નીતિશને ભ્રષ્ટાચાર કે અપમાનનો જરાય છોછ નથી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફરી પોતાના સાથી ભાજપ સાથે વાંકું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નીતિશ ભાજપથી નારાજ છે જ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના કાર્યક્રમો અને બેઠકોમાં ગેરહાજર રહીને સ્પષ્ટરીતે એ પોતાની નારાજગી વ્યક્ત કર્યા કરતા હતા. હવે નીતિશના એક સમયના સાથી અને મોદી સરકારના ભૂતપૂર્વ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહના ભ્રષ્ટાચાર અને રાજીનામાને મુદ્દે જેડીયુએ આક્રમક વલણ લેતાં નીતિશ ભાજપથી છેડો ફાડવાની તૈયારીમાં હોવાની વાતો વહેતી થઈ છે. નીતિશ અને ભાજપ ૧૧ ઑગસ્ટ સુધીમાં અલગ થઈ જશે અને રાજ્યમાં ફરી જેડીયુ-આરજેડીની સરકાર બની જશે એવી વાતો પણ વહેતી થઈ છે.
એક વર્ગ એવો છે કે જે માને છે કે, નીતિશ મરી જશે પણ તેજસ્વી યાદવ સાથે તો હાથ નહીં જ મિલાવે. તેજસ્વી યાદવ ૨૦૧૭માં રેલવેના કૉન્ટ્રાક્ટને લગતા ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું પછી નીતિશ કુમારે તેને રાજીનામું ધરી દેવા કહેલું. તેજસ્વી તૈયાર ના થતાં નીતિશે આરજેડી સાથેનું જોડાણ તોડી નાંખીને ભાજપનો ટેકો લઈને સરકાર રચી હતી. આ કારણે એવું મનાય છે કે, નીતિશ ભ્રષ્ટાચારના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે ને તેજસ્વી સાથે ફરી હાથ નહીં મિલાવે.
આ બહું મોટો ભ્રમ છે કેમ કે નીતિશે તેજસ્વીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે પણ લાલુ યાદવના ખાનદાનના ભ્રષ્ટાચારના કારનામા બધાંને ખબર હતા. મહાભ્રષ્ટાચારી લાલુને ઘાસચારા કૌભાંડમા સજા થયેલી ને તેજસ્વીની સંપત્તિ પણ ટાંચમાં લેવાયેલી છતાં નીતિશે તેજસ્વી સાથે હાથ મિલાવીને સરકાર રચી જ હતી.
નીતિશ કુમારે ૨૦૨૦માં ભાજપ સાથે મળીને ફરી સરકાર રચી ત્યારે શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીનો મુદ્દો ચગેલો. મેવાલાલ પહેલાં ભાગલપુરની બિહાર એગ્રીકલ્ચર યુનિવર્સીટીના કુલપતિ હતા ને એ દરમિયાન તેમણે ગરબડ ગોટાળા કરીને બહું મેવા ખાધેલા એવા આક્ષેપો થયા હતા. મેવાલાલે ધરાર નફફટાઈ બતાવીને કહી દીધેલું કે, મેં કશું ખોટું કર્યું નથી તેથી રાજીનામું આપવાનો સવાલ જ પેદા થતો નથી. નીતિશ મેવાલાલની પડખે હતા પણ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે જોરદાર દેકારો કરતાં છેવટે મેવાલાલે બેઆબરૂ થઈને નીકળવું પડ્યું એનું કારણ તેજસ્વીનો વિરોધ છે એ કબૂલવું પડે.
મેવાલાલનો કેસ આર્થિક ગોટાળાનો હતો પણ નીતિશે બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમની કલંકિત ઘટનામાં પોતાનાં મંત્રી મંજુ વર્માને છાવર્યાં હતાં. શેલ્ટર હોમની ૩૪ માસૂમ છોકરીઓને સમાજના કહેવાતા મોટા લોકોએ હવસનો શિકાર બનાવીને મહિનાઓ લગી ચૂંથ્યા કરી હતી. શેલ્ટર હોમ ચલાવનારો માણસ મંજુ વર્માના પતિનો ખાસ માણસ હતો. મંજુના પતિદેવ નિયમિત રીતે શેલ્ટર હોમમાં જતા ને અંદર શું ધંધા કરતા એ કહેવાની જરૂર નથી. મંજુ વર્માની વગના કારણે આ હવસલીલા બેરોકટોક ચાલતી હતી.
