કાશી-મથુરા, લવ જેહાદ, ટીપુ સુલતાન જેવા મુદ્દાઓની ધાર અત્યારથી કર્ણાટકથી લઈને ત્રિપુરાના ચૂંટણીલક્ષી સભાઓમાં કાઢવામાં આવી રહી છે. જોકે આવા જ તબક્કે કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રાની સભાઓમાં મહોબત કી દુકાનનો સંદેશ આગળ કરી રહ્યા છે. કૉંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ઘરવાપસી કરી રહ્યા છે કે જી-૨૩ના નામે ઉધામા મારનારા અસંતુષ્ટ કૉંગ્રેસીઓના ઉધામા શાંત પડી ચૂક્યા છે. રાહુલની પદયાત્રામાં લાખો માણસો સામેલ થઇ રહ્યાના ચમત્કારે સત્તાધીશોને રીતસર ઘાંઘા કરી મૂક્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઓબીસી, લઘુમતી અને વિપક્ષી એકતા આગામી લોકસભા ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે. ફરી એકવાર દેશમાં નેવુંના દાયકાની જેમ મંડળ સામે કમંડળની રાજનીતિનાં દર્શન થવાની શક્યતા છે. આ વખતે ચિત્ર કદાચ ભૂતકાળ કરતાં નોખું ઊપસી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular