Homeટોપ ન્યૂઝનિતિન ગડકરીએ ટાટા ગ્રુપને નાગપુરમાં રોકાણ માટે આમંત્રિત કર્યા

નિતિન ગડકરીએ ટાટા ગ્રુપને નાગપુરમાં રોકાણ માટે આમંત્રિત કર્યા

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નિતિન ગડકરીએ ટાટા જૂથને તેમના વતન નાગપુર અને આસપાસના વિસ્તારોમાં રોકાણ કરવા આમંત્રણ આપતાં જણાવ્યું છે કે શહેરમાં માળખાકીય સુવિધાઓ, જમીનની ઉપલબ્ધતા અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. ગડકરીએ 7 ઓક્ટોબરે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સ્ટીલ, ઓટો, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આઈટી સેવાઓ અને ઉડ્ડયન ક્ષેત્રની ટાટા જૂથની કંપનીઓ તેમના રોકાણ માટે નાગપુરની પસંદગી કરી શકે છે.
ચંદ્રશેખરને તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટાટા જૂથ ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય અદ્યતન ક્ષેત્રોમાં રોકાણની તકો શોધી રહ્યું છે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.
મીડિયા સાથે શેર કરવામાં આવેલો આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે મહારાષ્ટ્રના હાથમાંથી અનેક મોટા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં જઈ રહ્યા છે. ફોક્સકોન-વેદાંત જૂથનો રૂ. 1.5 લાખ કરોડનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ મહારાષ્ટ્રથી ગુજરાતમાં જતો રહ્યો છે. આ પછી ગુજરાતમાં ટાટા ગ્રુપ અને એરબસના રૂ. 22,000 કરોડના રોકાણના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પણ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જતો રહ્યો હોવાની વિપક્ષો કાગારોળ મચાવી રહ્યા છે.
પત્રમાં ગડકરીએ લખ્યું છે કે, “ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, વોલ્ટાસ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, બિગ બાસ્કેટ જેવી ટાટા જૂથની તમામ કંપનીઓ નાગપુરમાં ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લઈ શકે છે.”

RELATED ARTICLES

Most Popular