૨૦૧૭ના એપ્રિલમાં ઓડિટ રિપોર્ટમાં પહેલીવાર આ વાત બહાર આવી છતાં નીતિશ સરકારે કશું નહોતું કર્યું. તાતા ઈન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીસે ૨૦૧૮ના એપ્રિલમાં આ કૌભાંડનો ભાંડો ફોડ્યો પછી પણ નીતિશે કશું ના કર્યું. ૨૦૨૦ના ઑગસ્ટમાં એક છોકરીને તકલીફ થઈ ને પાપ છાપરે ચડીને પોકાર્યું ત્યારે પણ નીતિશ મંજુ પગલાં લેવા તૈયાર નહોતા. ભાજપ ને જેડીયુ બંને તેમનો બચાવ કરતા હતા. સીબીઆઈ તપાસમાં મંજુનુ નામ બહાર આવ્યું પછી નીતિશે વર્માને મંત્રીમંડળમાંથી દૂર કર્યાં પણ બીજાં કોઈ પગલાં ના લીધાં.
અત્યારે જેડીયુ આરસીપી સિંહના ભ્રષ્ટાચાર મુદ્દે હોહા મચાવી રહ્યો છે એ પણ નીતિશનાં બેવડાં ધોરણોનો નાદાર નમૂનો છે. નીતિશ અને આરસીપીનો સંબંધ ૨૫ વર્ષ જૂનો છે. આરસીપી ૧૯૯૮થી સતત નીતિશની નજીક રહ્યા છે. આ દરમિયાન આરસીપીએ ભ્રષ્ટાચાર કર્યો હોય કે સંપત્તિ ખરીદી હોય ને તેની ખબર નીતિશને હોય જ નહીં એ શક્ય નથી. આમ છતાં આ મુદ્દો કદી ના આવ્યો ને નીતિશ આંખ આડા કાન કરતા હતા. આરસીપીની ભાજપ સાથે નીકટતા વધી તેથી પોતાના પર ખતરો વધેલો લાગતાં નીતિશને આરસીપીનો ભ્રષ્ટાચાર ખૂંચવા લાગ્યો છે.
ટૂંકમાં વાત એટલી જ છે કે, નીતિશ કુમારે બહાર ચોખલિયા ને દૂધે ધોયેલા હોવાની પોતાની જે ઈમેજ ઊભી કરી છે એ લોકોને ઉલ્લું બનાવવા માટે છે. નીતિશ બીજા રાજકારણીઓ જેવા જ છે. તેમને પણ ભ્રષ્ટાચાર કે ગોરખધંધાઓનો જરાય છોછ નથી, ભ્રષ્ટાચારીઓ ને ગોરખ ધંધા કરનારાંનો પોતાના રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવામાં ને પછી તેનો શિરપાવ આપવામાં તેમને કોઈ શરમ નડતી નથી. રાજકીય ફાયદો મળતો હોય તો એ ગમે તેવાં પાપ ને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી જ શકે છે એ જોતાં એ ફરી ભ્રષ્ટાચારના કારણ જેનો સાથ છોડેલો એ તેજસ્વી સાથે હાથ મિલાવી લે તો જરાય નવાઈ નહીં લાગે.
નીતિશ થોડોક દેકારો કરીને પાછા બેસી જાય તો પણ નવાઈ નહીં લાગે. ભાજપ અને નીતિશ વચ્ચે પહેલાં પણ આ પ્રકારની લડાઈઓ થઈ છે પણ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહેતું. આ વખતે મામલો ગંભીર લાગે છે પણ રાજકારણમાં જે દેખાતું હોય એ હોતું નથી. બીજું એ પણ છે કે, ભાજપ ને જેડીયુ બંનેને એકબીજા વિના ચાલે એમ પણ નથી. બંને માટે ગરજનો સોદો છે એ જોતાં થોડીક કૂદાકૂદ પછી આ વખતે પણ ફરી ઘીના ઠામમાં ઘી પડી રહે એવું બને.
જેડીયુને ભાજપના નેતા નીતિશ કુમારનું સતત અપમાન કર્યા કરે છે તેની સામે પણ વાંધો છે. નીતિશને સરકાર ચલાવતાં નથી આવડતી એવી વાતો કરીને ભાજપના નેતા ઘોંચપરોણા કર્યા જ કરે છે. કોઈપણ મુદ્દે આવે ત્યારે ભાજપના નેતા નીતિશ પર તૂટી પડે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. સંજય જયસ્વાલથી માંડીને કેન્દ્રીય મંત્રીઓ સુધીના ભાજપના બધા નેતા નીતિશને અપમાનિત કરવાની કોઈ તક ચૂકતા નથી એ વાત સાચી છે પણ નીતિશ માટે એ વાતની પણ નવાઈ નથી. નીતિશ એટલે રીઢા છે કે, આ વાતોથી ટેવાઈ ગયા છે એ જોતાં આ મુદ્દે પણ સમાધાન કરી લે તો નવાઈ નહીં. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.